ભૂંગળા બટાટાથી ઘૂઘરા સૅન્ડવિચ અને હાંડવાથી લઈને પૂડલા સૅન્ડવિચ સુધીનું બધું મળે છે અહીં

08 August, 2026 09:14 PM IST  |  Mumbai | Darshini Vashi

મીરા રોડમાં આવેલું આપડુ રસોડુ ખરેખર તો ગુજરાતનું જ રસોડું છે, ગુજરાતી નાસ્તા અને ભોજન તો મુંબઈમાં ઘણી જગ્યાએ હવે મળે છે, પરંતુ ખરા અર્થમાં ગુજરાતી ભોજન ખાવાની ત્યારે મજા આવે જ્યારે એને એક ગુજરાતી દ્વારા ઑથેન્ટિક રીતે બનાવવામાં આવે.

ભૂંગળા બટાટાથી ઘૂઘરા સૅન્ડવિચ અને હાંડવાથી લઈને પૂડલા સૅન્ડવિચ સુધી બધું મળે

ગુજરાતી નાસ્તા અને ભોજન તો મુંબઈમાં ઘણી જગ્યાએ હવે મળે છે, પરંતુ ખરા અર્થમાં ગુજરાતી ભોજન ખાવાની ત્યારે મજા આવે જ્યારે એને એક ગુજરાતી દ્વારા ઑથેન્ટિક રીતે બનાવવામાં આવે. આવી એક જગ્યા મીરા રોડમાં આવેલી છે જેનું નામ છે આપડુ રસોડુ. એને મેહુલ ગોહિલ અને તેમની પત્ની સોનલ ગોહિલ સંભાળે છે. અહીં મળતી વાનગીઓ આ કપલ જાતે બનાવે છે અને જો કોઈ દિવસ ઑર્ડર વધી જાય તો તેમના બન્ને દીકરાઓને પણ બોલાવી લે છે.
મીરા રોડમાં આપડુ રસોડુ ચલાવતા મેહુલ ગોહિલ કહે છે, ‘આપણે કોઈને નિર્દેશ આપીએ અને પછી તે તેની રીતે ગુજરાતી ભોજન બનાવે એમાં મજા ન આવે. એના કરતાં મહેનત ભલે થોડી વધારે લાગે પણ આપણે જાતે બનાવીએ તો આપણી રીતે ચોખ્ખાઈની સાથે રસોઈમાં ટેસ્ટ પણ જાળવી શકીએ. એટલે અમે માણસો રાખ્યા નથી. હા, શૉપ પર ઘણી વખત થેપલાં કે રોટલીનો ઑર્ડર વધારે આવી જાય છે તો અમે માત્ર રોટલી અને થેપલાં વણવા માટે એક ગુજરાતી બહેનને રાખ્યાં છે. મારી વાઇફ ટિફિન-સર્વિસ પણ ચલાવે છે. જોકે એમાં અતથી ઇતિ સુધીનું બધું મારી વાઇફ જ કરે છે. અમારે ત્યાં ગુજરાતના દરેક પ્રાંતની અલગ-અલગ ડિશ મળે છે. જેમ કે અમદાવાદના ટેસ્ટના દાલ-પકવાન, ભાવનગરના ભૂંગળા-બટાટા, કાઠિયાવાડી સ્ટાઇલનો હાંડવો, સુરતી લોચો, ઘૂઘરા સૅન્ડવિચ, ખાટાં ઢોકળાં, પૂડલા સૅન્ડવિચ, કોલ્ડ કૉફી વગેરે મળે છે. અમે જાણી જોઈને અમારું મેનુ લિમિટેડ રાખ્યું છે જેથી બધી વસ્તુ પર ધ્યાન આપી શકીએ. આગામી દિવસોમાં અમે બીજી બે આઇટમ લઈને આવી રહ્યા છે. એક તો છે આલુ પૂરી અને બીજી છે પાણી પકોડા.’
ક્યાં મળશે? : આપડુ રસોડુ, પૂનમનગર ફેઝ 3, મીરા રોડ-ઈસ્ટ, સમય : સવારે આઠથી બપોરે બે અને સાંજે પાંચથી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી

mira road darshini vashi columnists food and drink food news street food Gujarati food mumbai food indian food