દાબેલી અને કચ્છી મિસળનો આ સ્વાદ માણવાનું ચૂકતા નહીં

21 October, 2021 10:26 AM IST  |  Mumbai | Sanjay Goradia

મલાડની એન. એલ. હાઈ સ્કૂલ પાસે મળતી આપણી આ બન્ને ટ્રેડિશનલ વરાઇટીમાં મસાલા સિંગ એવો અદ્ભુત રોલ ભજવે છે કે એને શબ્દોમાં વર્ણવવો અઘરો પડે

દાબેલી અને કચ્છી મિસળનો આ સ્વાદ માણવાનું ચૂકતા નહીં

મોટા ભાગનાં નાટકોના રાઇટ્સ શેમારુ લેતી હોય છે. છેલ્લા થોડા સમયથી અમે શેમારુ માટે નાટકનું શૂટિંગ કરીએ ત્યારે મ્યુઝિક માટે ક્રિશ જોશી નામનો યંગસ્ટર આવે. આ ક્રિશ પ્રોડક્શનનું કામ પણ સંભાળે. થોડા સમયથી ક્રિશ મને જ્યારે પણ મળે ત્યારે કહે કે તમે એક વાર મલાડની એન. એલ. હાઈ સ્કૂલની સામે બેસતા દાબેલીવાળાની દાબેલી ખાઓ, મજા પડી જશે. દાબેલી એટલે દાબેલી, એમાં બીજું શું હોવાનું? આવું ધારીને હું ટાળ્યા કરું અને સામે છેડે તે પણ લપ મૂકે નહીં. જ્યારે મળે ત્યારે આ એક જ વાત. હમણાં પણ એવું જ બન્યું. મને જોયો કે તરત જ બોલ્યો કે પેલી દાબેલી ખાધી?
સાતમી-આઠમી વાર તેણે આ એકની એક વાત પૂછી એટલે મને થયું કે જો હવે હું દાબેલી નહીં ખાઉં તો આ ક્રિશ મને ખાઈ જશે. કંટાળીને, થાકીને હું તો ગયો એન. એલ. હાઈ સ્કૂલ; પણ મિત્રો, જલસો જ જલસો. શું અદ્ભુત દાબેલી બનાવે છે. 
દાબેલીનું પૂરણ અને એમાં તે ઘરે બનાવેલી મસાલા સિંગ નાખે. આ મસાલા સિંગ ખરેખર જામો પાડી દે એવી હોય છે. નાખવામાં કોઈ કંજૂસાઈ નહીં અને બે-ચાર દાણા ટેસ્ટ કરવા માગો તો મુઠ્ઠો ભરીને આપે. દાબેલીના બટાટાના પૂરણમાં આ મસાલા સિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગના દાબેલીવાળા મસાલા સિંગ ઘરે જ બનાવતા હોય છે. 
મેં જે દાબેલી ખાધી એમાં પાઉંમાં બટાટાનું પૂરણ ભરીને એના પર થોડી મસાલા સિંગ, પછી એના પર ફરી બટાટાનું પૂરણ અને એના પર દાડમ, ફરી પૂરણ અને એના પર તીખી-મીઠી ચટણી. મીઠી ચટણી તો સરસ જ હતી, પણ તીખી ચટણીમાં લસણ અને લીલાં મરચાંની નરી તીખાશ. હું કહીશ કે કોઈ પણ વરાઇટી ખાધા પછી એનો સ્વાદ મોઢામાં રહેવો જોઈએ. દાબેલી ખાધા પછી એની તીખાશનો આછોસરખો તમતમાટ રહે છે અને એની મજા નોખી જ છે.
આ જ જગ્યાએ મને બીજી વરાઇટી પણ મસ્ત મળી - કચ્છી મિસળ. આ કચ્છી મિસળ શું છે એ કહું તમને. આમ તો હવે કચ્છી મિસળ મુંબઈના મોટા ભાગના દાબેલીવાળાઓને ત્યાં મળે છે, પણ એ બનાવવાની સાચી રીત મને અહીં જોવા મળી.
કચ્છી મિસળમાં ચાર પ્લેન બટરના કરકરા ટુકડા કરીને નાખે અને પછી એના પર દાબેલીનું પૂરણ, મસાલા સિંગ, ઝીણા સમારેલા લીલા કાંદા અને કોથમીર આવે. પછી ઉપર તીખી-મીઠી ચટણી અને એ પછી એને મિક્સ કરવામાં આવે. મિક્સ થયેલા આ મિસળમાં ગાર્નિશિંગમાં નવેસરથી મસાલા સિંગ અને સેવ નાખીને તમને આપે.

ઓહોહોહો...

મસાલા સિંગ અને બટાટાના પૂરણની મજા કેવી હોય એની તમને આ બે વરાઇટી ખાધા પછી ખબર પડે. થૅન્ક્સ ક્રિશ. સજેશન દાબેલીનું કર્યું અને એ જગ્યાએ મને બીજી વરાઇટી પણ અદ્ભુત મળી ગઈ. એન. એલ. હાઈ સ્કૂલની એક્ઝૅક્ટ સામેની ફૂટપાથ પર માત્ર અઢી ફુટનો બાંકડો છે. એને કોઈ નામ કે ત્યાં કોઈ બોર્ડ નથી. ફોટોમાં જે દેખાય છે એ કિશોરભાઈ આ અફલાતૂન દાબેલી અને કચ્છી મિસળના જનક. જો સમય મળે કે પછી મલાડ બાજુ જવાનું બને તો ભૂલ્યા વિના આ બન્ને વરાઇટીનો ટેસ્ટ કરવા જેવો છે.

Gujarati food mumbai food indian food Sanjay Goradia columnists