19 August, 2026 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજની રેસિપી : લાલ ખારેક અને વેજિટેબલની ખીચડી
સામગ્રી : ચોખા એક કપ, મોગર પા કપ, ચણાની દાળ પા કપ, તુવેરની દાળ પા કપ, લીલાં છોતરાંવાળી મગની દાળ પા કપ, બારીક સમારેલી લાલ ખારેક પા કપ, છીણેલા બટાટા પા કપ, બારીક સમારેલાં ટમેટાં પા કપ; કોબી, ફ્લાવર, રીંગણ અને બટાટા જેવાં મિશ્ર શાક અડધો કપ; લીલાં મરચાંની પેસ્ટ પાંચથી ૬ ચમચી, આદું-લસણની પેસ્ટ બે ચમચી, હળદર બે ચમચી, સિંગદાણા બે ચમચી, લીમડાનાં પાન પાંચથી ૬, મીઠું સ્વાદ અનુસાર, ઘી અને તેલ જરૂર મુજબ, કોથમીર તથા પાણી જરૂર મુજબ
બનાવવાની રીત : સૌપ્રથમ ચોખાને સારી રીતે ધોઈ લો. તુવેરની દાળ, ચણાની દાળ અને લીલાં છોતરાંવાળી મગની દાળને પણ ધોઈને થોડા સમય માટે પલાળી રાખો. મોગરને ધોઈને અલગ રાખો. હવે એક જાડા તળિયાવાળા તપેલામાં ઘી ગરમ કરીને એમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. ત્યાર બાદ લીમડાનાં પાન ઉમેરો. એમાં બધાં સમારેલાં શાકભાજી, લાલ ખારેક અને સિંગદાણા ઉમેરો. પછી હળદર, લીલાં મરચાંની પેસ્ટ અને મીઠું નાખી થોડું તેલ ઉમેરીને બરાબર મિક્સ કરો અને પાંચથી ૭ મિનિટ સુધી સાંતળો. હવે એમાં પલાળેલી બધી દાળ અને મોગર ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ મિશ્રણ કરતાં આશરે બમણું પાણી ઉમેરીને ધોયેલા ચોખા નાખો. બધું સારી રીતે મિક્સ કરી તપેલાને ઢાંકીને ધીમા તાપે ખીચડી ચડવા દો. ખીચડી બરાબર ચડી જાય પછી જરૂર મુજબ પાણી ઉમેરીને એની ઘટ્ટતા ગોઠવો. ઉપરથી તાજી કોથમીર ભભરાવીને ગરમાગરમ પીરસો.
નોંધ : પરંપરાગત ખીચડીમાં થોડો નવો સ્વાદ અને પોષણ ઉમેરવા માટે લાલ ખારેક તથા વિવિધ શાકભાજીથી તૈયાર કરેલી આ ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે.