મોદીનું વડનગર અને ટહુકોનો લાજવાબ સ્વાદ

28 April, 2022 01:03 PM IST  |  Mumbai | Sanjay Goradia

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફૅમિલીમાંથી હવે તો કોઈ ત્યાં રહેતું નથી અને એ પછી પણ જે પ્રકારે વડનગરે કાયાકલ્પ કર્યો છે એ જોતાં કહેવું પડે, અદ્ભુત

સંજય ગોરડિયા

મારા ગ્રહોનું ગતિમાન એવું છે કે એ મને ઘરમાં પગ વાળીને બેસવા જ નથી દેતા. મારા નાટકની ગુજરાતની ટૂર પૂરી કરીને હું જેવો મુંબઈ પાછો આવ્યો કે ત્યાં વડનગરથી તેડું આવ્યું કે અમારી સ્કૂલમાં ચીનફ ગેસ્ટ બનીને આવો. વડનગર. મોદીસાહેબનું વતન, બંદા તૈયાર. નવા શહેરની વાતથી જ હું એક્સાઇટ થઈ ગયો અને એ એક્સાઇટમેન્ટની પાછળ ખુશી એ વાતની પણ હતી કે તમને સૌને નવી જગ્યાની ફૂડ ડ્રાઇવ પર લઈ જઈ શકાશે.

મહેસાણા કે વડનગરમાં ઍરપોર્ટ નથી એટલે તમારે અમદાવાદથી જ વડનગર જવું પડે, જેના માટે ખાસ્સા બે-અઢી કલાક થાય પણ જો તમે મુંબઈથી ટ્રેનમાં મહેસાણા પહોંચી જાઓ તો મહેસાણાથી અડધા કલાકમાં વડનગર પહોંચી જવાય. મેં આ બીજો ઑપ્શન પસંદ કર્યો અને રાતે બેસી ગયો ટ્રેનમાં. સવારે સાત વાગ્યે મહેસાણા પહોંચ્યો, યજમાન ઇલિાયાસભાઈ મને લેવા આવી ગયા હતા. 

મહેસાણાથી તમે રવાના થાઓ એટલે પહેલાં વીસનગર આવે અને એ પછી વડનગર આવે. આપણા વડા પ્રધાનનો જન્મ વડનગરમાં જ થયો અને તેમનું નાનપણ પણ વડનગરમાં જ પસાર થયું. ત્યાર પછી તેમણે વડનગર છોડ્યું પણ એમના ભાઈઓ અને બા-બાપુજી વડનગરમાં જ રહેતાં. હવે અમદાવાદ, ગાંધીનગર એમ અલગ-અલગ જગ્યાએ સ્થાયી થયા છે પણ વડનગરમાં તેમનો આવરોજાવારો ખરો. 

વડનગરમાં શર્મિષ્ઠા તળાવ છે તો વડનગરમાં કીર્તિ-તોરણ નામના બે મોટા સ્તંભ પણ છે, જે ૧૨મી સેન્ચુરીમાં બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડનગરમાં તાનસેનની દીકરીઓ તાના અને રીરીની પણ ઘણી યાદો જોડાયેલી છે, આ બન્ને દીકરીઓની યાદમાં વડનગરમાં તાનારીરી સંગીત મહોત્સવ પણ થાય છે તો કાયમી યાદરૂપે તાનારીરી ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે અને ગૌરી કુંડ પણ જોવાલાયક છે. 

આ બધું જોતાં-જોતાં મેં ઇલ્યાસભાઈને પૂછ્યું કે અહીં ખાવાનું શું સારું મળે છે. તો તેમણે મને તરત જ કહ્યુંઃ ચાલો, ટહુકો.

ટહુકોનાં હોર્ડિંગ્સ તો મેં વડનગર અને વીસનગરમાં ઘણી જગ્યાએ જોયાં હતાં એટલે બંદાએ તરત હા પાડી અને અમે એક જગ્યાએ ગાડી પાર્ક કરી ચાલતા થયા. હા, ગાડી પણ ન જઈ શકે એવા જૂના વિસ્તારમાં આ ટહુકોની દુકાન છે. 

‘ટહુકોમાં ખાવામાં શું બેસ્ટ?’

‘ભેળ...’ ઇલ્યાસભાઈએ મને કહ્યું, ‘તમે ક્યારેય નહીં ખાધી હોય અને ક્યાંય નહીં ચાખી હોય એવી ભેળ.’

આપણે તો શું માનીએ, ભેળ એટલે ભેળ. સેવ ને મમરા, ટમેટા, તીખી અને મીઠી ચટણી, કાંદા અને સમારેલા બાફેલા બટાટા. આ સિવાય બીજું શું હોવાનું પણ સાહેબ ના, એવું નહીં. ટહુકોની ભેળ સાવ જુદી જ હતી અને એમાં એક પણ પ્રકારની ચટણી હતી નહીં અને એટલું જ નહીં, એકેય જાતની ચટણીની એમાં જરૂર પણ નહોતી. મમરા અને સેવ ઉપરાંત એમાં ફરસાણની અઢળક આઇટમ હતી. જોતાં એવું જ લાગે કે નડિયાદી ભૂસું છે, પણ નડિયાદી ભૂસુંમાં મમરા હોતા નથી એ તમારી જાણ ખાતર તો તમારી જાણ ખાતર ચોખવટ પણ કરી દઉં કે એનો સ્વાદ પણ આ ટહુકોની ભેળ જેવો બિલકુલ નહીં. ભેળમાં તીખાશ પણ હતી અને દળેલી ખાંડની ગળાશ પણ એમાં આવતી હતી. હા, હિંગનું પ્રમાણ એમાં સહેજ વધારે હતું. મેં નોટિસ કર્યું છે કે મહેસાણાથી લઈને પાટણ અને બનાસકાંઠા વિસ્તારમાં આપણે ખાઈએ એના કરતાં હિંગ સહેજ વધારે ખવાય છે. કારણ તો હજી સુધી કોઈ પાસે જાણ્યું નથી પણ મને લાગે છે કે સૂકી આબોહવાના કારણે આ પ્રથા પડી હશે. 

ટહુકોની એક ખાસિયત કહું તમને. તમારી પાસે ઍડ્રેસ ન હોય તો પણ વાંધો નહીં. વડનગર જ નહીં, વીસનગર અને મહેસાણામાં પણ તમે જઈને ટહુકોનું નામ કોઈ પણ રિક્ષાવાળાને આપો એટલે એ તમને ફટાક દઈને ટહુકોના દરવાજે લઈ જાય. વડનગર જાઓ તો એક વાર ચોક્કસ આ નવા પ્રકારની ભેળ ખાજો. મજા આવશે.

columnists life and style Gujarati food Sanjay Goradia