10 July, 2025 01:34 PM IST | Mumbai | Heena Patel
મેથી, કારેલાં
આયુર્વેદમાં ઋતુચર્યા અનુસાર ભોજન લેવાનું મહત્ત્વ છે. એનું કારણ જ એ છે કે દરેક ઋતુમાં શરીરની પ્રકૃતિ, અગ્નિ એટલે કે પાચનશક્તિ અને દોષો એટલે કે વાત, પિત્ત અને કફની સ્થિતિ બદલે છે. એટલે હંમેશાં દરેક મોસમમાં એ જ ભોજન લેવું જોઈએ જે એ ઋતુ અનુસાર શરીરને સંતુલિત રાખે. એટલે ચોમાસા દરમિયાન કેવા પ્રકારની શાકભાજી ખાવી જોઈએ અને કેવા પ્રકારની શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ એ આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. દત્તાત્રેય કુલકર્ણી પાસેથી જાણી લઈએ.
શું ન ખાવું?
ચોમાસામાં લીલાં પાંદડાંવાળી શાકભાજી એટલે કે પાલક, મેથી વગેરે ખાવાનું ટાળવું જોઈએ. લીલાં પાંદડાંવાળી ભાજી જમીનની નજીકથી ઊગે છે. ચોમાસામાં ભેજ અને વરસાદને કારણે જમીન કાદવ-કીચડવાળી થવાથી પાંદડાં પર ફંગસ, બૅક્ટેરિયા, જંતુઓ જમા થવા લાગે છે. આવી દૂષિત શાકભાજી ખાઈને પેટમાં દુખાવો, તાવ, અતિસારની સમસ્યા થઈ શકે છે. પાંદડાંવાળી ભાજીને શીતળ અને કફવર્ધક માનવામાં આવે છે. વરસાદની ઋતુમાં વાતાવરણ ઠંડું હોય છે અને એવામાં જો આવી ભાજી ખાવામાં આવે તો શરીરમાં કફ વધી જવાની શક્યતા હોય છે.
દૂધી
જમીનની નીચે ઊગતાં કંદમૂળ જેમ કે બટાટા, શક્કરિયાં, રતાળુ તેમ જ મૂળિયાંવાળી શાકભાજી જેમ કે મૂળાં, ગાજર, બીટ વગેરેને પણ ચોમાસામાં ખાવાનું ટાળવું જોઈએ. ચોમાસામાં જમીન ભીની રહે છે; પરિણામે કંદમૂળ અને મૂળિયાંવાળી ભાજીમાં ફૂગ, બૅક્ટેરિયા, જીવાણુ ઝડપથી પેદા થાય છે. એટલે જો આવી દૂષિત મૂળિયાંવાળી ભાજી અને કંદમૂળ ખાવામાં આવે તો પેટ સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે. એમ પણ મૂળિયાંવાળી ભાજી અને કંદમૂળ પચવામાં ભારે હોય છે, કારણ કે એમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. ચોમાસામાં આપણો જઠરાગ્નિ એટલે કે પાચનશક્તિ નબળી હોય છે એટલે પચાવવામાં ભારે કંદમૂળ ખાવાનું ટાળવું જોઈએ; નહીંતર એ ગૅસ, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો જેવી સમસ્યા સર્જી શકે છે.
તૂરિયાં
એવી જ રીતે ચોમાસામાં કોબી, ફ્લાવર, બ્રૉકલી જેવી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે એમાં પણ અંદર કીડા છુપાયેલા હોઈ શકે જે પેટમાં જાય તો ફૂડ-પૉઇઝનિંગ કરી શકે છે. ચોમાસામાં શરીરમાં વાયુ શરીરમાં વધેલો હોય છે એટલે વટાણા, ફણસી, ચોળી જેવી ફળીવાળી શાકભાજી ન ખાવી જોઈએ કારણ કે એ શરીરમાં વાયુનું પ્રમાણ વધારી શકે છે. ચોમાસામાં ફણગાવેલાં કઠોળ ન ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે એ પચવામાં ભારે હોવાથી ગૅસની સમસ્યા વધી શકે છે. તમારે ખાવાં જ હોય તો ફણગાવેલાં કઠોળને કાચાં ખાવાને બદલે એનું શાક બનાવીને ખાવું જોઈએ. ચોમાસામાં રીંગણ પણ ન ખાવાં જોઈએ કારણ કે એ શરીરમાં વાત અને પિત્ત વધારી શકે છે. ઘણા લોકોને રીંગણાનું શાક ખાધા પછી ગૅસની સમસ્યા થાય છે.
પાલક
ટિપ્સ
૧. ચોમાસામાં શાકભાજીને હંમેશાં સરખી રીતે ધોઈને જ ખાવી જોઈએ. એમાં જો કીટાણુ રહી જાય અને એ પેટમાં જાય તો ફૂડ-પૉઇઝનિંગ થઈ શકે છે. રાંધતાં પહેલાં શાકભાજીને ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને ૧૦-૧૫ મિનિટ માટે પલાળીને રાખવી જોઈએ.
૨. શાકભાજીને કાચી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે એ ગૅસ, અપચો વધારી શકે છે. ઘણા લોકોને કાચી કોબી, કાકડી સૅલડમાં નાખીને ખાવાની કે પછી કાચા ફ્લાવરને ઝીણા છીણીને એમાં મસાલો મિક્સ કરીને કોબીનાં પરાઠાં બનાવવાની આદત હોય છે જે ચોમાસામાં ટાળવું જોઈએ.
૩. શાક બનાવતી વખતે એમાં હળદર, જીરું, અદરક, હિંગ, તજ, અજમો જેવા મસાલાનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. આ મસાલાઓ સ્વાદ વધારવાની સાથે પાચનશક્તિ સુધારવામાં એમ જ ગટમાં ગુડ બૅક્ટેરિયાને વધારવાનું કામ કરે છે.
શું ખાવું જોઈએ?
ચોમાસામાં વેલ પર ઊગતી શાકભાજી જેવી કે તૂરિયાં, દૂધી, ગલકાં, પરવળ, કારેલાં, ટિંડોળા વગેરે જેવી શાકભાજી ખાવી જોઈએ. સામાન્ય રીતે આ શાકભાજી જમીનથી ઊંચે ઊગે છે. એટલે જમીનના કાદવ, કીટાણુથી દૂર રહે છે. વેલ પર ઊગતી શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે એટલે એ પચવામાં પણ હળવી હોય છે.