આ કૅફે ખરેખર એક ડ્રીમ જેવી જ છે

04 May, 2025 06:49 AM IST  |  Mumbai | Darshini Vashi

મલાડ-ઈસ્ટમાં આવેલી ડ્રીમહાઉસ કૅફેની વિશેષતા એનાં ઇન્ટીરિયર અને થીમ તો છે જ, પણ ઓન્લી જૈન મેનુ અહીંની સૌથી મોટી ખાસિયત છે

ડ્રીમહાઉસ કૅફે, ગોલ ગાર્ડનની સામે, પોદાર પાર્ક, પોદાર રોડ, મલાડ ઈસ્ટ.

આજકાલ કૅફેનું ચલણ ઘણું વધી ગયું છે. ખાસ કરીને યંગસ્ટર્સ માટેનું મોસ્ટ ફેવરિટ હૅન્ગઆઉટ ડેસ્ટિનેશન બની ગઈ છે. જોકે અત્યાર સુધી હટકે અને યુનિક થીમ સાથેની કૅફે મોટા ભાગે મલાડ-વેસ્ટના વિસ્તારમાં વધુ જોવા મળતી હતી પરંતુ આ કૅફે મલાડ-ઈસ્ટમાં શરૂ કરવામાં આવી છે. માંડ એકાદ મહિના પહેલાં જ આ કૅફે શરૂ કરવામાં આવી છે જેનું નામ ડ્રીમહાઉસ કૅફે છે. જેવું એનું નામ એવું જ એનું ઇન્ટીરિયર પણ છે અને બીજી પણ ઘણી વિશેષતા એ ધરાવે છે. તો ચાલો જાણીએ આ કૅફે વિશે થોડી વધુ જાણકારી.

પીત્ઝા

કોલ્ડ કૉફી

મલાડ-ઈસ્ટમાં થોડા દિવસો પહેલાં જ ડ્રીમહાઉસ કૅફે શરૂ કરવામાં આવી છે. આમ તો આ કૅફેની અંદર એ જ બધું મળે છે જે નૉર્મલી અન્ય કૅફેમાં મળતું હોય છે પરંતુ અહીંની ખાસિયત એનું ઇન્ટીરિયર છે જે એકદમ હટકે છે. ચારે તરફ DVD, કૉમિક પંચ, પૉપ કલ્ચર સ્ટિકર્સ, આર્ટવર્ક અને વિન્ટેજ વસ્તુઓથી સજાવેલી છે. ભાગ્યે જ કોઈ ખૂણો હશે જે ડેકોરેટ કરવામાં ન આવ્યો હોય. કૅફેની અંદર ઓછી છતાં કમ્ફર્ટેબલ કહી શકાય એટલી સ્પેસ છે. દરેક એજના લોકોને આ કૅફે પસંદ પડે એવી રીતે એને ડિઝાઇન કરવામાં આવી છે. બીજું એ કે અહીં માત્ર ને માત્ર જૈન ફૂડ જ મળે છે. આ વિશે માહિતી આપતાં કૅફેના ઓનર પાર્થ શાહ કહે છે, ‘મલાડ-ઈસ્ટમાં ગુજરાતી અને જૈન લોકોની વસ્તી વધારે છે. મેં હંમેશાં નોંધ્યું કે જ્યારે તેમને મોડી રાત્રે કંઈક નવું ખાવાની ઇચ્છા થઈ જાય તો તેમણે વેસ્ટ તરફ આવવું પડે છે અને જો જૈન હોય તો તેમના માટે ઈસ્ટના વિસ્તારમાં ઇટાલિયન અને વિદેશી ડિશ શોધવી ભારે કઠિન બને છે, જેને ધ્યાનમાં રાખીને મેં પ્યૉર જૈન મેનુ સાથે આ કૅફે શરૂ કરી છે. અહીંનું વાતાવરણ જ નહીં, ફૂડનો ટેસ્ટ પણ દરેકને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. અહીં પીત્ઝાથી લઈને કોલ્ડ કૉફી સુધી અનેક ટ્રેન્ડિંગ આઇટમો સર્વ કરવામાં આવે છે. અમારી કૅફે રાતે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.’

ક્યાં આવેલી છે? : ડ્રીમહાઉસ કૅફે, ગોલ ગાર્ડનની સામે, પોદાર પાર્ક, પોદાર રોડ, મલાડ ઈસ્ટ.

malad food news food and drink street food mumbai food indian food life and style gujarati mid-day mumbai darshini vashi