ઝવેરીબજારની આ ભેળ ટ્રાય કરી છે કે નહીં?

22 November, 2025 10:31 PM IST  |  Mumbai | Darshini Vashi

ભેલપૂરી કિંગ ઑફ મુંબઈના નામે પ્રખ્યાત ‘ઑલ ઇન્ડિયા ભેલવાલા’ની ભેળના ચાહકો ઘણા છે, ઝવેરીબજારમાં સૌથી બિઝીએસ્ટ લેનમાં આવેલી ઑલ ઇન્ડિયા ભેલવાલા બહુ જૂની દુકાન ધરાવે છે અને એની ભેળ અહીં એટલીબધી લોકપ્રિય છે...

ઝવેરીબજારની આ ભેળ ટ્રાય કરી છે કે નહીં?

ઝવેરીબજારના ફૂડ-સ્ટૉલ્સથી આજે ભાગ્યે જ કોઈ અજાણ હશે. કહેવાય છે કે ઝવેરીબજાર માત્ર બે વસ્તુઓ માટે ફેમસ છે, એક તો જ્વેલરી અને બીજું છે ત્યાંનાં ફૂડ-સ્ટૉલ. અમુક ફૂડ-સ્ટૉલ તો કેટલાય દાયકાઓથી લોકોને પેટપૂજા કરાવી રહ્યા છે તો કેટલાકની તો હવે ત્રીજી પેઢી પણ આવી ગઈ છે તેમ છતાં હજી ઝવેરીબજારના ફૂડનો ચટાકો લેવાનું લોકો ભૂલ્યા નથી. આવી જ એક જગ્યા છે  ‘ઑલ ઇન્ડિયા ભેલવાલા’. 

ઝવેરીબજારમાં સૌથી બિઝીએસ્ટ લેનમાં આવેલી ઑલ ઇન્ડિયા ભેલવાલા બહુ જૂની દુકાન ધરાવે છે અને એની ભેળ અહીં એટલીબધી લોકપ્રિય છે કે એને ભેલપૂરી કિંગ ઑફ મુંબઈ તરીકેનું ઉપનામ પણ મળ્યું છે. આ સ્ટૉલ-કમ-દુકાનની વાત કરીએ તો એ ખૂબ જ નાની કહી શકાય એવી જગ્યામાં આવેલી છે. નૉર્મલ ઠેલા ટાઇપ આ સ્ટોલની અંદર ચાર માણસો સતત ભેળપૂરી બનાવવાની તૈયારી કરતા દેખાઈ દેશે. જેવો આ સ્ટૉલ શરૂ થાય અને એને બંધ કરવાનો સમય આવે ત્યાં સુધી અહીં પુષ્કળ ગિરદી રહેતી હોય છે. માત્ર ઝવેરીબજારમાં આવતા-જતા લોકો જ નહીં પણ અહીં આસપાસના વિસ્તારમાં આવેલી ઑફિસ અને કૉલેજના વિદ્યાર્થીઓ પણ અહીં ભેળ ખાવા માટેની લાઇનમાં ઊભા રહેલા જોવા મળશે.

અહીં માત્ર બે જ વસ્તુઓ મળે છે, એક ભેળપૂરી અને બીજું છે સેવપૂરી. જો તમે બહુ હાઇજીનિક વસ્તુઓ ખાવાનું પ્રિફર કરતા હો તો તમને કદાચ અહીં આવીને થોડું અજુગતું લાગી શકે છે, બાકી જે વર્ષોથી અહીં ભેળ ખાય છે અને જેમને એ ભાવે છે તેઓ મોજથી એની મજા લેતા હોય છે. હવે અહીંની ભેળની વાત કરીએ તો નૉર્મલ ભેળમાં જે વસ્તુઓ પડે છે એ દરેક વસ્તુઓ અહીં હોય છે. આ સિવાય દાડમ, બુંદી અને ઢગલાબંધ ચટણીઓ. અહીં સેવપૂરી બનાવવાની અલગ ખાસિયત એ જોવા મળી કે તેઓ પહેલાં પૂરી પર બટાટા અને કાંદા મૂકીને પછી બધી ચટણીઓ પાથરે છે અને પછી ઉપરથી ટમેટાં, દાડમ, સેવ, ખારી અને મોળી બુંદી વગેરે નાખે છે. અહીં જૈન ભેળ પણ મળે છે.

ક્યાં મળશે? : ઑલ ઇન્ડિયા ભેલવાલા, અગિયારી લેન, ઝવેરીબજાર

food news food and drink street food Gujarati food mumbai food indian food darshini vashi