12 July, 2025 12:12 PM IST | Mumbai | Darshini Vashi
ડોમ્બિવલીચા તંદૂર વડાપાંઉ
વડાપાંઉના ચાહકોને વડાપાંઉ કોઈ પણ સ્વરૂપમાં ભાવે છે, ભલે એ ગ્રિલ કરેલાં હોય કે પછી ચીઝથી લથપથ. આવા જ ચાહકો માટે વધુ એક જગ્યા મળી છે જે ડોમ્બિવલીમાં છે. ત્યાં બટાટાવડાના સાંજાની અંદર ચીઝ તો ભરવામાં આવે જ છે અને સાથે એને તળી લીધા પછી ગ્રિલ પણ કરવામાં આવે છે. તો ચાલો, આ સ્પૉટ વિશે થોડી વધુ જાણકારી મેળવીએ.
ડોમ્બિવલી ઈસ્ટમાં સ્ટેશનથી પાંચેક મિનિટના અંતરે ડોમ્બિવલી ચા તંદૂર વડાપાંઉ નામનો એક સ્ટૉલ આવેલો છે. આજે જ્યારે અત્યાધુનિક સ્ટૉલ અને ફૂડ-ટ્રક રસ્તા પર ઉતારવામાં આવી છે ત્યારે એની સામે આ સ્ટૉલ ખૂબ જ સિમ્પલ છતાં સ્વચ્છ જોવા મળશે. આ સ્ટૉલની વિશેષતા અહીંનાં ગ્રિલ કરેલાં એટલે કે તંદૂર કરેલાં વડાપાંઉ છે. એક પિતા અને પુત્રી સાથે મળીને આ સ્ટૉલ ચલાવે છે. માત્ર ગ્રિલ કરેલાં જ નહીં પણ સાદાં વડાપાંઉ પણ અહીં મળે છે, પણ જો કંઈક ડિફરન્ટ કે યુનિક ટ્રાય કરવું હોય તો તંદૂર વડાપાંઉ ચોક્કસ ટ્રાય કરવાં જોઈએ. ચીઝ તંદૂર વડાપાંઉ અહીંની સ્પેશ્યલિટી છે. બટાટાવડાના સાંજાની વચ્ચોવચ્ચ ચીઝ ભરવામાં આવે છે. પછી એને ગોળ વાળીને તેલમાં તળવામાં આવે છે. આ વડાં તળાઈ ગયા બાદ એને સગડી ઉપર શેકવામાં આવે છે. બન્ને બાજુ શેકાઈ ગયા બાદ એને પાંઉની વચ્ચે મૂકીને ફરી શેકવામાં આવે છે. આ વખતે બટર લગાવીને શેકવામાં આવે છે જેથી સુગંધ અને ટેસ્ટ બન્ને સુપર બને છે. આ સ્ટૉલ નાનો હોવા છતાં અહીં પુષ્કળ ગિરદી થાય છે. સાંજના સમયે તો અહીં ઊભા રહેવાની પણ જગ્યા હોતી નથી.
ક્યાં મળશે? : ડોમ્બિવલીચા તંદૂર વડાપાંઉ, ડોમ્બિવલી પાર્ક ગાર્ડનની બહાર, ડોમ્બિવલી (ઈસ્ટ)
સમય : સાંજે ૫.૩૦થી રાત્રે ૧૦ સુધી