17 April, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉનાળો ગમવાનું એકમાત્ર કારણ હોય તો એ ફળોનો રાજા કેરી છે. આ સીઝનમાં કેરીનો ભરપૂર આસ્વાદ માણવા મળે. કેરી નાનાથી લઈને મોટા બધાને જ પસંદ હોય છે. જોકે ઘણી વાર ડાયાબિટીઝના દરદીઓ કેરી ખાવાને લઈને અવઢવમાં હોય છે. એવામાં આજે એક્સપર્ટ પાસેથી માર્ગદર્શન મેળવી લઈએ જેથી તમારી મૂંઝવણ દૂર થાય
ડાયાબિટીઝના દરદીઓએ કેરી ખાવી જોઈએ કે નહીં એને લઈને મતમતાંતર છે. કેરી ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે છે પણ એમાં નૅચરલ શુગર અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે એટલે ડાયાબિટીઝના દરદીઓ એનું સેવન કરે તો તેમની બ્લડ-શુગર ઝડપથી વધી શકે છે. સાવ એવું નથી કે ડાયાબિટીઝના દરદીઓએ કેરી ખાવાથી દૂર રહેવું જોઈએ. દિવસમાં કેટલા પ્રમાણમાં કેરી ખાવી, એને કયા ફૂડ સાથે લઈ શકાય અને કયા ફૂડ સાથે ખાવાનું ટાળવું, દિવસમાં કયા સમયે કેરી ખાવી એ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ડાયાબિટીઝના દરદીઓ પણ કોઈ પણ તકલીફ વગર આરામથી એનો સ્વાદ માણી શકે છે. ક્લિનિકલ ડાયટિશ્યન આયેશા દેઢિયા ખાન પાસેથી કેરીને આરોગવાની યોગ્ય રીત વિશે જાણી લઈએ.
કેરી ખાવી કે નહીં?
કેરીનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ (GI) ૫૧થી ૬૦ની વચ્ચે હોય છે. GI એટલે કે ફૂડને ખાધા પછી કેટલું જલદી તમારું બ્લડ-શુગરનું લેવલ વધે છે એ માપવાનું એક પ્રમાણ છે. જે ફૂડનો GI જેટલો ઓછો હોય એ ખાવામાં ડાયાબિટીઝના પેશન્ટ માટે એટલું સારું હોય. પંચાવન અને એનાથી નીચેનો GI ધરાવતા ફૂડને ડાયાબેટિક-ફ્રેન્ડ્લી માનવામાં આવે છે, જ્યારે ૭૦ અને એનાથી વધુનો GI ધરાવતા ફૂડને અવૉઇડ કરવાનું અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં એનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. કેરીનો જે GI છે એ લોથી મીડિયમની રેન્જમાં આવે છે. એટલે ડાયાબિટીઝના પેશન્ટ એને ખાઈ શકે છે, પણ એમાં રહેલા નૅચરલ શુગરના પ્રમાણને ધ્યાનમાં લઈને એને પ્રમાણસર ખાવું ખૂબ જરૂરી છે. ડાયાબિટીઝના દરદીઓ અઠવાડિયામાં બે વાર પચાસથી ૭૦ ગ્રામ એટલે કે એક નાની અથવા મીડિયમ સાઇઝની કેરી ખાઈ શકે છે, પણ જો તમારું શુગર-લેવલ હંમેશાં હાઈ જ રહેતું હોય તો કેરી ખાવાનું ટાળવું જોઈએ.
ધ્યાન રાખવા જેવું
કેરી ખાતી વખતે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. કેરી એવી ખાવી જોઈએ જે વધુપડતી પાકેલી ન હોય, કારણ કે એ વધુ મીઠી હશે તો પણ
બ્લડ-શુગર વધવાની શક્યતા રહેશે. રસ કાઢીને પીવા કરતાં કેરીની ચીરને ચૂસીને ખાવી વધુ સારી. કેરીનો રસ બનાવીને ખાઈએ તો એમાં રહેલા ફાઇબરનું પ્રમાણ ઘટી જાય. સામાન્ય રીતે ફાઇબર ડાઇજેશનને ધીમું કરીને લોહીમાં શુગરને ધીમે-ધીમે રિલીઝ કરે છે, પરિણામે એકદમથી શુગર-લેવલ વધતું નથી. કેરી ખાતાં પહેલાં અને ખાધાના એક-દોઢ કલાક પછી તમે બ્લડ-શુગર ચેક કરી શકો જેથી તમને ખબર પડે કે કેરીની તમારી બ્લડ-શુગર પર કેટલી અસર પડે છે. ડાયાબિટીઝના દરદીઓ માટે કેરી ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે નાસ્તો કર્યા પછી અને બપોરનું જમતાં પહેલાં તેમ જ સાંજનો સમય છે. કેરીને બપોરના કે રાતના જમવાના સાથે ન ખાવી જોઈએ. એનાથી બ્લડ-શુગર લેવલ હજી વધી શકે છે. એ સિવાય રાતના સમય કરતાં દિવસના સમયમાં કેરી ખાવાનું રાખવું જોઈએ. રાતની સરખામણીમાં દિવસે મેટાબોલિઝમ સારું હોય છે. સવારે નાસ્તો કર્યાના બે-ત્રણ કલાક પછી કેરી ખાઈએ તો સારું પડે. એનું પાચન સારી રીતે થાય અને શરીરને દિવસભર માટે કામ કરવાની એનર્જી પણ મળી રહે.
કેરીને પ્રોટીન-ફૅટ સાથે ખાઓ
ડાયાબિટીઝના દરદીઓ કેરીને પ્રોટીન-ફૅટ બેઝ્ડ ફૂડ સાથે કમ્બાઇન કરીને ખાય તો વધુ ફાયદો થાય છે. કાર્બોહાઇડ્રેટ્સની સરખામણીમાં
પ્રોટીન-ફૅટને ગ્લુકોઝમાં તોડવામાં વધારે સમય લાગે છે. એને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ધીમે-ધીમે વધે છે. કેરી જેવા વધારે કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ફૂડને પ્રોટીન-ફૅટ સાથે કમ્બાઇન કરવામાં આવે ત્યારે કાર્બોહાઇડ્રેટ્સમાંથી ગ્લુકોઝ ધીમી ગતિએ લોહીમાં શોષાય છે, પરિણામે બ્લડ-શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. એ માટે તમે કેરીને બદામ, કાજુ, અખરોટ, પિસ્તાં, ચિયા સીડ્સ, દૂધ, ગ્રીક યોગર્ટ સાથે સ્મૂધી, લસ્સી, સૅલડ બનાવીને ખાઈ શકો. એવી જ રીતે કેરીને કોઈ દિવસ રોટલી કે પૂરી સાથે ખાવી ન જોઈએ, કારણ કે એ હાઈ કાર્બ ફૂડ છે. કેરીમાં અગાઉથી જ નૅચરલ શુગર હોય છે અને ઉપરથી એને હાઈ કાર્બ ફૂડ સાથે ખાવામાં આવે તો બ્લડ-શુગર લેવલ ઝડપથી વધી શકે છે.
જાણી લો કેરીના હેલ્થ-બેનિફિટ્સ
કેરી સ્વાદમાં તો સારી હોય જ છે અને એ ઉપરાંત એમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર હોય છે જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. એમાં વિટામિન C અને વિટામિન Aનું પ્રમાણ સારું હોય છે, જે ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે. વિટામિન A આપણી આંખોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એવી જ રીતે એમાં રહેલું વિટામિન C અને બીટા કૅરોટિન આપણી ત્વચાના સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છે. કેરીમાં રહેલાં ડાઇજેસ્ટિવ એન્ઝાઇમ પાચનને સુધારવાનું કામ કરે છે. એમાં રહેલું ડાયટરી ફાઇબર કબજિયાત મટાડવામાં મદદ કરે છે. એવી જ રીતે એમાં રહેલું સોલ્યુબલ ફાઇબર બૅડ કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. કેરીમાં મૅગ્નેશિયમ અને પોટૅશિયમ જેવાં મિનરલ્સ છે, જે બ્લડ-પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
કેરીની વાનગીઓ
મૅન્ગો-ચિયા પુડિંગ
સામગ્રી : અડધો કપ પાકેલી કેરીના ટુકડા, એક કપ કોકોનટ મિલ્ક, બે ટેબલ-સ્પૂન ચિયા સીડ્સ
રીત : સૌપ્રથમ કોકોનટ મિલ્કમાં કેરીના ટુકડા નાખીને એને સરખી રીતે ગ્રાઇન્ડ કરી લો. આ મિશ્રણને એક મોટા કન્ટેનરમાં કાઢીને એની અંદર ચિયા સીડ્સ નાખીને સરખી રીતે મિક્સ કરી દો. આ કન્ટેનરને કવર કરીને છથી આઠ કલાક માટે ફ્રિજમાં રાખી દો. તમારું મૅન્ગો ચિયા પુડિંગ બનીને તૈયાર છે. તમે પુડિંગમાં કેરીના નાના-નાના ટુકડા મિક્સ કરીને પણ ખાઈ શકો. જેમને ડાયાબિટીઝ ન હોય એ લોકો પુડિંગને સ્વીટ બનાવવા માટે એમાં મધનો પણ ઉપયોગ કરી શકે છે.
મૅન્ગો કૅશ્યુ સ્મૂધી
સામગ્રી : અડધો કપ કેરીના ટુકડા, ૧/૪ કપ કાજુ, એક કપ પ્લેન ગ્રીક યોગર્ટ, એક કપ દૂધ
રીત : મૅન્ગો કૅશ્યુ સ્મૂધી બનાવવા માટે કોઈ વધારે મહેનતની જરૂર નથી. બસ, તમારે ઉપર જણાવેલી બધી જ સામગ્રીને મિક્સ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે.
શુગર-ફ્રી મૅન્ગો લસ્સી
સામગ્રી : એક ખજૂર, એક કપ દૂધ, ૧/૪ કપ ગ્રીક યોગર્ટ, એક કપ કેરીના ટુકડા, ચપટી એલચી
રીત : શુગર-ફ્રી મૅન્ગો લસ્સી પણ ઝટપટ પાંચ મિનિટમાં બનાવી શકાય છે. એ માટે બસ તમારે એક મિક્સર ગ્રાઇન્ડરમાં આ બધી સામગ્રી નાખીને પીસી લેવાની છે.