08 February, 2025 09:55 AM IST | Mumbai | Darshini Vashi
પિસ્તા મૅકરન મિલ્કશેક (રૂ. 250)
હેરિટેજ વાનગી અને ખાસ કરીને બેકરી પ્રોડક્ટને મૉડર્ન ટચ સાથે ખાવા માગતા હો તો ‘ફ્લરિસ’ બેસ્ટ પ્લેસ બની રહેશે. પેસ્ટ્રી, કેક અને બ્રેડની વાનગીઓના ચાહકો માટે ફ્લરિસ નામ કદાચ ફૅમિલિયર હશે. એનું કારણ એ છે કે ફ્લરિસ કલકત્તામાં ૧૯૨૭થી હાજરી ધરાવે છે. એનું એક આઉટલેટ હવે મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવે છે ફ્લરિસની ડિઝર્ટ ડિશના અંગ્રેજો પણ ફૅન હતા. તો ચાલો આ કૅફે-કમ-રેસ્ટોરાં વિશે થોડું વધુ જાણીએ.
રોસ્ટેડ મેડિટરેનિયન વેજ સૅન્ડવિચઃ
મુંબઈમાં અપોલો બંદર પાસે શરૂ કરવામાં આવેલી ‘ફ્લરિસ’ એવી કૅફે છે જ્યાં કૉફી, ટી, પેસ્ટ્રી, જૂસિસ, ફ્રૂટ બાઉલ ઉપરાંત દેશી-વિદેશી પૉપ્યુલર ફૂડ ડિશ પણ મળે છે જેમ કે ગ્રેનોલા બાઉલ, એગલેસ ક્વૉંસો, મિની ફ્રેન્ચ મૅક્રન્સ, બર્ગર, ક્રીમી પટેટો મૅશ, બેક્ડ બીન્સ વગેરેે. મૂળ કલકત્તાની આ બેકરી-કમ-કૅફેની મુંબઈમાં પણ શરૂઆત થઈ છે. અહીંનું મેનુ મુંબઈગરાઓની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. સમુદ્રકિનારાની સામે જ હોવાથી અહીં સવારના સમયે વૉક કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોય છે. તેમને વૉકની સાથે હેલ્ધી બ્રેકફાસ્ટ મળી જાય એવું ધ્યાન રાખતાં અહીં હેલ્ધી અને લો કૅલરી ડિશિસ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બપોરના સમયમાં લોકો લાઇટ સ્નૅક્સ લઈ શકે એ માટે સૅન્ડવિચ, કૉન્ટિનેન્ટલ સૅલડ, બ્રેડ રિલેટેડ આઇટમ પણ છે; જ્યારે ઈવનિંગ દરમિયાન પાસ્તા, બર્ગર જેવી વાનગીઓનો આનંદ માણી શકાય છે. ટૂંકમાં અહીં વરાઇટી અને મૉડર્ન ટચ સાથેનાં ઇંગ્લિશ બ્રેકફાસ્ટ તથા લાઇટ ફૂડ ડિશ મળે છે.
અવાકાડો ટોસ્ટ
સ્વીટ ડિશના શોખીનોને તો અહીં બખ્ખાં જ થઈ જવાનાં છે. અહીંની સ્ટ્રૉબેરી કેક ઘણી પ્રખ્યાત છે. આ ઉપરાંત અમેરિકન આઇસક્રીમ બેઝ્ડ ડિઝર્ટ બનાના સ્પ્લિટ, પીચ મેલ્બા પણ છે જે ઘણી ઓછી જગ્યાએ મળે છે. મોનાલિસા, સ્ટ્રૉબેરી ક્યુબ, ચૉકલેટ ક્યુબ, ડબલ ચૉકલેટ પેસ્ટ્રી ચૂકશો નહીં. આ સિવાય પ્લમ કેક તો ખરી જ. તેમના ફૂડ અને બેવરેજ મેનુમાં ‘હેરિટેજ’ વિભાગ છે જેમાં ફ્લરિસની પરંપરાગત વાનગીઓ છે અને મુંબઈની કેટલીક ખાસ વાનગીઓ પણ છે. કાજુ અને નારિયેળના તેલમાંથી બનેલું વીગન ચીઝ ફ્લરિસના વીગન બ્રેકફાસ્ટમાં વાપરવામાં આવે છે. અહીં આઉટડોર અને ઇન્ડોર સિટિંગ છે જેમાં લગભગ ૧૦૦ જેટલા લોકો બેસી શકે છે. ઇન્ટીરિયર પણ સોબર છે જે ઇંગ્લિશ બ્રેકફાસ્ટની સાથે મૅચ કરે છે.
ક્યાં મળશે? : ફ્લરિસ, પી. જે. રામચંદાની માર્ગ, ગેટવે ઑફ ઇન્ડિયા પાસે, અપોલો બંદર, કોલાબા, મુંબઈ
ટાઇમિંગ : સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી