એક ચુટકી બેકિંગ સોડા કી કીમત જાન લો ફાયદે મેં રહોગે

07 March, 2025 06:53 AM IST  |  Mumbai | Kajal Rampariya

બેકિંગ સોડાનો ઉપયોગ કિચનની સાથે શરીરના ફંક્શનિંગને સરળ બનાવવા માટે પણ થાય છે. એક ચપટી બેકિંગ સોડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક છે એ જાણીએ

બેકિંગ સોડા

રસોડામાં ભજિયાંને સૉફ્ટ અને સ્પૉન્જી બનાવવા માટે વપરાતો એક ચપટી બેકિંગ સોડા જો સમજીવિચારીને વાપરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત અઢળક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એમાં રહેલા ઍન્ટિસેપ્ટિક ગુણધર્મો પીડાનિવારક તરીકે કામ કરે છે. કેમિકલની ભાષામાં બેકિંગ સોડાનું નામ સોડિયમ બાઇકાર્બોનેટ છે. કુદરતી રૂપે મળતા આ મિનરલનો ઉપયોગ ભજિયાં બનાવવા ઉપરાંત કેક, મફિન્સ અને બ્રેડના બેકિંગમાં થાય છે. લોટ બાંધ્યા પછી એની સૉફ્ટનેસ જળવાઈ રહે એ માટે પણ ઘણી વાર સોડાનો ઉપયોગ થાય છે. એને લોટમાં મિક્સ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, જેને લીધે એ સૉફ્ટ થવાની સાથે ફૂલે પણ છે. જોકે બેકિંગ સોડાનો ઉપયોગ ફક્ત કિચન સુધી સીમિત નથી. આ નૅચરલ મિનરલમાં રહેલા ઔષધીય ગુણો શરીરને ઘણી રીતે ફાયદાઓ આપે છે. 

ઍસિડિટીની તકલીફમાં રામબાણ ઇલાજ
બેકિંગ સોડા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. બેકિંગ સોડા શરીરના Ph લેવલને બૅલૅન્સ કરવાનું કામ પણ કરતો હોવાથી એ એક પ્રકારનું આલ્કલાઇન છે તેથી ઍસિડિટીની સમસ્યામાં એનું સેવન કરવામાં આવે તો એ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે. ઍસિડિટી સમસ્યા, બળતરા કે અપચો હોય તો બેકિંગ સોડામાં રહેલું ઍન્ટૅસિડ રાહત આપે છે. જો ખાધા પછી પેટમાં બળતરા કે ઍસિડિટી થતી હોય તો બે ચપટી બેકિંગ સોડા પાણીમાં મિક્સ કરીને પીવાથી ઍસિડિટીની સાથે ગૅસની સમસ્યામાં પણ રાહત મળે છે. એનો આલ્કલાઇન એટલે કે મૂળભૂત સ્વભાવ ઍસિડિટીને દૂર કરે છે. જોકે એને દરરોજ લેવો હિતાવહ નથી. એના વધુપડતા સેવનથી ઊબકા, ઊલટી અને નબળાઈ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

નૅચરલ માઉથ-ફ્રેશનર
મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે બેકિંગ સોડા મદદરૂપ થાય છે. નવશેકા પાણીમાં એક ચપટી બેકિંગ સોડા નાખીને સવાર-સાંજ કોગળા કરવામાં આવે તો એ મોંમાં રહેલા ખરાબ બૅક્ટેરિયાનો નાશ કરીને દુર્ગંધને દૂર કરે છે. આ નુસખાથી મોંમાં ઇન્ફેક્શન ફેલાવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે એટલું જ નહીં, શરીરની દુર્ગંધને દૂર કરવામાં પણ બેકિંગ સોડા ઉપયોગી છે. પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને અન્ડર-આર્મ્સમાં લગાવીને ઘસવામાં આવે તો એ એરિયાની કાળાશ તો દૂર થાય જ છે અને સાથે શરીરની દુર્ગંધ પણ દૂર થાય છે. ટૂથપેસ્ટમાં એક ચપટી જેટલો બેકિંગ સોડા મિક્સ કરીને બ્રશ કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે અને એ ડીપ ક્લેન્ઝિંગ કરે છે. એનાથી ઓરલ હેલ્થ પણ સારી રહે છે.

કિડનીનું ફંક્શન સુધારે
કિડની સંબંધિત સમસ્યાઓ હોય તો બ્લડમાં ઍસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે બેકિંગ સોડાનું સેવન એ લેવલને બૅલૅન્સ કરવાનું કામ કરે છે અને કિડનીના ફંક્શનિંગે સરળ કરવામાં બેકિંગ સોડા ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત પથરી થવાના જોખમને પણ એ ઓછું કરે છે.

ઇન્ફેક્શનથી બચાવે
બેકિંગ સોડા તમામ પ્રકારનું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થતું પણ અટકાવે છે. એમાં રહેલો ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણધર્મ શરીરમાં ઇન્ફ્લમેશન થતાં રોકે છે અને શરીરનાં ટૉક્સિનને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જો કોઈને ફંગલ ઇન્ફેક્શન, ખંજવાળ કે રિંગવર્મ થાય તો બેકિંગ સોડાનું સેવન એને પણ દૂર કરે છે.

ગટ હેલ્થને હેલ્ધી રાખે
પાચન સંબંધિત સમસ્યામાં બેકિંગ સોડા મહત્ત્વનો ભાગ ભજવે છે. પાચનતંત્રનાં ફંક્શન્સને સરળ બનાવવા માટે બેકિંગ સોડા નાખેલો હોય એવી ચીજો ખાવાથી અથવા બેકિંગ સોડાવાળું પાણી પી શકાય છે. બેકિંગ સોડા સિવાય આપણા રસોડામાં ભાગ્યે જ બીજી કોઈ વસ્તુ હશે જે આટલી સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ હશે જે બળતરા ઘટાડીને આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે એના સેવનથી મગજમાં તનાવ ઓછો થાય છે અને ઊંઘ સારી આવે છે.

ખાસ નોંધ:આ એવું કેમિકલ કમ્પોઝિશન છે જે અતિ માત્રામાં લેવામાં આવે તો એ શરીરમાં સોજા પણ લાવી શકે છે.

street food Gujarati food mumbai food indian food life and style columnists