ન્યુ જર્સીમાં વતનનો સ્વાદ જો કોઈ આપતું હોય તો એ છે વતન રેસ્ટોરાં

11 April, 2026 05:39 PM IST  |  Mumbai | Sanjay Goradia

તમને ઊંધિયું પણ ખાવા મળે અને ખીચું પણ એકદમ ઑથેન્ટિક મળે અને એ પણ અમેરિકામાં. આનાથી મોટો જલસો બીજો કયો હોય...

ન્યુ જર્સીમાં વતનનો સ્વાદ જો કોઈ આપતું હોય તો એ છે વતન રેસ્ટોરાં

અત્યારે મારું નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ અમેરિકા અને કૅનેડાની ટૂર પર છે અને ટૂર પર હોઉં ત્યારે મને સતત મનમાં થાય કે હું ત્યાંની આઇટમનો આસ્વાદ તમારા સુધી પહોંચાડું. એમાં બન્યું એવું કે એક વાચક મિત્રએ મને ઈ-મેઇલ કરીને કહ્યું કે અમને અમેરિકામાં જ્યાં ગુજરાતી આઇટમો સારી મળતી હોય એવી જગ્યા સજેસ્ટ કરજો અને મને તરત જ તક મળી ગઈ.

અમેરિકાના ન્યુ જર્સીમાં વતન નામની એક રેસ્ટોરાં છે. વાત આગળ વધારતાં પહેલાં તમને કહેવાનું કે અગાઉ મેં વતન રેસ્ટોરાં વિશે તમને વાત કરી છે, પણ એ ન્યુ યૉર્કમાં છે અને એ માત્ર ગુજરાતી થાળી જમાડે છે. બન્ને રેસ્ટોરાંના માલિકો પણ જુદા. બસ, નામ સરખું. ન્યુ જર્સીમાં જે વતન રેસ્ટોરાં છે એ વતન મલ્ટિ-ક્વિઝિન રેસ્ટોરાં છે એટલે કે ત્યાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ઇન્ડો-ચાઇનીઝ વરાઇટીની સાથોસાથ અમુક આપણું સ્ટ્રીટ-ફૂડ પણ મળે. આ વતન રેસ્ટોરાંમાં મને અમેરિકામાં રહેતા મારા મિત્ર જયેશ મહેતા લઈ ગયા એ પણ તમને જણાવી દઉં.

રેસ્ટોરાંમાં ગયા કે તરત મને એના ઓનર નિખિલભાઈ મળવા આવ્યા. થોડી વાર પછી તેમનાં વાઇફ પણ આવ્યાં અને મને ખબર પડી કે અહીં બનતી તમામ વરાઇટી પર નજર રાખવાનું કામ તેમનાં વાઇફ કરે છે. બસ, હું સમજી ગયો કે આજે જે ખાવા મળશે એ સ્વાદમાં તબલાતોડ જ હોવાનું. હા, રેસ્ટોરાંમાં હું જઉં એ પહેલાં બહાર મને આ રેસ્ટોરાંના જ કેટલાક એવા કસ્ટમરો પણ મળ્યા જેઓ મારા પણ ફૅન હતા. તેમણે મને કહ્યું કે તમે અહીંનું ઊંધિંયું ખાજો જ ખાજો. એટલે મેં તો તરત ઑર્ડર આપ્યો કે ભાઈ, પહેલાં મને ઊંધિંયું ખવડાવો અને ઊંધિંયું આવ્યું. આપણે ત્યાં ઊંધિંયું શિયાળામાં જ સારું મળે, પણ વતન રેસ્ટોરાંનું ઊંધિંયું તો આપણાથી પણ ચડિયાતું અને એકદમ ઑથેન્ટિક. જલસો પડી ગયો. મારી ઊંધિંયું ખાવાની રીત તમને કહું.

આપણે ત્યાં લોકો જે રીતે સિઝલર ખાય એ રીતે હું ઊંધિંયું ખાતો હોઉં છું. મને એમાં રોટલી નામ પૂરતી જોઈએ અને જો ઊંધિંયું અવ્વલ દરજ્જાનું હોય તો રોટલી પણ ન જોઈએ. બસ, હું અને મારું ઊંધિંયું. મેં એ જ રીતે ઊંધિંયું ખાધું અને મને ક્યાંય દેશના સ્વાદની સહેજ પણ કમી મહેસૂસ ન થઈ. એ પછી મને ખાતરી થઈ ગઈ કે આજે મને વતનથી દૂર વતનનો સ્વાદ મળવાનો છે એટલે મેં તો એવી જ બધી આઇટમ મગાવવાની શરૂ કરી જેનાં મને સપનાં આવવાનાં શરૂ થઈ ગયાં હતાં.

મેં ખીચું મગાવ્યું. એકદમ ફ્રેશ ખીચું. એની સાથે સિંગતેલ અને મેથિયા મસાલો આવ્યો. એકદમ સૉફ્ટ એવા આ ખીચુંને સાઉથ ગુજરાતમાં પાપડીનો લોટ પણ કહે છે. ખીચું હજી તો પૂરું કર્યું ત્યાં તો તરત આવી પાંઉભાજી. મિત્રો, આ જે પાંઉભાજી હતી એ સ્વાદમાં એકદમ આપણા મુંબઈની પાંઉભાજી જેવી જ હતી. બહુ ઓછા લોકોને ખબર હશે, પણ હકીકત એ છે કે પાંઉભાજી આપણા મુંબઈની શોધ છે. સવાસો વર્ષ પહેલાં મિલ-કામદારો રોજ પોતાના ટિફિનમાં પાંઉભાજી લઈ જતા. સવાર-સવારમાં ભાજી ફટાફટ તૈયાર થઈ જાય એટલે ડબ્બામાં એ ભરી લેવાની અને રસ્તામાંથી પાંઉ લઈ લેવાના. સમય જતાં આ પાંઉભાજી આપણો ખોરાક બની ગયો અને આપણે મોજથી ખાવા માંડ્યા.

વતનમાં મળતી આઇટમનું મેનુ મેં જોયું તો હું આભો રહી ગયો. મિસળ પણ હતું અને આપણાં વડાપાંઉ પણ હતાં. આ ઉપરાંત સેવપૂરી, દહીંબટાટાપૂરી અને સમોસા પણ હતાં તો અલગ-અલગ કેટલીયે ફ્રૅન્કી પણ હતી. સૅન્ડવિચમાં પણ વરાઇટીનો ઢગલો હતો અને આપણા મેથીના ગોટા, ઢોકળાં, ખમણથી માંડીને ભૂંગળા-બટાટા, મૂઠિયાં, દાળઢોકળી, દાળખીચડી, પૂરણપોળી, છોલેપૂરી, થાળી, સ્વામીનારાયણ થાળી, જૈન થાળી અને એવી તે આપણી કેટલીયે વરાઇટી હતી. વાત કરતાં ખબર પણ પડી કે શ્રાવણ મહિનામાં તો આખો મહિનો આ વતન રેસ્ટોરાંમાં શ્રાવણ થાળી પણ મળે છે. વિચારો તમે, અમેરિકામાં રહીને પણ આપણી બધી આઇટમ બનાવવી અને એ પણ એકદમ ઑથેન્ટિક ટેસ્ટ સાથે એ કંઈ નાનીસૂની વાત થોડી છે.

જો તમારે ન્યુ જર્સી જવાનું થાય કે પછી તમારાં કોઈ સગાં-મિત્રો ન્યુ જર્સીમાં રહેતાં હોય તો તેમને ચોક્કસ કહેજો કે એક વખત વતનમાં જઈને વતનની વાનગીઓનો આસ્વાદ ચોક્કસ માણે. જલસો પડી જશે એની ગૅરન્ટી મારી.

new jersey united states of america gujarati community news international travel food food news Gujarati food indian food lifestyle news life and style