09 November, 2024 09:53 AM IST | Mumbai | Kajal Rampariya
બ્લિસ ઢોસા
મસાલા અને મૈસૂર ઢોસા તો બહુ ખાધા પણ શું તમે બાલ્ટી ઢોસા અને લેઝ ઢોસા ટ્રાય કર્યા છે? નામ સાંભળીને આશ્ચર્ય થયું હશેને? ખાણીપીણીના શોખીનોનું હબ કહેવાતા મુલુંડના એમ. જી. રોડ પર સ્ટ્રીટ-ફૂડની અઢળક વરાઇટી મળશે. જોકે બ્લિસ વેજ રેસ્ટોમાં જરા હટકે સ્ટાઇલના ઢોસા મળે છે. અહીંના લેઝ ઢોસા અને બાલ્ટી ઢોસાનો કન્સેપ્ટ તો યુનિક છે જ, સાથે ટેસ્ટી અને હાઇજીનિક પણ હોવાથી ફૂડીઝમાં એ પ્રિય છે.
મુલુંડમાં બ્લિસ ઢોસાના નામે પ્રખ્યાત બ્લિસ વેજ રેસ્ટો યુનિક ઢોસા અને દેસી સ્ટાઇલમાં વિદેશી ટેસ્ટ આપતી પનીનીને કારણે વખણાય છે. એક દાયકા પૂર્વે ઑટોમોબાઇલ એન્જિનિયરિંગને અલવિદા કહીને ફૂડ પ્રત્યેના પૅશનને આગળ વધારવા માટે મેહુલ પંચાલે બ્લિસની શરૂઆત કરી હતી. રેસ્ટોરાંમાં પીરસાતી પનીની વાનગીને મુંબઈના સ્ટ્રીટ-ફૂડમાં સામેલ કરનારા મેહુલભાઈ ટેસ્ટ અને ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઇઝ કરતા નથી. તેમના મેનુમાં સામેલ ઇટાલિયન અને કૅરિબિયન પનીની ખાવા પડાપડી તો થાય છે જ, પણ ૨૫૦ રૂપિયાની કિંમતના બાલ્ટી ઢોસાનો ક્રેઝ અલગ જ છે. પનીર, મિક્સ વેજ મસાલો અને બ્લિસ-સ્પેશ્યલ કસ્ટમાઇઝ કરેલા સૉસ નાખીને બનાવાતો મસાલો બાલ્ટીમાં પીરસાય છે અને એની ઉપર ઢોસાને ડેકોરેટ કરીને સર્વ થાય છે. ક્વૉન્ટિટી એટલી હોય છે કે આ એક ઢોસો ખાઓ તો પેટ ભરાઈ જાય.
૨૦૧૭માં તેમણે લેઝ ઢોસાનો કન્સેપ્ટ માર્કેટમાં લાવ્યો હતો અને આ નવા પ્રકારના ઢોસાને પણ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે તો ઘણી જગ્યાએ લેઝ સાથે ઢોસા પીરસવામાં આવે છે. વેજ ચીઝ બ્લાસ્ટ પણ બેસ્ટ-સેલિંગ વાનગી છે. વેજિટેબલ્સને વિવિધ સૉસ સાથે મિક્સ કરીને ચીઝ સાથે સર્વ કરવામાં આવતી આ વાનગીને ખાવા પણ લોકો ખાસ મુલુંડ આવે છે.
દેશી અને વિદેશી ફૂડના શોખીન મેહુલભાઈ કહે છે, ‘હું બહુ મોટો ફૂડી છું અને લોકોને પણ ટેસ્ટી અને હાઇજીનિક ફૂડ મળે એવું ઇચ્છું છું. ફૂડ પ્રત્યેના પ્રેમને લીધે મેં એન્જિનિયરિંગ છોડી દીધું અને હવે ફુલ ટાઇમ ફૂડ-બિઝનેસ સાથે જ જોડાયેલો છું. મારા હાથેથી બનેલા સૉસ જ મારા બિઝનેસની યુનિકનેસ છે. હું ગરમ મસાલા અને મરચું પાઉડર જાતે પસંદ કરીને ફ્રેશ પિસાવું છું જેથી લોકોને મારી ડિશનો ટેસ્ટ ગમે.’
ક્યાં મળશે? : બ્લિસ વેજ રેસ્ટો, પ્રધાન ઉકેડા, એમ. જી. રોડ, મુલુંડ (વેસ્ટ) સમય : સાંજે ૪થી રાત્રે ૧૨ વાગ્યા સુધી