11 May, 2025 06:52 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગરોડિયા
મારી એક ફિલ્મ આવે છે જેનું ટાઇટલ છે ‘મહારાણી’, આ ફિલ્મની લીડ ઍક્ટ્રેસ માનસી ગોહિલ છે અને ફિલ્મમાં મારો પણ એક રોલ છે. આ જ ફિલ્મમાં મારા નાટકના સાથી કલાકાર નીલેશ પંડ્યા પણ છે. ‘મહારાણી’નું શૂટિંગ મીરા રોડ પર આવેલા ઇલોરા સ્ટુડિયોમાં ચાલે છે. હમણાંની વાત કરું.
સાંજે છ વાગ્યે શૂટિંગ પત્યું અને હું નાસ્તો લેવા જતો હતો ત્યાં જ મને નીલેશ પંડ્યાએ કહ્યું કે તમે અહીં નાસ્તો નહીં કરો, હું તમને સરસ જગ્યાએ નાસ્તો કરવા લઈ જાઉં. મિત્રો, આ જે નીલેશ પંડ્યા છે તે દહિસરમાં LIC કૉલોનીમાં રહે છે. અમે તો રવાના થયા ગાડીમાં અને નીલેશ મને લઈ ગયો ચંગુમંગુ વડાપાંઉવાળાને ત્યાં. દહિસર-મીરા રોડના ઘણા કલાકારો અને મિત્રો પાસે મેં એનું નામ સાંભળ્યું હતું પણ ખાવાનો મોકો મને પહેલી વાર મળ્યો.
અમે પહોંચ્યા ત્યારે ચંગુમંગુમાં એવી ગિરદી કે વાત ન પૂછો. અમે માંડ કૅશ- કાઉન્ટર પર પહોંચ્યા અને પૈસા આપ્યા એટલે તેમણે મને ટોકન આપ્યાં. અમે ફરીથી લાઇનમાં ઊભા રહ્યા અને પછી ટર્ન આવ્યો એટલે ટોકન આપ્યાં અને વડાપાંઉ લીધાં.
સાહેબ, માત્ર સત્તર રૂપિયાનું એક વડાપાંઉ. સાઇઝ પણ ખાસ્સી મોટી અને જલસો પડી જાય એવો સ્વાદ. જો સાંજના સમયે તમે એક મરચી સાથે વડાપાંઉ ખાઈ લો એટલે બે કલાક સુધી તમને ભૂખ ન લાગે. એવું નથી કે અહીં વડાપાંઉ જ મળે છે. ના, મિસળ-પાંઉ પણ મળે છે અને ઉસળ-વડાં પણ મળે છે. આ ઉસળ-વડાં બહુ ઓછી જગ્યાએ મળતાં હોય છે, એનું એક કારણ પણ છે. ઉસળ અને વડાં બન્નેમાં તમારી માસ્ટરી હોવી જોઈએ. જો બેમાંથી એકનો સ્વાદ પણ સહેજ ઓછો ઊતરતો હોય તો આખી પ્લેટ બદનામ થાય.
આ ચંગુ-મંગુ વડાપાંઉના ઓનરની વાત કરું તો એના ઓનર બે મિત્રો છે. ચંદ્રકાન્ત અને મંગેશ નામના બે ભાઈબંધને તેમના સર્કલમાં બધા ચંગુ-મંગુ કહેતા. એ બે ભાઈબંધોને વડાપાંઉ બહુ ભાવે. બન્નેએ શોખને બિઝનેસ બનાવ્યો અને પછી એનું નામ જ પડી ગયું ચંગુ-મંગુ વડાપાંઉ.
આજે તો એવી હાલત છે કે દિવસમાં ચંગુ-મંગુ રોજનાં હજારથી પણ વધારે વડાપાંઉ વેચતાં હશે અને આ આંકડો પણ હું ડરતાં-ડરતાં આપું છું. બને કે રજાના દિવસે તો આ આંકડો બેથી અઢી હજાર વડાપાંઉ પર પહોંચી જતો હોય.
દહિસરમાં આવેલી રાજશ્રી ટૉકીઝની સામે આ ચંગુમંગુ વડાપાંઉનો સ્ટૉલ આવેલો છે. અત્યારે તો રાજશ્રી ટૉકીઝ બંધ થઈ ગઈ છે પણ હજીયે એ મલ્ટિપ્લેક્સ આ જ નામે ઓળખાય છે. સવારના સમયે તમે જાઓ તો ચંગુ-મંગુને ત્યાં ઇડલી-વડાં ને એવું બધું મળે છે તો બપોર પછી વડાપાંઉ અને બીજી વરાઇટી મળે છે. હું તો કહીશ કે દહિસર અને મીરા રોડમાં રહેતા લોકોએ તો અત્યારે જ ચંગુ-મંગુને ત્યાં જવું જોઈએ અને વાત રહી મલાડ, બોરીવલી અને કાંદિવલીમાં રહેતા લોકોની તો તેમણે કાલે જઈને ચંગુ-મંગુના વડાપાંઉ ટ્રાય કરવાં જોઈએ. પૈસા વસૂલ ટેસ્ટ છે એની ગૅરન્ટી મારી.