બૅન્ગલોરમાં જમાવટ કરી રહ્યો છે ગુજ્જુ મમ્મીનો સ્વાદ

28 June, 2026 08:25 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કોરોના પછી મુદ્રા કામકાજ અર્થે બૅન્ગલોર આવી ગઈ હતી. ભાઈ-બહેને મમ્મીને પોતાની પાસે બોલાવી લીધાં અને ત્યારથી તેઓ બૅન્ગલોરમાં સ્થાયી છે.

ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં તૈયારી કરતાં ભાવનાબહેન.

બૅન્ગલોરમાં ગુજરાતી સ્વાદનું સરનામું બનેલા ગુજ્જુ મમ્મી નામના ક્લાઉડ કિચનનો જન્મ કૉર્પોરેટ બોર્ડરૂમમાંથી નહીં, સંતાનોની પ્રેરણાથી થયો છે. જીવનસાથીનો સાથ છૂટ્યા પછી સુતરનાં ભાવના કનકેશ્વર સંતાનો પાસે બૅન્ગલોર આવી ગયાં એ પછી મમ્મીની એકલતાને પ્રવૃત્તિમાં પરિવર્તિત કરવા ભાઈ-બહેને ફૂડ-બ્રૅન્ડ લૉન્ચ કરી. આજે આ ક્લાઉડ કિચન બૅન્ગલોરિયનોને ગુજરાતી નાસ્તા-ભોજન પીરસે છે

ઘરથી દૂર રહેતા લોકો સૌથી વધુ જો કંઈ મિસ કરતા હોય તો એ છે મમ્મીના હાથની રસોઈ. ખાસ કરીને ગુજરાતીઓ જ્યારે નોકરી, બિઝનેસ કે અભ્યાસ માટે અન્ય રાજ્યોનાં શહેરોમાં વસવાટ કરે છે ત્યારે તેમને ખીચડી-કઢી, થેપલાં, ઢોક‍ળાં, ખાંડવી, દાળઢોકળી જેવી વાનગીઓ વારંવાર યાદ આવે છે. બૅન્ગલોરમાં વસવાટ કરતા ગુજરાતીઓની આ ઇચ્છાને સંતોષવાનું કામ કરે છે ‘ગુજ્જુ મમ્મી’ ક્લાઉડ કિચન. મૂળ સુરતનાં ૬૧ વર્ષનાં ભાવના કનકેશ્વર દ્વારા ચલાવવામાં આવતા આ સ્ટાર્ટઅપનો જન્મ કૉર્પોરેટ બોર્ડરૂમમાંથી નહીં પણ સંતાનોની પ્રેરણાથી થયો છે. ભાવનાબહેન રસોઈ બનાવવાનાં શોખીન. સ્વજનો અને મિત્રો તેમની રસોઈનાં વખાણ કરતાં ન થાકે. રસોડું એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં તેઓ સૌથી વધુ સમય વિતાવતાં. મમ્મીનો રસોઈપ્રેમ જોઈને કુંજ અને મુદ્રા કનકેશ્વરે ‘ગુજ્જુ મમ્મી’ ફૂડ-બ્રૅન્ડ લૉન્ચ કરીને તેમને આશ્ચર્યચકિત કરી દીધાં. જોતજોતાંમાં તો આ કમર્શિયલ ક્લાઉડ કિચન બૅન્ગલોરમાં ગુજરાતી સ્વાદનું સરનામું બની ગયું. ભાવનાબહેનની આ સફર સુરતથી બૅન્ગલોર કઈ રીતે પહોંચી એની કહાણી પણ એટલી જ સ્વાદિષ્ટ છે જેટલી તેમના હાથની રસોઈ.


ગુજ્જુ મમ્મીની ટીમ.

સુરતથી બૅન્ગલોર

ભાવનાબહેન મૂળ સુરતનાં છે. તેમના પતિ પારુલકુમાર કનકેશ્વર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. ભાવનાબહેન મલ્ટિ-ટૅલન્ટેડ છે. પૅટર્ન જોઈને ડ્રેસ સીવી લેતાં. ભરતકામમાં પણ હોશિયાર. પારિવારિક જરૂરિયાત હતી અને શોખ પણ હતો એટલે સુરતમાં તેઓ સીવણકામ કરતાં. બન્ને સંતાનો મુદ્રા અને કુંજનો ઉછેર અને શાળાકીય અભ્યાસ સુરતમાં થયાં છે. ઉચ્ચ અભ્યાસ માટે મુદ્રાને ચેન્નઈ જવાનું થયું. ત્યાર બાદ કુંજ પણ આ​ર્કિટેક્ચર ભણવા બૅન્ગલોર શિફટ થઈ ગયો. કનકેશ્વર દંપતી સુરતમાં ખુશ હતું. ૨૦૧૭માં પારુલકુમારનું અવસાન થતાં ભાવનાબહેન એકલાં પડી ગયાં. સંતાનો પણ દૂર રહેતાં હોવાથી તેઓ ડિપ્રેશનમાં ચાલ્યાં ગયાં. કોરોના પછી મુદ્રા કામકાજ અર્થે બૅન્ગલોર આવી ગઈ હતી. ભાઈ-બહેને મમ્મીને પોતાની પાસે બોલાવી લીધાં અને ત્યારથી તેઓ બૅન્ગલોરમાં સ્થાયી છે. 

બેંગલુરુમાં ક્યાં મળશે?

યેલહંકા ન્યુ ટાઉન અને કોથાનુર વિસ્તારમાં ગુજ્જુ મમ્મીનું રસોડું કાર્યરત છે. ઝોમેટો, સ્વિગી જેવા ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા સરળતાથી ઓર્ડર કરી શકાય છે ઇન્સ્ટાગ્રામ પેજ- @gujjumummy વેબસાઇટ- https://www.gujjumummy.com/

આગળની વાત કરતાં મુદ્રા કહે છે, ‘ઘરથી દૂર હતા ત્યારે અમને મમ્મીના હાથની રસોઈ મિસ થતી. ખાસ કરીને થેપલાં, ઢોકળાં, ખાંડવી, દાળઢોક‌ળી ખાવાનું બહુ મન થતું. દ​િક્ષણ ભારતમાં આવી વાનગીઓ જલદીથી મળતી નથી અને મળે તોય એમાં ઘર જેવો સ્વાદ ન હોય. રેસ્ટોરાંમાં મળતી વાનગીમાં મમ્મીના હાથનો જાદુઈ સ્પર્શ ક્યાંથી મળે? પપ્પાના ગયા પછી મમ્મી અમારી પાસે આવી જતાં અમે ખુશ હતાં કે હાશ, હવે સરસ મજાનું ઘરનું ખાવાનું મળશે. મમ્મી અમારી ડિમાન્ડ પૂરી કરતી. જોકે અમે જોયું કે એકલતાને દૂર કરવા મમ્મી રસોડામાં વધુ સમય વિતાવે છે. અમે વેપારી પરિવારમાંથી આવતા હોવાથી અમને ભાઈ-બહેનને હંમેશાંથી પારિવારિક બિઝનેસમાં રસ હતો. અમે પોતાના કામકાજની સાથે કોઈ નવું સાહસ કરવા માગતાં હતાં. પિતાને ગુમાવ્યા પછી મમ્મીને જોઈને આ વિચાર વધુ મજબૂત બન્યો. મમ્મીનો રસોઈ પ્રત્યેનો જુસ્સો, વર્ષોનો અનુભવ, સ્વાદની ઊંડી સમજ, સર્જનાત્મક તકનીકો શીખવાની ધગશ અને જિજ્ઞાસા જોઈને તેમની ૫૮મી વર્ષગાંઠે અમે ‘ગુજ્જુ મમ્મી’ નામનું ક્લાઉડ કિચન લૉન્ચ કર્યું. આ તેમના માટે સરપ્રાઇઝ હતી. અમારો હેતુ મમ્મીના સપનાને સાકાર કરવાનો અને અમારા જેવા અનેક યુવાનો જેઓ ઘર કા ખાના મિસ કરે છે તેમના સુધી મમ્મીના હાથ જેવી રસોઈ પહોંચાડવાનો છે. અમે માત્ર ગિફ્ટ આપી હતી, પણ મમ્મીએ પોતાની મહેનત અને પ્રતિભાથી આ બિઝનેસને નવી ઊંચાઈએ પહોંચાડી દીધો. ‘ગુજ્જુ મમ્મી’ પારિવારિક પ્રયાસ છે જે મમ્મી માટે કંઈક અર્થપૂર્ણ કરવાની ઇચ્છામાંથી જન્મ્યો હતો.’


ભાવનાબહેને બનાવેલી વિવિધ વાનગીઓની ઝલક

શરૂઆતના પડકારો

૬૧ વર્ષનાં ભાવનાબહેન કહે છે, ‘બાળપણથી કોઈ ને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલી રહી છું. પિયરમાં અને સાસરે આવ્યા પછી પણ જીવનની એક ક્ષણ વેડફી નથી. બૅન્ગલોર આવ્યા પછી મને ટ્યુશન કરવાનો વિચાર આવ્યો હતો, પરંતુ લૅન્ગ્વેજ-બૅરિયરને લીધે કરી ન શકી. સંતાનોએ મારા માટે જે વિચાર્યું એનાથી ખુશ છું. ‘ગુજ્જુ મમ્મી’ બજારનાં વલણોનો અભ્યાસ કર્યા પછી અથવા વ્યવસાયની તક ઓળખ્યા પછી શરૂ કરેલો બિઝનેસ નથી. આ એક પારિવારિક કહાણીમાંથી ઊભો કરેલો વ્યવસાય છે જે દિલની ઘણો નજીક છે. સંતાનોએ એક એવું પ્લૅટફૉર્મ ઊભું કરી આપ્યું જેમાં મારી હંમેશાં રુચિ હતી. ક્લાઉડ કિચન પસંદ કરવાનાં સંતાનો પાસે બે કારણ હતાં. પહેલું કારણ ડાઇન-ઇન સેટઅપમાં ભારે રોકાણ કરવું પડે, સંચાલનનો ખર્ચ વધી જાય અને ગ્રાહકોની પસંદગીને સમજવામાં વાર લાગે. બીજું, તેમનો ઉદેશ પરંપરાગત ગુજરાતી રસોઈને એવા લોકો સુધી પહોંચાડવાનો હતો જેઓ ઘર જેવું સાદું અને સ્વાદિષ્ટ ભોજન ઇચ્છે છે. ક્લાઉડ કિચન મૉડલ ખોરાકની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની, સુસંગતતા જાળવવાની અને ડિલિવરી પ્લૅટફૉર્મ દ્વારા સીધા ગ્રાહકો સુધી પહોંચવાની મંજૂરી આપે છે. ક્લાઉડ કિચન અમારા વિઝન ઘર કા ખાના સાથે મેળ ખાય છે. જોકે શરૂઆતમાં ઘણા પડકારો આવ્યા. સૌથી મોટો પડકાર હતો સ્ટિરિયોટાઇપ ગુજરાતી ભોજનને મૂળભૂત રીતે રજૂ કરવું. પરંપરાગત ગુજરાતી રસોઈ ફૅન્સી રીતે પીરસવામાં નથી આવતી. એ સ્વાદમાં અવ્વલ છે પણ પીરસવામાં ઝાઝી માથાકૂટ નથી કરવી પડતી. દ​િક્ષણ ભારતમાં ગુજરાતી રસોઈને લોકપ્રિય બનાવવા ખાસ્સી મહેનત કરવી પડી. ગુજરાતીઓ ઉપરાંત અમે ઘરથી દૂર રહેતા બિનગુજરાતી ગ્રાહકો સુધી પણ પહોંચવા માગતા હતા. ગુજરાતી વાનગી એટલે ઢોકળાં અને થેપલાં એટલી જ તેમને જાણકારી હતી. અમારે એ લોકોને ઊંધિયું અને દાળઢોકળી ખાતા કરવા હતા. પડકારોને ઝીલીને અમે ધીમે-ધીમે આગળ વધ્યા. આજે માત્ર ગુજરાતીઓ જ નહીં, બિનગુજરાતી ગ્રાહકો પણ અમારા કિચનમાં બનેલી વાનગીઓ હોંશે-હોંશે ઑર્ડર કરે છે. ૩ વર્ષની મહેનતના અંતે અમે સેંકડો ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ થયા છીએ.’

વાનગીઓની ભરમાર

‘ગુજ્જુ મમ્મી’ના કિચનમાં બનતી વાનગીઓ સિમ્પલ ઍન્ડ ટેસ્ટી હોય છે. એ દાયકાઓથી ચાલતી દાદી-નાનીની રેસિપી છે. સામાન્ય ગુજરાતી ગૃહિણી રસોઈ બનાવતી વખતે ચોક્કસ માપદંડ કે પ્રમાણને અનુસરતી નથી છતાં રસોઈનો સ્વાદ એકસરખો જળવાઈ રહે છે. રસોઈ પાંચ જણની બનાવવાની હોય કે પચાસ જણની, સ્વાદમાં ફરક પડતો નથી. ભાવનાબહેને આ વારસો જાળવી રાખ્યો છે. પરિવાર માટે રસોઈ બનાવતાં હોય એટલી સરળતાથી તેઓ સેંકડો ડબ્બા ભરાય એટલી વાનગીઓ બનાવે છે. ટ્રેન્ડને અનુસરવા વાનગીની રીતમાં ફેરફાર કરવાને બદલે ઓરિજિનલ ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે જ ગ્રાહકોને જમતી વખતે ઘરેથી ટિફિન આવ્યું હોય એવો અહેસાસ થાય છે. ‘ગુજ્જુ મમ્મી’ રોજબરોજની રસોઈ, ફરસાણ અને ગરમ નાસ્તો, સીઝનલ ફૂડ તેમ જ તહેવારોને ધ્યાનમાં રાખીને સૂકા નાસ્તા અને મીઠાઈ પણ બનાવે છે. દાળ-ભાત, શાક-રોટલી, મેથીનાં થેપલાં, સેવ-ટમેટાનું શાક અને ભાખરી, બાજરાનો રોટલો, જુવારનો રોટલો, મસાલા ભાખરી જેવી રોજિંદી રસોઈનાં ટિફિન ઉપરાંત હાંડવો, ઢોકળાં, ખાંડવી, બટાટાપૌંઆ, પાતરાં, સેવ-ખમણી જેવા ગરમ નાસ્તાના રેગ્યુલર ઑર્ડર હોય છે. વિવિધ પ્રકારના ખાખરા, ડ્રાય પાતરાં, નડિયાદી ભૂસું, ભાખરવડી સહિતનાં ફરસાણો મળી રહે છે. સીઝનમાં સુરતી ઊંધિયું તેમની સ્પેશ્યલિટી છે. તહેવારો દરમ્યાન મઠિયાં, ચોળાફળી, ચૂરમાના લાડુ અને વેડમી (પૂરણપોળી)ની હંમેશાં ડિમાન્ડ રહે છે. પેઢી દર પેઢીથી ચાલી આવતી રેસિપી પ્રમાણે બનતી વાનગીઓ ‘ગુજ્જુ મમ્મી’ને અન્ય ક્લાઉડ કિચન કરતાં અલગ બનાવે છે અને એ જ તેમની સફળતાનું રહસ્ય છે.


અથાણા બનાવતા ભાવનાબહેન અને સંતાનો મુદ્રા અને કુંજ

કૉર્પોરેટ ટાઇ-અપ

બૅન્ગલોરમાં ક્લાઉડ કિચનની દુનિયા ઝડપથી વધી રહી છે, પરંતુ એમાં સ્પર્ધા સાથે હાઇજીન અને ગુણવત્તા જાળવવાની પડકારજનક જવાબદારી પણ છે. વહેલી સવારથી ભાવનાબહેન રસોડાના કામમાં જોતરાઈ જાય છે. તમામ વાનગીઓ પ્રેશર કુકર, ઢોકળિયું, કડાઈ જેવા રસોડામાં ઉપયોગમાં લેવાતાં વાસણોમાં બને છે. વાનગીઓ બનાવવાથી લઈને પૅકેજિંગ સુધી બધું જ તેમની દેખરેખ હેઠળ થાય. રસોડું એકદમ ચોખ્ખુંચણક જોઈએ. બૅન્ગલોરમાં વસવાટ કરતા ગુજરાતીઓમાં તેઓ લોકપ્રિય છે જ, બિનગુજરાતીઓનો વિશ્વાસ જીતવામાં પણ સફળ થયાં છે. ઘણા ગ્રાહકો ગુજરાતી વાનગી ચાખવાના હેતુથી ઑર્ડર કરે છે અને પછી કાયમના ગ્રાહક બની જાય છે. ગુજરાતી ભોજન વૈવિધ્યસભર, સંતુલિત અને આરોગ્યપ્રદ હોઈ શકે એવું તેઓ સ્વીકારે છે. બિનગુજરાતી ગ્રાહકો થેપલાં, સેવ-ટમેટાંનું શાક, દાળ-ઢોકળી, ખીચડી-કઢી જેવી વાનગીઓ ઉપરાંત પરંપરાગત ગુજરાતી અથાણાં પસંદ કરે છે. છેલ્લાં ૩ વર્ષમાં રીટેલ વ્યવસાય દ્વારા તેઓ ૫૦,૦૦૦થી વધુ ગ્રાહકો સુધી પહોંચ્યાં છે. કેટરિંગના ઑર્ડર દ્વારા ૩૦,૦૦૦થી વધુ ગ્રાહકોને સેવા આપી છે. લુલુલેમન બૅન્ગલોર અને કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનૅશનલ લિમિટેડ જેવી કૉર્પોરેટ કંપનીઓ સાથે ટાઇ-અપ છે. એમના કાર્યસ્થળ પર બલ્કમાં ફૂડ સપ્લાય કરે છે. ભાવનાબહેનને બૅન્ગલોરસ્થિત જે. ડબ્લ્યુ. મૅરિયટના શેફને ઑથેન્ટિક ગુજરાતી ફૂડ બનાવવાની તાલીમ આપવા બોલાવવામાં આવ્યાં હતાં. સોશ્યલ મીડિયા પ્રમોશન અને માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી ગુજ્જુ મમ્મી બ્ર‌ૅન્ડ ઘર કા ખાના તરીકે પોતાની ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે. તમામ વાનગીઓ ઘરના રસોડામાં બને છે અને બૅન્ગલોરમાં યેલહંકા ન્યુ ટાઉન તેમ જ કોથાનુર વિસ્તારમાં આવેલા આઉટલેટથી ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે. થોડા સમયથી ઘરની ટેરેસ પર બેસવાની સુવિધા ઊભી કરી છે જેથી સ્વાદના રસિયાઓ ત્યાં બેસીને વાનગીની લિજ્જત માણી શકે. ડિલિવરી પ્લૅટફૉર્મ દ્વારા પણ સરળતાથી ફૂડ ઑર્ડર કરી શકાય છે.

મોટા પાયે ખાદ્ય વ્યવસાય ચલાવવો સરળ નથી. એ માટે ટીમવર્કની જરૂર પડે છે. ગુજ્જુ મમ્મી મહિલાઓના દમ પર ચાલતો વ્યવસાય છે. રસોઈમાં મદદ કરવા અને ઑર્ડરને પહોંચી વળવા માટે ૧૦ જણની ટીમ છે. દીકરી મુદ્રા મૅનેજમેન્ટ અને બિઝનેસને વિસ્તારવામાં મદદરૂપ થાય છે. સમસ્ત ટીમમાં કુંજ એકમાત્ર પુરુષ છે જે ઑપરેશન્સમાં સહાય કરે છે. ભાવના કનકેશ્વર કહે છે, ‘હંમેશાં નાનો વ્યવસાય કરતી હતી છતાં મારું બૅન્કમાં અકાઉન્ટ નહોતું. કમાઈને ઘરમાં આપ્યા અને બાળકોને ભણાવ્યાં. ગુજ્જુ મમ્મીએ મને બાકાયદા આર્થિક રીતે પગભર કરી. જે દિવસે બૅન્ક-અકાઉન્ટ ખોલ્યું ત્યારે આંખમાં પાણી આવી ગયાં. પોતાની કમાણીને પોતાના અકાઉન્ટમાં જમા કરવાની વાત જ અલગ છે. મારા હાથ નીચે કામ કરતી મહિલાઓની સ્થિતિ પણ એવી જ હતી. તેમને બૅન્ક-અકાઉન્ટ ખોલવામાં મદદ કરી એનો ગર્વ છે. આજે તેઓ આર્થિક સ્વતંત્રતાનો આનંદ ઉઠાવી રહી છે. રસોઈ પ્રત્યેની લગન અને પરિવારના સહકારથી શરૂ થયેલી આ સફર માત્ર વ્યવસાય નથી, ગુજરાતી સંસ્કૃતિ અને ઘરેલુ સ્વાદને લોકો સુધી પહોંચાડવાનું અને વધુ ને વધુ મહિલાઓને પગભર થવા પ્રોત્સાહિત કરવાનું મિશન બની ગઈ છે.’

ભાવનાત્મક જોડાણ

ભાવનાબહેન કહે છે, ‘ગુજરાતી ભોજન મારા મૂળ સાથેનું સૌથી મજબૂત જોડાણ છે. સુરતનું જમણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. હું જ્યારે રસોડામાં હોઉં ત્યારે અઢળક સંસ્મરણો તાજાં થઈ જાય છે. બાળપણમાં કૌટુંબિક મેળાવડાઓ અને ઉત્સવોની ઉજવણીઓમાં રસોડાને ધમધમતું અને મસાલાની સોડમથી મહેકતું જોયું છે. મારાં મમ્મીને પણ જુદી-જુદી વાનગીઓ બનાવવાનો શોખ હતો. સાસરું પણ ખાવાનું શોખીન મળ્યું. અહીંની રીત પ્રમાણેની રસોઈ અને ખાસ તો અથાણાં બનાવતાં સાસુ પાસેથી શીખી. કૌટુંબિક પરંપરાને નિષ્ઠાપૂર્વક આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છું. આ ઉંમરે રસોઈ બનાવવાનો જુસ્સો ઓસર્યો નથી. મારી મનપસંદ ગુજરાતી વાનગી રવૈયા (રીંગણાં)નું શાક છે. ઊંધિયું ઑલટાઇમ ફેવરિટ છે. વાનગીઓ માત્ર પેટ ભરવા માટે નથી હોતી, એની સાથે ભાવનાત્મક કનેક્શન હોય છે. વિદ્યાર્થીજીવન દરમ્યાન મારાં બાળકોને ઘરનું ભોજન ઉપલબ્ધ નહોતું. આજે હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જ્યારે કહે કે ઢોકળાં અસ્સલ મારી મમ્મી જેવાં બન્યાં હતાં, મમ્મીએ ટિફિન મોકલ્યું હોય એવી મજા આવી ત્યારે સંતોષ થાય છે. એક વાર એક ગુજરાતી યુવકે મને કહ્યું કે આન્ટી, રસિયા મૂઠિયાં બનાવી આપશો? મેં ક્યારેય બનાવ્યાં નહોતાં. તેની મમ્મીની રીત મુજબ બનાવવાનો પ્રયાસ કર્યો. ખાઈને ખુશખુશાલ થઈ ગયો. મારો એક જ સંદેશ છે, ‘ઘરથી દૂર છો? કંઈ વાંધો નહીં. ગુજ્જુ મમ્મીના રસોડામાં તમારું સ્વાગત છે. ખાઓ, પીઓ અને મજામાં રહો દીકરા.’ ગુજ્જુ મમ્મીનું વિઝન સમગ્ર ભારતમાં પરંપરાગત ગુજરાતી સ્વાદને સ્થાપિત કરવાનું છે. અમે ફ્રૅન્ચાઇઝીની તકો દ્વારા વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. વિવિધ શહેરોમાં પ્રવાસથી આત્મવિશ્વાસ વધ્યો છે.’

bengaluru columnists food and drink food news street food Gujarati food mumbai food indian food Varsha Chitaliya