પ્રોટીન પાન, ડાયાબેટિક પાન, હર્બલ પાન, આયુર્વેદિક પાન...

27 July, 2024 08:35 AM IST  |  Mumbai | Rajul Bhanushali

અહીં રેગ્યુલર પાનની સાથે-સાથે પ્રોટીન પાન, ડાયાબેટિક પાન, હર્બલ પાન, આયુર્વેદિક પાનથી લઈને પચાસથી વધુ જાતની પાનની વરાઇટી મળે છે.

ધ પાન લેગસી, સહ્યાદ્રિ ગાર્ડનની સામે, તિલકનગર, ચેમ્બુર

ચેમ્બુરના તિલકનગરમાં મસ્તમજાનું ફૅમિલી પાન-પાર્લર શરૂ થયું છે. આકાશ મિમ્રોટ, પુનિત શર્મા અને યશવી ગાંધીએ ૬ મહિના પહેલાં આ પાન-પાર્લર શરૂ કર્યું છે. આ નવા સ્ટાર્ટઅપ વિશે વાત કરતાં આકાશ કહે છે, ‘સામાન્ય રીતે પાનના ગલ્લે ઊભા રહેવામાં મહિલાઓને સંકોચ થતો હોય છે, કારણ કે ત્યાં અમુક પ્રકારની જ વસ્તુઓ મળે અને અમુક જ પ્રકારનું ક્રાઉડ પણ હોય. ધારો કે મીઠું પાન પણ ખાવું હોય તો ઘરની મહિલા મેમ્બર પુરુષો પાસે મગાવે. અમારે કંઈક એવું ચાલુ કરવું હતું જે ફૅમિલી-ઓરિએન્ટેડ પાન-પાર્લર હોય, કશુંક નવું આપવું એ વિચાર સાથે ‘પાન લેગસી’ શરૂ કર્યું.’

અહીં રેગ્યુલર પાનની સાથે-સાથે પ્રોટીન પાન, ડાયાબેટિક પાન, હર્બલ પાન, આયુર્વેદિક પાનથી લઈને પચાસથી વધુ જાતની પાનની વરાઇટી મળે છે. રેગ્યુલર ટપરી પર તમને કલકત્તી પાન કે પછી મીઠા પાન અને એમાં પણ કાચી સોપારીની કતરણ કે ચૂનો નાખેલાં પાન જ મળશે. ઘણાને આ વસ્તુઓથી તકલીફ પણ થઈ જતી હોય છે. આકાશ કહે છે, ‘અમે સોપારીની કતરણ કે ચૂનો સિલેક્ટિવ પાનમાં જ વાપરીએ છીએ. અમારી પાસે  રેગ્યુલર પાનમાં વપરાતી કાથો, વરિયાળી, ગુલકંદ જેવી સામગ્રી ઉપરાંત અશ્વગંધા, મુલેઠી, આમળાં, નટ‍્સ, ડ્રાયફ્રૂટ્સ જેવી સામગ્રી પણ નાખવામાં આવે છે. અહીં પાનમાં જે ગુલકંદ વપરાય છે એ પણ અમે જાતે જ બનાવીએ છીએ. લોકોને અમારાં પાન અને અમારી આ જગ્યા પસંદ પડવા લાગ્યાં છે.’

અહીં મળતાં બે પાનની ટ્રાયલનો અમારો અનુભવ હવે તમને કહીએ. આયુર્વેદિક પાનનો ટેસ્ટ થોડોક કડવો હોય છે, કારણ કે એમાં સ્વીટનર નાખવામાં નથી આવતું; પણ કડવો ટેસ્ટ ન જોઈએ તો ખજૂર કે પછી થોડુંક ગુલકંદ નખાવી શકાય. એનાથી કડવો ટેસ્ટ દબાઈ જશે. આ બધી સામગ્રી જોઈને એવો વિચાર આવે કે આનો સ્વાદ ઍક્ચ્યુઅલી પાન જેવો આવતો હશે કે નહીં, પરંતુ આયુર્વેદ પાનમાં પાનનો ટિપિકલ ટેસ્ટ ઍક્ચ્યુઅલી આવે છે. આ પાનમાં હરી પત્તી, લવિંગ અને મુલેઠી પણ નાખવામાં આવી અને એને સહેજ તાપ આપવામાં આવ્યો. તાપને કારણે લવિંગ અને મુલેઠી પેટ માટે વધારે ઉપકારક થઈ જાય છે. પ્રોટીન પાનમાં વે પ્રોટીન, ગુલકંદ, પાનપત્તીની સાથે જ કાજુ-બદામ અને પિસ્તાં જેવાં ડ્રાયફ્રૂટની કતરણ સાથે વરિયાળી અને ધાણાદાળ જેવી વસ્તુઓ પણ નાખવામાં આવે છે. પૌષ્ટિક અને ટેસ્ટી પાન. આયુર્વેદિક પાન હોય કે હર્બલ પાન, જમ્યા પછી અઠવાડિયામાં જો બે દિવસ ખાવામાં આવે તો કૉન્સ્ટિપેશન અને ઍસિ‍ડિટીમાં રાહત આપે છે એવું આકાશનું કહેવું છે. અમુક લોકોને પાન ખૂબ ભાવતાં હોય છે, પરંતુ ડાયાબિટીઝ હોવાને કારણે ખાઈ શકાતાં નથી તો અહીં તેમના માટે ડાયાબેટિક પાનનો ઑપ્શન પણ ઉપલબ્ધ છે જેમાં રેગ્યુલર મીઠા પાન જેવો જ ટેસ્ટ આવે છે, પરંતુ ગુલકંદની જગ્યાએ ખજૂર નાખવામાં આવે છે.

ક્યાં મળશે?: ધ પાન લેગસી, સહ્યાદ્રિ ગાર્ડનની સામે, તિલકનગર, ચેમ્બુર

 

chembur street food mumbai food indian food life and style