૯૨ વર્ષથી એકધારી ક્વૉલિટી સાથે આઇટમ બનાવવી એ નાની વાત નથી

05 September, 2026 07:08 PM IST  |  Mumbai | Sanjay Goradia

સુરેન્દ્રનગરના જૂના મૂળીવાળાના ફાફડામાં પણ મરી હોય અને ફાફડા એવા પાતળા કે જીભ પર મૂકો અને એ ઓગળી જાય

સુરેન્દ્રનગરના જૂના મૂળીવાળાના ફાફડા

અગાઉ તમને કહ્યું હતું એમ મિત્રો મારી ફિલ્મનું શૂટિંગ સુરેન્દ્રનગર પાસે આવેલા મૂળી ગામના મહેલમાં હજી ચાલુ છે. અહીં અમારે આખી રાત શૂટિંગ કરવાનું અને દિવસે સૂવાનું. ફિલ્મની વાર્તા એવી છે કે એ મોટા ભાગે રાતના સમયમાં જ ચાલે છે એટલે શું થાય કે સવારે છ-સાત વાગ્યે અમારું પૅકઅપ થાય અને પછી અમારે મેકઅપ બધું કાઢીને, ચેન્જ કરીને નીકળતાં ૭.૩૦ થઈ જાય અને હોટેલ પર પહોંચતાં ૮ વાગી જાય અને પછી સૂવાનું. વિચિત્ર શેડ્યુલ હોય ત્યારે તમારી ખાવા-પીવાની રીતભાત પણ બદલાઈ જાય. અમારું પણ એવું જ થયું છે.

હમણાં બુધવારે અમે શૂટ પતાવીને નીકળ્યા ત્યારે રસ્તામાં એક જૂના મૂળીવાળા નામની દુકાન દેખાઈ. આ દુકાન બહુ એટલે બહુ જૂની છે. સવારે ૮ વાગ્યે એ ખૂલી જાય અને ફાફડા અને વણેલા ગાંઠિયા માટે લાઇન લાગે. દુકાનની બહાર જ તાવડો મૂક્યો હોય. તમારી સામે જ તમને ફાફડા અને વણેલા ગાંઠિયા તળીને આપતા જાય. ગાંઠિયા એના અદ્ભુત. આ બધી અમને ખબર કેમ પડી એનો હું પહેલાં જવાબ આપું. મૂળી મહેલના કર્તાધર્તા ભાઈ છે તેણે અમને સજેસ્ટ કર્યું હતું કે જો ગાંઠિયા ખાવા હોય તો સુરેન્દ્રનગરમાં જૂના મૂળીવાળાના ખાજો, મજા આવશે.

અમે તો પહોંચ્યા એ દુકાને. હવે અહીંની ખાસિયત શું હતી એ હું કહું. ફાફડામાં મરી નાખેલા હતા. નૉર્મલી વણેલા ગાંઠિયા મરીવાળા હોય છે અને એ પણ દરેક જગ્યાએ મરીવાળા નથી હોતા. મોટા ભાગે હવે પ્લેન જ વણેલા ગાંઠિયા મળે છે. જોકે આ દુકાનમાં તો ફાફડામાં મરી હતા અને જે ફાફડા હતા એ કાગળ જેવા પાતળા. મોઢામાં મૂકો ત્યાં ઓગળી જાય એવા અને એમાં અડધા વાટેલા મરીનો સ્વાદ.

હું અને મારા સાથી કલાકારો નીલેશ પંડ્યા અને જિજ્ઞેશ મોદી એમ ૩ જણ હતા એટલે અમે ૨૦૦ ગ્રામ ફાફડા અને ૨૦૦ ગ્રામ વણેલા ગાંઠિયા મગાવ્યા. બીજી વાત કહું મિત્રો. સૌરાષ્ટ્રમાં મોટા ભાગે તમને ગાંઠિયા સાથે પેલું પપૈયાનું છીણ આપવામાં આવે, પણ અહીં તમને ગરમાગરમ સવારે બનાવેલી કઢી ચટણી પડિયામાં આપે અને સાથે આપે તમને લોટવાળાં મરચાં. અમે સાદાં લીલાં મરચાં માગ્યાં તો અમને એ પણ તળીને આપ્યાં. મિત્રો જલસો-જલસો પડી ગયો. જોકે સાચી મજા તો એ પછીની વાતમાં છે.

એ લોકો ખાલી ફાફડા અને ગાંઠિયા નથી બનાવતા. એ લોકોને ત્યાં સ્વીટ્સની ખૂબ મોટી રેન્જ છે અને એ સિવાય સમોસા, કચોરી, પાત્રા, ખસ્તા કચોરી, વાટીદાળનાં ખમણ, નાયલૉન ખમણ, સફેદ ખાટાં ઢોકળાં, ફરાળી પૅટીસ અને એવું બધું પણ મળે છે.

ગાંઠિયા પછી ફરાળી પૅટીસ મગાવી. ફરાળી પૅટીસ ઘણી વાર ખૂબ જ ઑઇલી હોય છે. એમાંય ખાસ કરીને તમે જ્યારે એ ગરમ-ગરમ ખાઓ તો એમાં ઑઇલ હાથ પર ચોંટતું હોય. જોકે આમાં એવું જરા પણ નહોતું એટલે એ પણ બહુ સરસ હતી અને એ સિવાય બીજી પણ ફરાળી આઇટમો હતી અને જૈનોની પણ ઘણી આઇટમો હતી.

આ આખો વિસ્તાર ઝાલાવાડ તરીકે જાણીતો છે અને ઝાલાવાડમાં જૈનોની સંખ્યા બહુ મોટી એટલે જૈન વરાઇટી અહીં મોટા ભાગે દરેક દુકાનમાં મળે.

જૂના મૂળીવાળા ૯૨ વર્ષ જૂની દુકાન છે. મિત્રો, વિચાર કરો ૯૨ વર્ષથી ધૂણી ધખાવી રાખવી અને સાથે ક્વૉલિટી મેઇન્ટેઇન કરવી એ બહુ મોટી વાત છે અને આવું ભાગ્યે જ થતું હોય છે કે ૯૨ વર્ષથી એક દુકાને ક્વૉલિટી મેઇન્ટેઇન કરી હોય અને ધમધોકાર ચાલતી હોય. જો જીવનમાં એક વાર સુરેન્દ્રનગર જવાનું બને તો અચૂક એટલે અચૂક જૂના મૂળીવાળાની દુકાને જજો, તમારો ધક્કો વસૂલ થશે એની ગૅરન્ટી મારી. જૂના મૂળીવાળાની દુકાન કોઈને પણ પૂછશો તો તે દેખાડી દેશે એનો વિશ્વાસ રાખજો.

food and drink food news street food Gujarati food indian food mumbai food Sanjay Goradia columnists gujarati mid day