ચાલો ચોમાસામાં ચંગુમંગુનાં વડાપાંઉ ખાવા

13 July, 2024 09:04 AM IST  |  Mumbai | Darshini Vashi

દહિસરમાં આવેલા આ સ્ટૉલ પર વડાપાંઉ ઉપરાંત સમોસાં, ઉસળ અને મિસળ પણ ચટાકેદાર મળે છે

ચંગુમંગુ વડાપાંઉનો સ્ટૉલ

મુંબઈના અમુક વિસ્તારમાં ટેસ્ટી ફૂડ અને વરાયટી મળે અને અમુક વિસ્તારોમાં કંઈ જ ન મળે એ દિવસો હવે ગયા. મુંબઈમાં હવે દરેક ઠેકાણે એકથી એક ચડિયાતી ફૂડ-આઇટમો મળતી થઈ છે. દહિસરની વાત કરીએ તો અહીં એટલાબધા ફૂડ-સ્ટૉલ આવી ગયા છે કે શું ખાવું એ વિચારવું પડે. દહિસર સ્ટેશન નજીક એક પ્રખ્યાત જગ્યા છે જ્યાંનાં વડાપાંઉ ખૂબ જ વખણાય છે. ખાસ કરીને હમણાં જ્યારે ચોમાસું પુરબહાર શરૂ થઈ ગયું છે ત્યારે તો અહીં ખાવા માટે લાઇન લાગે છે.

દહિસર ઈસ્ટમાં સ્ટેશનની નજીક જ ચંગુમંગુ વડાપાંઉનો સ્ટૉલ આવેલો છે. ઉપર મોટા અક્ષરે બોર્ડ પણ મૂકેલું છે એટલે આવતાં-જતાં લોકોની નજર એના પર સરળતાથી પડી શકે. ચંગુમંગુ નામ સાંભળીને થોડું અચરજ થશે પણ એની પાછળ પણ સ્ટોરી છે. ચંગુમંગુ વડાપાંઉ સ્ટૉલના પાર્ટનરના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે ફૂડની વાત કરીએ તો અહીંનાં વડાપાંઉ ખૂબ જ ટેસ્ટી છે. ખાસ કરીને ચટણી, જે ટોટલી હોમમેડ અને અસ્સલ મહારાષ્ટ્રીયન સ્ટાઇલની છે જેને લીધે લોકોને એ ખૂબ જ ભાવે છે. તેમ જ વડાંનો જે મસાલો હોય છે એ પણ તેમની સીક્રેટ રેસિપી છે. અહીં નિયમિત વડાપાંઉ ખાવા આવતાં દહિસરનાં હાઉસવાઇફ તન્વી જોશી કહે છે, ‘આ મારી ફેવરિટ જગ્યા છે. અહીંનાં વડાં અને વડાપાંઉ બન્ને મારાં ફેવરિટ છે. પાંઉ એકદમ ફ્રેશ હોય છે તો સાથે જ વડાં સારાંએવાં સ્પાઇસી હોય છે. સાઇઝને જોતાં ભાવ ઊલટાના ઓછા લાગે છે. એક પ્લેટમાં વડાં અને એક પ્લેટ ભરીને ચટણીઓ આપવામાં આવે છે એટલે ખાવાની કેવી મજા આવતી હશે એ વિચારો.’

માત્ર વડાપાંઉ જ નહીં, અહીં મળતાં મિસળ અને ઉસળ ખાવા માટે પણ લોકોની પડાપડી થતી હોય છે જે માત્ર સવારના સમયે જ મળે છે. એટલે જો વડાપાંઉ ઉપરાંત કંઈ બીજું ખાવું હોય તો થોડા વહેલા પહોંચી જજો.

ક્યાં મળશે? : ચંગુમંગુ વડાપાંઉ, હરિશંકર જોષી રોડ, મધુરમ હૉલની બાજુમાં, દહિસર (ઈસ્ટ)

dahisar street food mumbai food life and style