14 January, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાબેલી બૉમ્બ્સ
સામગ્રી ઃ દાબેલીનું સ્ટફિંગ (પૂરણ) માટે : છ નંગ (મધ્યમ કદના, મૅશ કરેલા) બાફેલા બટાટા, ચાર મોટી ચમચી દાબેલી મસાલો, ત્રણ મોટી ચમચી ખજૂર-આમલીની ચટણી, અડધો કપ કાંદા (ઝીણા સમારેલા), સ્વાદ મુજબ મીઠું, બે મોટી ચમચી તેલ, અડધો કપ સીંગદાણા (શેકેલા અને અધકચરા પીસેલા), ત્રણ મોટી ચમચી કોથમીર (ઝીણી સમારેલી).
ઉપરના પડ (કોટિંગ) માટે : અઢી કપ બ્રેડ ક્રમ્સ, એક કપ મેંદો, અડધો કપ કૉર્નફ્લોર, એક નાની ચમચી મીઠું, જરૂર મુજબ પાણી.
વધારાનું સ્ટફિંગ (વૈકલ્પિક) : ચીઝ ક્યુબ્સ (નાના ટુકડા), અડધો કપ દાડમના દાણા
રીત : સ્ટફિંગ તૈયાર કરવાની રીત : એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં મૅશ કરેલા બટાટા, દાબેલી મસાલો, કાંદા અને મીઠું ઉમેરો. બધું બરાબર મિક્સ કરી ત્રણ-ચાર મિનિટ સુધી ચડવા દો. હવે એમાં ખજૂર-આમલીની ચટણી ઉમેરીને મિક્સ કરો. ગૅસ બંધ કરી એમાં સીંગદાણા અને કોથમીર ઉમેરો. આ મિશ્રણને પૂરેપૂરું ઠંડું થવા દો.
બૉમ્બ્સ બનાવાની રીત : હથેળીમાં દોઢ મોટી ચમચી જેટલું બટાટાનું મિશ્રણ લો. એની વચ્ચે એક ચીઝનો ટુકડો અને થોડા દાડમના દાણા મૂકો (જો પસંદ હોય તો). એને ગોળ વાળીને સરસ સ્મૂધ બૉલ્સ તૈયાર કરો. ત્યાર બાદ એક વાટકામાં મેંદો અને કૉર્નફ્લોર લઈ એમાં પાણી અને મીઠું ઉમેરીને મધ્યમ ઘટ્ટ મિશ્રણ (સ્લરી) તૈયાર કરો. દરેક બૉલને પહેલાં સ્લરીમાં ડુબાડો અને પછી બ્રેડ ક્રમ્સમાં બરાબર રગદોળો. વધારે ક્રિસ્પી બનાવવા માટે આ પ્રક્રિયા ફરીથી કરો (ડબલ કોટિંગ). તૈયાર બૉલ્સને ૧૫-૨૦ મિનિટ ફ્રિજમાં રાખો જેથી તળતી વખતે એ તૂટી ન જાય. ત્યાર બાદ મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. બૉમ્બ્સને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તળ્યા પછી એને ટિશ્યુ પેપર પર કાઢી લો. હવે પીરસવા માટે એક પ્લેટમાં ૪-પ બૉમ્બ્સ મૂકો. એની ઉપર ગ્રીન ચટણી અને આમલીની ચટણી નાખો. ઉપરથી ઝીણી સેવ અને કોથમીર છાંટીને ગરમાગરમ સર્વ કરો.