નિત્યાનંદ ઢોસાવાળા ભાઈ પોતાના ઢોસામાં અનુસ્વાર લગાડે છે. કારણ મારે પૂછવું હતું પણ ઢોસાનો સ્વાદ એટલો સરસ હતો કે એ પૂછવાનું જ ભૂલી ગયો. મને તો નવાઈ લાગી કે માળું બેટું આણંદમાં ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન!
આણંદ જઈને મેં શું અદ્ભુત ઢોંસા ખાધા, વાત જ જવા દો
મારે હમણાં નાટકના શો માટે આણંદ જવાનું થયું. હવે શેડ્યુલ એવું હતું કે મારે આણંદનો શો પૂરો કરીને અમદાવાદ જવાનું હતું એટલે ઑલમોસ્ટ આખો દિવસ મારે બહાર જ ખાવાનું હતું. સવારે અમે આણંદ જવા માટે ટ્રેન પકડી અને સાંજે પાંચેક વાગ્યે તો અમે પહોંચી ગયા. મને થયું કે હવે મારે કંઈક ખાઈ લેવું જોઈએ. અફકોર્સ પ્રોડક્શન્સના બટાટાપૌંઆ તો આવવાના જ હતા પણ મને થયું કે હું કંઈક સારું શોધું જેથી પેટ બરાબર ભરાય અને રાતે મારે કંઈ ખાવું ન પડે.
મેં થોડીક તપાસ કરી તો ખબર પડી કે આણંદમાં નિત્યાનંદ ઢોસાવાળો છે, તેના ઢોસામાં જલસો પડશે. વધારે પૂચ્છા કરી તો ખબર પડી કે એકદમ ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં છે. મને તો નવાઈ લાગી કે માળું બેટું આણંદમાં ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન! મેં તો સાઉથનાં મોટા ભાગનાં ગામો અને શહેરમાં જઈને સાઉથ ઇન્ડિયન ખાધું છે એટલે મને થયું કે ચાલો, અહીં અખતરો કરી આવીએ. વાત આગળ વધારતાં પહેલાં હું તમને આ નિત્યાનંદ ઢોસા (તે ઢોંસા લખે છે)વાળાનું ઍડ્રેસ સમજાવી દઉં. તમારે કંઈ નથી કરવાનું, સ્ટેશન પર ઊતરીને કોઈ પણ રિક્ષાવાળાને કહેશો તો તે તમને અચૂક પહોંચાડી દેશે. બીજું, આણંદમાં એન્ટર થતાં જ તમારે ગૂગલબાબાને ઑન કરી દેવાના, એ તમને અહીં પહોંચાડી દેશે.
ત્યાં જઈને મેં મેનુ જોયું. મેનુમાં લખ્યું હતું લસણિયા મસાલા ઢોસા અને લસણિયા સાદા ઢોસા. માળું બેટું આ નવું એટલે મેં તો કહ્યું કે લસણિયા મસાલા ઢોસા જ ટ્રાય કરીએ. તવો બહાર જ હતો. હું તો જોવા માંડ્યો રેસિપી, પણ એનો જે માલિક હતો તે મારી પાસે સામેથી આવ્યો. આવીને મને કહે કે તમે અહીં આવ્યો છો ને અમારાં દહીંવડાં ટ્રાય નહીં કરો? દહીંવડાં તો ચાખવાં જ પડશે. મિત્રો, આ જે આણંદ છે એનું દૂધ અદ્ભુત હોય છે. અમૂલ ડેરી તો આણંદમાં છે જેની તમને ખબર છે, પણ અહીંનું દૂધ અને એમાંથી બનતું દહીં એટલું ક્રીમી છે કે વાત જ જવા દો.
દહીંવડાં બહુ સરસ હતાં. મીઠું દહી, એના પર મીઠું અને લાલ મરચાનો સહેજ પાઉડર અને પછી શેકેલા જીરુનો તરત જ હાથેથી કરીને ભભરાવેલો કરકરો ભૂકો. મજા પડી ગઈ. દહીં એવું તે ક્રીમી હતું કે મોઢામાં તાળવું એકદમ લીસું થઈ ગયું.
દહીંવડાં પૂરાં કર્યાં ત્યાં તો મારો લસણિયો મસાલા ઢોસો આવી ગયો. આ કાઠિયાવાડી અને સાઉથ ઇન્ડિયન આઇટમનું ફ્યુઝન છે એવું કહું તો ચાલે. જે કાઠિયાવાડ ગયું હોય તેને ત્યાં મળતા લસણિયા બટાટાની ખબર હશે. બસ, એ જ લસણિયો મસાલો આપણા મુંબઈમાં મળતા મસાલા ઢોસાના મસાલા સાથે મિક્સ કરી દેવામાં આવ્યો હતો, પણ સ્વાદ એનો એક નંબર હતો. તમે આખેઆખો ઢોસો ચટણી કે સાંભાર વિના ખાઈ શકો. મને મજા આવી ગઈ, પણ સૌથી વધારે મજા મને મારા પ્લાન પર આવી ગઈ.
હું મારી આખી ટીમને લઈને ઢોસા ખાવા ગયો હતો એટલે મેં તો એક પછી એક ઑર્ડર કરવાનું શરૂ કરી દીધું. ચીઝથી લથબથ જીની ઢોસા, મૈસૂર મસાલા ને બીજું કંઈકેટલુંય. જો હું એકલો હોત તો એ બધું ટ્રાય નહોતો કરી શકવાનો પણ ટીમ સાથે હતી એટલે એ લોકોમાંથી તો થોડું-થોડું ટ્રાય કરી શકુંને!
પેટ ભરીને જાતજાતના ઢોસા ખાધા અને હું સહમત થયો કે હા, સાચે જ એનો સાંભાર અને ચટણી ઑથેન્ટિક હતાં. સાંભારમાં ગળાશ નહોતી, જે મોટા ભાગના ગુજરાતી ઢોસાવાળાઓને ત્યાં હોય છે. અરે, પ્યૉર સાઉથ ઇન્ડિયન બનાવવાવાળા હોય છે તે પણ હવે કસ્ટમરની ડિમાન્ડને કારણે ગળાશવાળો સાંભાર બનાવતા થઈ ગયા છે; પણ હશે, નિત્યાનંદમાં એવું નહોતું.
જો આણંદ જવાનું બને તો એક વખત આ જગ્યા પર અચૂક જજો.