ઑથેન્ટિક રૉ-મટીરિયલની ઑથેન્ટિક વેજ સૅન્ડવિચ

16 September, 2021 05:38 PM IST  |  Mumbai | Sanjay Goradia

વેજિટેબલ સૅન્ડવિચમાં કાંદા,બીટ અને ગાજર અને એવુંબધું તો હવે ઉમેરાતું થયું; પણ પહેલાં તો એમાં માત્ર બટાટા, ટમેટાં અને કાકડી જ નાખતા. કહેવાય છે કે જો તમારે સાચો ટેસ્ટ માણવો હોય તો એમ જ વેજ સૅન્ડવિચ ખાવી જોઈએ

ઑથેન્ટિક રૉ-મટીરિયલની ઑથેન્ટિક વેજ સૅન્ડવિચ

આપણી આ ફૂડ ડ્રાઇવ આગળ વધારીએ એ પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરવાની. ગયા અઠવાડિયે આપણે જે દાળવડાંની વાત કરી એમાં મેં એવું કહ્યું હતું કે એ ચણાની દાળ વાટીને બનાવવામાં આવે છે, પણ એ ભૂલ હતી. દાળવડાં મગની ફોતરાંવાળી દાળને વાટીને બનાવવામાં આવે છે. માફી. આ એક નાનકડા સુધારા સાથે હવે આપણે આપણી ફૂડ ડ્રાઇવ લઈ જઈએ ફરી પાછા ઓલ્ડ નાગરદાસ રોડ પર.
પહેલાં ઓલ્ડ નાગરદાસ રોડ પર સૅલડ અને એ પછી સાબુદાણાની ખીચડી એમ બે આઇટમ આવ્યા પછી ઘણા મિત્રોના મને ફોન આવ્યા કે આ જ રોડ પર બે ફેમસ વરાઇટી હજી છે, ત્યાં જઈને એ આઇટમનો આસ્વાદ કરાવો. તો ડૉક્ટર-ફ્રેન્ડ અજિત ગાંધીનો પણ ફોન આવ્યો કે આ જ રોડ પર નારાયણની સૅન્ડવિચ પણ બહુ સરસ મળે છે, ત્યાં લટાર મારી આવ. 
ઓલ્ડ નાગરદાસ રોડ પર ચિનાઈ કૉલેજ છે અને મિત્રો, જ્યાં કૉલેજ હોય ત્યાં હંમેશાં ફૂડ-આઇટમમાં પુષ્કળ વરાઇટીઓ જોવા મળે. વરાઇટી પણ મળે અને સાથોસાથ એ ભાવમાં પણ રીઝનેબલ હોય. એક ડૉક્ટર દરજ્જાના માણસ આઇટમ વખાણતા હોય તો નક્કી એ ક્વૉલિટીમાં બેસ્ટ જ હોય. મનમાં આ નારાયણની સૅન્ડવિચ ખાવાનું ચાલતું જ હતું અને એવામાં મેસેજ આવ્યો અમેરિકાથી ઍક્ટ્રેસ સોનાલી ત્રિવેદીનો કે નારાયણની સૅન્ડવિચ ટ્રાય કર. પત્યું, કન્ફર્મ થઈ ગયું. નારાયણના વોટ વધતા જતા હતા એટલે નક્કી કરી લીધું અને હું તો સાચે જ નીકળી પડ્યો ઓલ્ડ નાગરદાસ રોડ પર નારાયણ સૅન્ડવિચવાળાને શોધવા. શોધતાં-શોધતાં ખબર પડી કે આમને-સામને બે નારાયણ સૅન્ડવિચ છે. 
વધુ તપાસ કરી તો ખબર પડી કે બન્ને ભાઈઓ છે અને બન્નેની સૅન્ડવિચનો ટેસ્ટ ઑલમોસ્ટ સરખો જ છે. ચાલો, એક ટેન્શન ગયું. હું તો ગયો જમણી બાજુ આવતા નારાયણ સૅન્ડવિચવાળાને ત્યાં અને ઑર્ડર આપ્યો પ્યૉર વેજિટેબલ સૅન્ડવિચનો. 
વેજ સૅન્ડવિચમાં બટાટા, ટમેટાં, કાકડી, કાંદા, બીટ હોય. જોકે એક સમયે વેજ સૅન્ડવિચમાં બટાટા, ટમેટાં અને કાકડી જ નાખવામાં આવતાં. નારાયણ સૅન્ડવિચવાળાની એ જ રીત છે.  બટાટાનો થર કરી એના પર જલજીરા જેવો ભૂખરા રંગનો મસાલો આવે છે, જેનો સ્વાદ દરેક સૅન્ડવિચવાળાનો અલગ-અલગ હોય છે. એ પછી આવે ટમેટાં. ટમેટાં ઉપર ફરી એ જ મસાલો નાખવામાં આવ્યો અને એના પર કાકડી ગોઠવીને ફરીથી એ જ મસાલો છાંટ્યો અને એ પછી સૌથી ઉપર મૂકવાની બ્રેડમાં ગ્રીન ચટણી અને કથ્થઈ કલરની લસણની ચટણી લગાવી. આ જે લાલાશ પડતા કથ્થઈ રંગની ચટણી હતી એ ટિપિકલ લસણની ચટણી કરતાં જુદી હતી અને એનો સ્વાદ પણ અદ્ભુત હતો. 
વેજ સૅન્ડવિચ સાથે ગ્રીન ચટણી અને કેચઅપ આપ્યાં, પણ મને સૅન્ડવિચ સાથે કેચઅપનો ટેસ્ટ ગમતો નથી એટલે મેં ટ્રાય કરી ગ્રીન ચટણી. અદ્ભુત તીખાશ અને ચટણીનું ટેક્સ્ચર પણ બહુ સરસ. રીતસર ચળકાટ મારે. મેં પૂછ્યું તો માલિક નારાયણના દીકરા સાગરે કહ્યું કે ચટણીમાં પાલકની ભાજી નાખવામાં આવે છે, ચમક એની છે. લીલાં મરચાંનો થેલો પણ તેણે મને દેખાડ્યો અને કહ્યું કે જે તીખાશ છે એ આ લીલાં મરચાંની રિયલ તીખાશ છે. મિત્રો, માર્ગરિટા નહીં પણ રિયલ બટર, ગ્રીન ચટણી, લસણની ચટણી, ટમેટાં, બટાટા, કાકડી અને એની ઉપર પેલો ચટપટા ટેસ્ટનો સ્પેશ્યલ મસાલો. 
જલસો, જલસો ને સાતેય કોઠે દીવા. 
જો ક્યારેય અંધેરી-ઈસ્ટમાં સ્ટેશનની બાજુમાં ઓલ્ડ નાગરદાસ રોડ પર જવાનું બને તો અચૂક સૅન્ડવિચ ટ્રાય કરજો. આરામથી બે કલાક નીકળી જશે અને જમવાનું બગડશે પણ નહીં. બ્રન્ચ તરીકે ચાલે એવી આ એક સૅન્ડવિચની પ્રાઇસ છે ફક્ત રૂપિયા ૩પ.

Gujarati food mumbai food indian food Sanjay Goradia columnists