✕

મદ્રાસ કૅફેનો ઑપ્શન એટલે અય્યપ્પન ઇડલી

14 November, 2026 04:02 PM IST  |  Mumbai | Sanjay Goradia

ભાવ પણ લગભગ સરખા અને સ્વાદ પણ એવો જ. સૌથી સારી વાત એ કે ઍર-કન્ડિશન્ડ રેસ્ટોરાં અને વિશાળ જગ્યાને લીધે લાઇનમાં ઊભા નહીં રહેવાનું

અય્યપ્પન ઇડલીનો સ્વાદ માણતા સંજય ગોરડિયા

હમણાં અમારા નાટકનો શો મૈસૂર અસોસિએશનમાં હતો. મૈસૂર અસોસિએશન એક ઑડિટોરિયમ છે જે માટુંગામાં છે. હું તમને એનો એક્ઝૅક્ટ રસ્તો કહું તો માટુંગા સર્કલ જેને મહેશ્વરી ઉદ્યાન કહે છે ત્યાંથી એક ફાંટો મદ્રાસ કૅફે તરફ જાય. બસ, મદ્રાસ કૅફેથી તમે ૧૦૦ મીટર આગળ જાઓ એટલે ડાબી બાજુએ આ ઑડિટોરિયમ છે.

બૅક-ટુ-બૅક બે શો હતા, એટલે નક્કી કર્યું કે મદ્રાસ કૅફેમાં ખાવા માટે જવું. મદ્રાસ કૅફે એટલે અમારા જેવા સાઉથ ઇન્ડિયન લવર્સ માટે તીર્થધામ કહેવાય. આ મદ્રાસ કૅફેથી તમે મૈસૂર અસોસિએશન તરફ આવો તો બે બિલ્ડિંગ પછી ડાબી બાજુએ અય્યપ્પન ઇડલી નામની નવી રેસ્ટોરાં શરૂ થઈ છે. એના પર નજર પડી એટલે તરત જ થયું કે મદ્રાસ કૅફેમાં તો બહુ ખાધું, અય્યપ્પન ઇડલીમાં જઈએ. અમે ગયા અય્યપ્પન ઇડલીમાં. એકદમ નવી રેસ્ટોરાં, ઍર-કન્ડિશન્ડ અને એ પછી પણ પ્રાઇઝ રીઝનેબલ. મેનુ પણ ખાસ્સું મોટું. આજકાલ બહુ ચાલ્યા છે એ બેણ્ણે ઢોસા પણ ત્યાં હતા. સાંજે સાડાછ વાગ્યાનો સમય હતો. અમે સૌથી પહેલાં મગાવી ઘી-પોડી ઇડલી. આવી જગ્યાએ જતી વખતે જો મને કંપની મળી જાય તો મારે મન જાણે કે ગોળનું ગાડું મળી ગયું. બેનિફિટ એ થાય કે હું વધારે ને વધારે આઇટમ ચાખી શકું. એ દિવસે મારી સાથે મારા સાથી કલાકાર નીલેશ પંડ્યા અને સાગર રાવલ હતા.

ઘી-પોડી ઇડલી આવી. ગરમાગરમ ઇડલી, એના પર દેશી તાજું ઘી અને એના પર પોડી પાઉડર જેને આપણે મુલગાપુડી કે ગન પાઉડર પણ કહીએ છીએ. સાથે બે પ્રકારની સફેદ અને લાલ ચટણી અને સાંભાર. આહાહા, મજા-મજા પડી ગઈ. અમે ફરી મેનુમાં નજર કરી તો મારું ધ્યાન ગયું રસમ ઇડલી પર. આ જે રસમ ઇડલી છે એ બહુ ઓછી જગ્યાએ મેં ટ્રાય કરી છે, પણ એનો સ્વાદ અદ્ભુત. નાની કૉઇન સાઇઝની ઇડલી અને રસમ. રસમ જેને ભાવે એને જ ભાવે. એમાં ખટાશ વધારે હોય. રસમ ઇડલી ઉપરાંત દહીંવડાં, દહીં ઇડલી અને મેદુવડાં પણ હતાં. સૌથી સારી વાત એ કે સિંગલ ઇડલી જોઈએ તો સિંગલ ઇડલી પણ તમને આપે અને મુલગાપુડી તમને એક્સ્ટ્રા જોઈએ તો એ પણ આપે.

ઢોસામાં પણ ખાસ્સી વરાઇટી હતી તો બેણ્ણે ઢોસામાં પણ ૧૦થી ૧૨ વરાઇટીઓ હતી. જાતજાતના ઉત્તપમ પણ હતા અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં હોય તો ફિલ્ટર કૉફી તો હોય જ. અને આ એક શિરસ્તો છે કે ૧૦માંથી ૮ કસ્ટમર બધું જમી લીધા પછી ફિલ્ટર કૉફી મગાવે. સાઉથમાં તો ૧૦માંથી ૧૦ જણ છેલ્લે કૉફી પીએ. એનું કારણ શું હશે એ તો મને નથી ખબર, પણ ફિલ્ટર કૉફીની મજા કંઈક જુદી જ છે. આપણે ત્યાં જેમ કુકર અને ચીમનીઓની દુકાન હોય છે એવી જ રીતે ચેન્નઈમાં તો ફિલ્ટર કૉફીનાં મશીનોની દુકાન હોય છે. હવે તો ઑનલાઇન એ બધું મળે છે, પણ જો તમે કૉફીના શોખીન હો તો તમારે આવું એકાદ મશીન ઘરે વસાવવું જોઈએ. ફિલ્ટર કૉફી પીધા પછી મગજના તમામ જ્ઞાનતંતુઓ જાગૃત થઈ જાય એવું મેં અનુભવ્યું છે.

બરાબરની પેટપૂજા કર્યા પછી અમે એ તારણ પર આવ્યા કે મદ્રાસ કૅફે જેવો જ સ્વાદ અને એ મુજબની જ પ્રાઇસ સાથેની આ અય્યપ્પન ઇડલીમાં એકવાર જવા જેવું ચોક્કસ. માટુંગામાં મદ્રાસ કૅફેમાં તો તમારે લાઇનમાં પણ ઊભા રહેવું પડે, પણ અહીં એવી ભીડ નથી હોતી એ જ એનો સૌથી મોટો ફાયદો. જો માટુંગા સાઇડ જવાનું થાય તો હું કહીશ કે એક વખત મદ્રાસ કૅફેમાં જવાનું સ્કિપ કરીને આ અય્યપ્પન ઇડલીમાં જજો. મજા પડી જશે.

indian food madras cafe mumbai food food news indian cuisine matunga mumbai lifestyle news life and style Sanjay Goradia