13 December, 2025 08:15 PM IST | Mumbai | Darshini Vashi
ફ્લેવરવાળા મિલ્કની સાથે શેરડીનો રસ
આજકાલ ફ્યુઝન ફૂડ-આઇટમ્સ ઘણી ધૂમ મચાવી રહી છે. રેગ્યુલર જૂસની વરાઇટી ટેસ્ટ કરી-કરીને હવે બોર થઈ ગયા હો તો સાયનમાં આવેલા ગુલશન જૂસ સેન્ટરમાં રાઉન્ડ મારી આવજો જ્યાં ઑથેન્ટિક શેરડીના રસમાં ફ્લેવર્ડ મિલ્ક નાખીને સર્વ કરવામાં આવે છે.
સાયન વેસ્ટમાં સ્ટેશન નજીક વર્ષો જૂની એટલે કે ૧૯૬૩ની સાલથી ગુલશન જૂસ સેન્ટર ચાલે છે. શરૂઆતમાં અહીં એકમાત્ર નાનીસરખી ઠેલા જેવી રેંકડી હતી જ્યાં શેરડીનો રસ મળતો હતો જે આજે મોટું જૂસ સેન્ટર બની ગયું. ત્યાં નૉર્મલ જૂસ, શેક્સ ઉપરાંત અમુક ફ્યુઝન પીણાં પણ મળે છે જે દરેક ફૂડીનું ધ્યાન ખેંચી રહ્યાં છે. આ વિશે જાણકારી આપતાં ગુલશન જૂસના ઓનર હાશિમ ખાન કહે છે, ‘અત્યારે ગુલશન જૂસને ત્રીજી પેઢી સંભાળી રહી છે. અત્યારે હવે ઘણી જગ્યાએ શુગરકેનની સાથે આઇસક્રીમ અને મિલ્કશેક પીરસી રહ્યા છે પણ અમે તો ઘણા વખત પહેલાં જ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં લોકો અમારા પર હસતા હતા કે આવું કોણ પીશે. આવી રીતે થોડું કંઈ ફ્યુઝન હોય; પણ ધીરે-ધીરે લોકોને એ પસંદ પડવા લાગ્યું અને અત્યારે લોકો ખાસ અહીંના મિલ્કશેક જૂસ પીવા માટે દૂર-દૂરથી આવે છે જેમાં વૅનિલા અને પાઇનૅપલ મિલ્કશેક જૂસ ખૂબ જ ફેમસ છે.’
ફ્લેવરવાળા મિલ્કની સાથે શેરડીના રસને મિક્સ કરીને આપવામાં આવે છે અને બની જાય છે મિલ્કશેક શુગરકેન જૂસ. એટલું જ નહીં, લસ્સી સાથે પણ શુગરકેન જૂસ મિક્સ કરીને આપવામાં આવે છે. જોકે બટરસ્કૉચ, પિસ્તાં અને વૅનિલા દૂધ સાથેનો શુગરકેન જૂસ ટ્રાય કરવા જેવો છે.
ક્યાં મળશે? : ગુલશન જૂસ સેન્ટર, મૅક્ડોનલ્ડ્સની બહાર, સ્ટેશનની સામે, સાયન.
સમય : સવારે ૧૦થી રાતે ૧૧.૩૦ સુધી