ઘરે જ બનાવો શરીરને તરોતાજા કરતાં પાણીદાર પાણી

03 May, 2025 06:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમર-સ્પેશ્યલ ઇન્ફ્યુઝ્ડ વૉટર ડ્રિન્ક્સ તમને અઢળક હેલ્થ-બેનિફિટ્સ આપશે

ડીટૉક્સ વૉટર

શરીરને ડીટૉક્સિફાય કરવા ઇન્ફ્યુઝ્ડ વૉટર પિવાતું હોવાથી એને ડીટૉક્સ વૉટર પણ કહેવાય છે. પાણીમાં હર્બ્સ અને શાકભાજીના ટુકડા નાખીને થોડી વાર રહેવા દેવામાં આવે છે જેથી એનાં પોષક તત્ત્વો પાણીમાં ભળી જાય પછી એને પી શકાય. ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા આ શુગર-ફ્રી ડ્રિન્કને પોતાના હિસાબે ઘરે બનાવી શકાય છે. મુલુંડમાં રહેતાં ન્યુટ્રિશનિસ્ટ પૂજા ટોલિયાએ કસ્ટમાઇઝ્ડ ઇન્ફ્યુઝ્ડ ડ્રિન્કની રેસિપી અને એના હેલ્થ-બેનિફિટ્સ શૅર કર્યા છે.

કુકુમ્બર-જિંજર ફ્રેશનર

બનાવવાની રીત : એક સમારેલી કાકડી, બે ઇંચ જેટલા આદુંના નાના ટુકડા, એક ચમચી તકમરિયાં અને બે ચમચી ચિયા સીડ્સને અક લીટર જેટલા પાણીમાં મિક્સ કરો અને બે કલાક સુધી રહેવા દો. પછી એને આખા દિવસ દરમિયાન રીફિલ કરીને પી શકો છો.

હેલ્થ-બેનિફિટ્સ : આ ડ્રિન્ક શરીરને હાઇડ્રેશન પૂરું પાડવાની સાથે ચયાપચયની ક્રિયાને સરળ બનાવે છે અને સ્કિન-હેલ્થને પણ સુધારે છે.

રેન્જ-ફુદીના બૂસ્ટર

બનાવવાની રીત : એક કાકડી, એક સફરજન, એક સંતરું, ફુદીનાનાં સાત-આઠ પાન અને એક બીટના ટુકડા કરીને પાણીમાં મિક્સ કરો. એમાં તકમરિયાં અને લીંબુ પણ ઍડ કરી શકાય.

હેલ્થ-બેનિફિટ્સ : ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે આ ડ્રિન્કને પી શકાય. સ્કિનને અંદરથી પ્યૉરિફાય કરવામાં પણ એ મદદરૂપ સાબિત થશે.

બીટરૂટ-મિન્ટ ફ્યુઝન

બનાવવાની રીત : એક બીટ, એક ગાજર, એક કાકડી અને લીંબુના ટુકડા કરીને એક લીટર જેટલા પાણીમાં નાખવા. આ ઉપરાંત એમાં પાંચથી સાત જેટલાં ફુદીનાનાં પાનને પાણીમાં ઇન્ફ્યુઝ્ડ કરીને પી શકાય. આમાં તમે ગોંદ કતીરા પણ નાખી શકો. પાણીમાં નાખવા પહેલાં એને ત્રણથી ચાર કલાક પહેલાં પલાળવા પડે.

હેલ્થ-બેનિફિટ્સ : હાઈ બ્લડ-પ્રેશર હોય એ લોકો માટે આ ડ્રિન્ક પ્રેશરને ઘટાડવાની સાથે આંખની હેલ્થને પણ સારી રાખશે. પોટૅશિયમની અછતને પૂરી કરવાની સાથે શરીરને ઠંડક આપશે.

મેથી દાના કૂલર

બનાવવાની રીત : દોઢ લીટર જેટલા પાણીમાં એક ચમચી મેથીદાણા નાખવા અને એમાં ચારથી પાંચ ડાળખી કઢી પત્તાનાં પાન નાખવાં. આ પાણીને ઓછામાં ઓછું ત્રણ કલાક રહેવા દીધા બાદ એને ગાળીને પીવું. આ ડ્રિન્કને ખાલી પેટે પણ પી શકાય.

હેલ્થ-બેનિફિટ્સ : ડાયાબિટીઝ હોય એ લોકો માટે આ ઇન્ફ્યુઝ્ડ વૉટરનું સેવન શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મેટાબોલિઝમ ફાસ્ટ કરવાની સાથે બૅડ કૉલેસ્ટરોલને ઘટાડવામાં મદદરૂપ છે.

મોરિંગા-જિંજર સ્પ્લૅશ

બનાવવાની રીત : સરગવાનાં ત્રણ-ચાર પાન અથવા માર્કેટમાંથી તૈયાર મળતો પાઉડર એક લીટર પાણીમાં મિક્સ કરવાં. પાઉડર લો તો એકથી દોઢ ચમચી જેટલો જ લેવો. આ સાથે એમાં એક ચમચી તકમરિયાં, આદું અને લીંબુના ટુકડા એમાં નાખવા. દોઢ કલાક બાદ આ ડ્રિન્કને પી શકાશે.

હેલ્થ-બેનિફિટ્સ : આ ડ્રિન્ક ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી હોવાથી ઇન્ટરનલ સ્વેલિંગ અને સાંધાના દુખાવાને ઓછા કરશે. આ ઉપરાંત સરગવાનાં પાન નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને મગજમાં બ્લડ-સર્ક્યુલેશનના ફ્લોને સુધારે છે અને શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે. ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરની સલાહ લીધા બાદ આ ડ્રિન્ક પીવું હિતાવહ રહેશે.

food and drink food news mumbai food indian food life and style gujarati mid-day mumbai