26 April, 2025 03:16 PM IST | Mumbai | Darshini Vashi
વિલે પાર્લેમાં મિતાલી દાતાર નામની યુવતી હોમમેડ બેકરી આઇટમ્સ રસ્તા પર સ્ટૉલ લગાવીને વેચે છે
વિલે પાર્લેમાં મિતાલી દાતાર નામની યુવતી હોમમેડ બેકરી આઇટમ્સ રસ્તા પર સ્ટૉલ લગાવીને વેચે છે
એક સ્ત્રીની કુકિંગ કળા આજે રસોડા સુધી સીમિત રહી નથી, જેનાં અનેક ઉદાહરણ આપણે અત્યાર સુધીમાં જોઈ ચૂક્યા હોઈશું. આવો વધુ એક દાખલો હાલમાં જ જોવા મળ્યો છે. વિલે પાર્લેમાં મિતાલી દાતાર નામની યુવતી છેલ્લા એક વર્ષથી રસ્તા પર સ્ટૉલ લગાવીને અલગ-અલગ ટાઇપની બેકિંગ આઇટમો વેચે છે. એક મહિલા તરીકે રસ્તા પર ફૂડ-સ્ટૉલ ખોલીને ઑપરેટ કરવો કોઈ સરળ વાત નથી છતાં આત્મવિશ્વાસ અને આવડતને લીધે આજે સફળતાપૂર્વક સ્ટ્રીટ પર ફૂડ-આઇટમ્સ વેચી રહી છે.
લોટસ બિસ્કોફ ચીઝ કેક
વિલે પાર્લે ઈસ્ટમાં પોસ્ટ-ઑફિસની સામે ચીઝ કેકનો એક બાંકડાનો સ્ટૉલ ધરાવતી મિતાલી દાતાર કહે છે, ‘હું પોતે બેકર છું. જાતજાતની કેક, પેસ્ટ્રીઝ, કુકીઝ, ચીઝ કેક, મૂસ વગેરે હું બનાવું છું. સોમવારથી ગુરુવાર સુધીના દિવસોમાં હું ઘરેથી ઑર્ડર લઈને ડિલિવરી કરું છું, જ્યારે શુક્રવારથી રવિવાર સુધી હું સાંજે સ્ટૉલ ખોલીને કેક સેલ કરું છું. આ સ્ટૉલમાં હું વન વુમન શોની ભૂમિકા જ ભજવું છું. જ્યાં સ્ટૉલ નાખવાનો હોય ત્યાં જલદી આવીને ઝાડુ મારીને જગ્યા સાફ કરી દઉં છું. પછી પ્રૉપર સેટઅપ કરીને વેચાણ શરૂ કરું છું.’
સ્ટૉલ સ્ટ્રીટ પર હોવા છતાં ખૂબ ચોખ્ખાઈ રાખવાની સાથે પોતાની પ્રોડક્ટનું સરસ પ્રેઝન્ટેશન કરી જાણે છે. રોજ અહીં અલગ-અલગ વરાઇટીની કેક વગેરે મળે છે. સીઝન પ્રમાણે વરાઇટી પણ ચેન્જ થતી રહે છે. જેમ કે સ્ટ્રૉબેરીની સીઝનમાં એના રિલેટેડ આઇટમ અને મૅન્ગો સીઝનમાં એને અનુરૂપ હોય છે. ચીઝ કેક અહીં સૌથી હૉટ સેલિંગ આઇટમ છે.
ક્યાં છે? : માલવિયા રોડ, પોસ્ટ ઑફિસની સામે, વિલે પાર્લે (ઈસ્ટ).
સમય : માત્ર શુક્રવારથી લઈને રવિવાર સુધી સાંજે ૭.૩૦ પછી.