આજની રેસિપી : ફરાળી આલૂ ટાકોઝ

04 September, 2026 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરાળી મિક્સ લોટમાં મસાલેદાર બટાટા, સિંગદાણા, પનીર અને નારિયેળનું સ્વાદિષ્ટ પૂરણ ભરીને બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી આલૂ પરાઠા ટાકોઝ.

આજની રેસિપી : ફરાળી આલૂ ટાકોઝ

સામગ્રી : લોટ માટે ઃ ફરાળી રાજગરાનો અથવા ફરાળી મિક્સ લોટ અડધો કિલો, સિંધવ મીઠું સ્વાદ મુજબ, બારીક સમારેલી કોથમીર, આદું-મરચાં-જીરાની પેસ્ટ જરૂર મુજબ, મોણ માટે તેલ અથવા ઘી બે ચમચી
બટાટાના પૂરણ માટે : બાફેલા બટાટા જરૂર મુજબ, શેકેલા સિંગદાણાનો ભૂકો બેથી ૩ ચમચી, તાજા નારિયેળનું ખમણ બે ચમચી, આદું-મરચાંની પેસ્ટ જરૂર મુજબ, ક્રમ્બલ કરેલું પનીર બે ચમચી, દળેલી સાકર એક ચમચી, લીંબુનો રસ એક ચમચી, સિંધવ મીઠું સ્વાદ મુજબ, બારીક સમારેલી કોથમીર, બારીક સમારેલું કૅપ્સિકમ, થોડું તેલ અથવા ઘી, આમચૂર પાઉડર – ઉપરથી સ્પ્રિંકલ કરવા માટે
બનાવવાની રીત : લોટ તૈયાર કરો : સૌપ્રથમ ફરાળી મિક્સ લોટમાં સિંધવ મીઠું, બારીક સમારેલી કોથમીર અને આદું-મરચાં-જીરાની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ મોણ માટે બે ચમચી તેલ અથવા ઘી ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરો. એમાં થોડું-થોડું પાણી ઉમેરીને મીડિયમ કઠણ લોટ બાંધો અને થોડી વાર માટે ઢાંકીને મૂકી દો.
બટાટાનું પૂરણ બનાવો : એક પૅનમાં થોડું તેલ ગરમ કરો. એમાં જીરું અને આદું-મરચાંની પેસ્ટ નાખીને થોડું સાંતળો. ત્યાર બાદ બાફેલા બટાટા ઉમેરો અને બરાબર મેશ કરો. હવે એમાં શેકેલા સિંગદાણાનો ભૂકો, નારિયેળનું ખમણ, ક્રમ્બલ કરેલું પનીર, દળેલી સાકર, લીંબુનો રસ, સિંધવ મીઠું, બારીક સમારેલું કૅપ્સિકમ, કોથમીર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરો. સ્વાદિષ્ટ બટાટાનું પૂરણ તૈયાર છે.
ટાકોઝ બનાવો : તૈયાર લોટનો થોડો મોટો લૂઓ લો અને એને રોટલીની જેમ વણી લો. હવે રોટલીના એક સાઇડ પર તૈયાર કરેલું બટાટાનું પૂરણ મૂકો. ત્યાર બાદ બીજી સાઇડ ફોલ્ડ કરીને એને હાફ મૂન અથવા ટાકોઝ જેવો આકાર આપો. હળવા હાથથી વણીને બન્ને સાઇડ સારી રીતે બંધ કરી દો. હવે તવા પર થોડું તેલ અથવા ઘી લગાવી બન્ને બાજુથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો. ઇચ્છો તો એને ડીપ ફ્રાય કરીને વધુ ક્રિસ્પી બનાવી શકો છો. તૈયાર ફરાળી આલૂ પરાઠા પર થોડો આમચૂર પાઉડર સ્પ્રિંકલ કરો અને ઉપરથી ગાજરનું ખમણ ઉમેરીને સર્વ કરો. તૈયાર છે તમારી નવી ફરાળી ટાકોઝ સ્ટાઇલ રેસિપી.

-મમતા જોટાણિયા

food and drink food news street food Gujarati food mumbai food indian food lifestyle news life and style