પેટ ભરાઈ ગયું છે એની મગજને આઠ મિનિટ પછી ખબર પડે છે?

28 March, 2025 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જવાબ છે ના, ઓવરઈટિંગ અને ફટાફટ ખાઈ લેવાની આદત સાથે તમે શું ખાઓ છો એના પર નિર્ભર છે કે પેટ ફ‍ુલ થયાનો સંદેશ બ્રેઇન સુધી કેટલા સમયમાં પહોંચે છે

પ્રતીકાત્મક તસવીર

શું તમે જાણો છો કે તમે જ્યારે જમવા બેસો છો ત્યારે મગજ અને પેટ વચ્ચે સતત કમ્યુનિકેશન થાય છે અને પેટ ભરાઈ ગયું છે એ સમજવામાં મગજને આઠ મિનિટ લાગે છે? જ્યારે તમે જમો છો ત્યારે શરીરમાં રહેલાં કેટલાંક હૉર્મોન્સ રિલીઝ થાય છે એને લીધે પેટમાં તાણનો અનુભવ થાય છે. આ હૉર્મોન્સ મગજને પેટ ભરાઈ ગયું હોવાનો સંદેશ મોકલવા માટે જવાબદાર છે. આ સમગ્ર પ્રક્રિયા તમે પૂરતો ખોરાક ખાધો છે કે નહીં એ સમજવામાં મગજને મદદ કરે છે.

શું કહે છે નિષ્ણાત?

જોકે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પેટ ભરાઈ ગયું છે એ સમજવામાં મગજને આઠ મિનિટનો સમય લાગે છે ત્યારે નિષ્ણાતોએ આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે જરૂરી નથી કે આ પ્રોસેસને સમજવામાં મગજને આઠ જ મિનિટ લાગે. એમાં તમે શું ખાઓ છો, કેવી રીતે ખાઓ છો અને કેટલી સ્પીડથી ખાઓ છો એ ત્રણેય પરિબળોના આધારે મગજને સંદેશ પહોંચે છે કે તમારું પેટ ફુલ થઈ ગયું છે. એમાં કોઈને આઠ મિનિટ પહેલાં જ ઇન્ડિકેશન મળી જાય છે તો કોઈને ૨૦ મિનિટ પછી અંદાજ આવે છે કે હવે મારું પેટ ભરાઈ ગયું છે. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે મગજને કેટલા સમયમાં પેટ ફુલ થયાનો સંદેશ મળે છે એ આ ત્રણ પરિબળ પર તો નિર્ભર કરે જ છે પણ સાથે મેટાબોલિઝમ અને ખોરાકની ક્વૉન્ટિટી જેવાં ફૅક્ટર્સ પર પણ આધાર રાખે છે.

ઓવરઈટિંગની સમસ્યા

જે લોકોને ફટાફટ ચાવીને ખાવાની આદત છે એ લોકોમાં ઓવરઈટિંગની સમસ્યા વધુ જોવા મળે છે, કારણ કે પેટ અને મગજ વચ્ચેના કમ્યુનિકેશનમાં મગજને સમજવાનો સમય નથી મળતો કે ક્યારે પેટ ભરાઈ ગયું છે. તેથી શક્ય હોય તો ફટાફટ ખાવાનું ટાળવું જોઈએ. ઓવરઈટિંગથી સ્થૂળતા, પાચનતંત્રમાં અસ્વસ્થતા, મેટાબોલિક ડિસઑર્ડર જેવી સમસ્યાઓ થઈ શકે છે. ધીરે-ધીરે ચાવીને અને શાંતિથી ખાવાથી પેટ મગજને સરળતાથી સિગ્નલ્સ આપે છે અને આઠ મિનિટ કરતાં ઓછા સમયમાં વ્યક્તિને ખબર પડી જાય છે કે મારું પેટ ભરાઈ ગયું છે. આ ઉપરાંત ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આહાર બ્રેઇનને પેટ ભરાયું હોવાનો મેસેજ સમયસર આપી શકશે જેથી ઓવરઈટિંગથી બચી શકાશે અને હેલ્થ પણ સારી રહેશે.

mumbai food indian food obesity health tips life and style columnists mumbai gujarati mid-day