શ્રેષ્ઠ ખાઓ, સૅલડ ખાઓ

26 August, 2021 01:53 PM IST  |  Mumbai | Sanjay Goradia

રસ્તા પર બેસીને સૅલડને સાવ નવી જ રીતે આપતા મેવાલાલનાં સૅલડ ખાધા પછી મનમાં ચોક્કસ વિચાર આવી જાય કે હેલ્ધી ઑપ્શન આટલી સરળતાથી ઉપલબ્ધ હોય તો પણ માણસો શું કામ આવું ખાવાનું પસંદ નહીં કરતા હોય?

શ્રેષ્ઠ ખાઓ, સૅલડ ખાઓ

સંજય ગોરડિયા 
sangofeedback@mid-day.com
આ વખતની ફૂડ ડ્રાઇવ જરા જુદી છે. હેલ્ધી ફૂડની અપેક્ષા રાખતા હોય કે પછી ડાયટિંગ કરતા હોય તેઓ પણ એની મજા લઈ શકે એવી આ ફૂડ ડ્રાઇવ છે અને આ ફૂડ ડ્રાઇવ સાવ અનાયાસ જ કરવાની આવી ગઈ એવું કહું તો પણ ખોટું નહીં કહેવાય. પહેલાં તો અમદાવાદની ફૂડ ડ્રાઇવ કન્ટિન્યુ કરવાની હતી, પણ હમણાં હું એક નાટક કરું છું. એ નાટકનાં રિહર્સલ્સમાં મને એક સાથી કલાકાર પાસેથી ખબર પડી કે અંધેરી-ઈસ્ટમાં રસ્તા પર સૅલડ મળે છે અને બહુ મસ્ત હોય છે. 
સૅલડ અને એ પણ રસ્તા પર?
મને થોડું કૌતુક થયું એટલે મેં વધારે વિગત પૂછી તો ખબર પડી કે અંધેરીમાં એસ. વી. રોડથી સબવે પકડીને ઈસ્ટમાં આગળ વધો એટલે ઓલ્ડ નાગરદાસ રોડનું જંક્શન આવે. આ જંક્શનથી સહેજ ડાબી બાજુએ વળો ત્યાં જ સૅલડવાળો આવી જાય. રસ્તા પર જ મળે છે અને એમ છતાં એનું નામ શ્રી મેવાલાલ ચના મસાલા સેન્ટર છે.
જઈને પહેલાં તો મેં આખું મેનુ ચેક કરી લીધું અને મેનુ જોઈને હું આભો થઈ ગયો. જાત-જાતનાં અને ભાત-ભાતનાં સૅલડ. આપણે ત્યાં દરરોજ બને એવું રેગ્યુલર સૅલડ, ચણા મસાલા સૅલડ અને આ જ વરાઇટી બટરમાં પણ. સોયાબીન સૅલડ. સોયાબીન સૅલડમાં પણ બીજી વરાઇટી તો ખરી જ. 
પહેલાં તમને વાત કરું ચણા મસાલા સૅલડની. આપણા ઘરે બનતા હોય એ કાળા ચણાને બાફી નાખ્યા પછી એમાં ચીઝ, મેયોનીઝ નાખીને આપે તો સાદા ચણા મસાલામાં કોબી, બીટ, કાંદા, ટમેટાં જેવાં વેજિટેબલ્સ નાખી એમાં મીઠું, લાલ મરચું, બ્લૅક પેપર, ધાણાજીરું જેવો મસાલો નાખીને અને એના પર લીંબુ નિચોવીને આપે. 
વાત કરીએ હવે સોયાબીન મસાલા સૅલડની. સોયાબીન સૅલડ બહુ ઓછી જગ્યાએ મેં જોયું છે. આવી રીતે રસ્તા પર મળતા સૅલડમાં સોયાબીનનું સૅલડ મળે એ જ દેખાડે છે કે હવે આપણે હેલ્થ માટે કેવા સાવચેત થયા છીએ. સોયાબીન સૅલડમાં બાફેલા સોયાબીનના બોલ્સને લોઢીમાં બટર નાખીને સાંતળી નાખે અને પછી એમાં ટમેટાં, બટાટા, કાંદા જેવાં વેજિટેબલ્સ ઍડ કરી, બીજો મસાલો નાખીને આપે. સોયાબીન મસાલામાં પણ અનેક વરાઇટી છે. મેયોનીઝ સાથે, ચીઝ સાથે, તંદુરી સૉસ સાથે. ગ્રીન ચટણી અને રેડ ચિલી સૉસ સાથે પણ મળે. 
આપણે તો જઈને સૌથી પહેલાં જે બેઝિક સૅલડ હતું એ મગાવ્યું. કાકડી, કાંદા, બટાટા, કોબી, બીટ અને એના પર મસાલો. મજા પડી. ડિટ્ટો ઘર જેવું જ સૅલડ. જોકે સાહેબ, બહાર નીકળ્યા હો તો જરાક બહારની ફીલ પણ આવવી જોઈએને? આપણે તો એક પછી એક સૅલડનો ઑર્ડર આપવાનું શરૂ કર્યું અને ચણા મસાલા, સોયાબીન મસાલા સૅલડનો પણ ટેસ્ટ કર્યો. આગળના ઑર્ડરની વાત કરીએ એ પહેલાં તમને કહી દઉં કે મેવાલાલમાં બે પ્રકારનાં બટર વાપરવામાં આવે છે. એક તો ડિલાઇટ બટર જે સસ્તું હોય છે અને બીજું આપણું રેગ્યુલર અમૂલ બટર. તમારે ઑર્ડર આપતી વખતે કહી દેવાનું કે અમૂલમાં બધું બનાવે તો તે અમૂલમાં સૅલડ બનાવશે. તંદુરી સૉસ અને મેયોનીઝ સૅલડ પર ડ્રેસિંગ કરતી વખતે વાપરવામાં આવે છે, જ્યારે રેડ ચિલી અને ગ્રીન ચિલી સૉસ સૅલડ તૈયાર થતું હોય ત્યારે જ ઍડ કરી દેતા હોય છે. એને લીધે સૉસમાં રહેલા પાણી અને વિનેગરનું પ્રમાણ સાવ નહીંવત્ થઈ જાય છે અને સૉસની તીખાશ વેજિટેબલ્સમાં ભળી જાય છે અને એકદમ નૅચરલ ટેસ્ટ આવે છે.
કૉર્ન સૅલડ બનાવવાની રીત પણ નવી છે. મકાઈના બાફેલા દાણાને તવા પર બટરમાં ફ્રાય કરવામાં આવે અને પછી એમાં કાંદા-ટમેટાં અને બીજા મસાલા નાખવામાં આવે છે. સગડી પર ગરમ થયેલી મકાઈમાં કોલસાની અરોમા એવી રીતે ઊતરી જાય છે કે જાણે આપણે તંદૂરી-કૉર્ન ખાતા હોઈએ એવી ફીલ આવે. 
મેં રેગ્યુલર સૅલડ, કૉર્ન સૅલડ, સોયાબીન સૅલડ અને ચણાનું સૅલડ એમ કુલ ચાર સૅલડ ખાધાં. આ બધાં સૅલડનું બિલ થયું ૧૧૦ રૂપિયા. જરા વિચારો, વીસ અને ત્રીસ રૂપિયામાં સ્વાદિષ્ટ અને તંદુરસ્તી-પ્રેરક ફૂડ મળતું હોય તો પછી બીજું શું કામ ખાવું જ જોઈએ?

જૈન મળે છે, પણ...
મેવાલાલમાં જૈન સૅલડ પણ મળે છે; પણ ચુસ્ત જૈનોને હું એ ખાવાની સલાહ નહીં આપું, કારણ કે બધી વરાઇટી એક જ લોઢી પર બને છે તો કાંદા બીજાં વેજિટેબલ્સ સાથે જ પડ્યા હોય છે. ધાર્મિક આસ્થા સાથે જૈન સૅલડ માગનારાઓએ આ બધું પહેલાં જોઈ લેવું, જેથી પછી અફસોસ ન થાય. હા, નૉન-જૈન ખાનારાઓને મજા પડશે એ નક્કી છે.

Sanjay Goradia columnists mumbai food Gujarati food indian food