24 November, 2026 10:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેકેલાં આમળાં અને લીલાં મરચાંનું અથાણું
સામગ્રી : આમળાં – ૪ નંગ, લીલાં મરચાં – ૩-૪ નંગ, તેલ – ૩ મોટા ચમચા, રાઈનાં કુરિયાં ૨ મોટા ચમચા, મેથીનાં કુરિયાં- અડધી નાની ચમચી, હળદર – અડધી નાની ચમચી, લાલ મરચું પાઉડર – ૧ નાની ચમચી, હિંગ – નાની પા ચમચી, મીઠું – સ્વાદ મુજબ, લીંબુનો રસ – ૧ મોટો ચમચો
બનાવવાની રીત : સૌપ્રથમ આમળાં ધોઈને કોરા કરી લો. તવાને ગરમ કરી એમાં થોડું તેલ લગાવી આમળાને ધીમા તાપે શેકી લો. આમળા થોડા નરમ થાય એટલે ગૅસ બંધ કરી ઠંડાં થવા દો. લીલાં મરચાંને પણ થોડા તેલમાં શેકી લો. આમળાંની ચીરીઓ પાડીને એની ગોટલી કાઢી લો અને આમળાંના નાના ટુકડા કરી લો. શેકેલાં મરચાંના પણ નાના ટુકડા કરી લો.
એક વાસણમાં આમળાં અને મરચાંના ટુકડા લો. એમાં રાઈનાં કુરિયાં, મેથીનાં કુરિયાં, હળદર, લાલ મરચું પાઉડર, હિંગ અને મીઠું નાખો. એક નાની કડાઈમાં તેલ ગરમ કરી થોડું ઠંડું થવા દો અને મસાલામાં ઉમેરો. છેલ્લે લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.