વાનગીઓમાં મીઠું ઉપરથી ભભરાવવાનું ટાળો અને હેલ્ધી પર્યાય અપનાવો

23 May, 2025 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેગ્યુલર ડાયટમાં વપરાતું મીઠું પ્રમાણમાં ખવાય તો એ કોઈ નુકસાન નથી કરતું પણ ઘણા લોકોને વાનગીની ઉપર છાંટીને ખાવાની આદત હોય છે અને એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને બદલે બીજા હેલ્ધી ઑપ્શન્સની પસંદગી પણ કરી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

ઘરે બનતાં વ્યંજનો ગમેએટલાં સ્વાદિષ્ટ કેમ ન હોય, પણ જો એમાં મીઠું ઓછું હશે તો મજા નહીં આવે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ એક દિવસમાં પાંચ ગ્રામ એટલે કે એક ચમચી મીઠું ખાવાની સલાહ આપી છે. એનાથી વધુ ખાવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જોકે આપણા દેશમાં લોકો દરરોજ પાંચ ગ્રામથી પાંચગણું મીઠું ખાય છે. ઘણી વાર વાનગીમાં મીઠું ઓછું લાગે તો ઉપરથી ભભરાવીને ખાય છે. એક વાર વાનગીઓના વઘાર કે બાફવામાં નાખેલા મીઠા કરતાં પણ ઉપરથી ભભરાવેલું કાચું મીઠું વધુ નુકસાન પહોંચાડે છે. એને હેલ્ધી પર્યાયથી રિપ્લેસ કરી શકાય છે.

હર્બ્સ મીઠાને રિપ્લેસ કરશે

ઑરેગાનો : સૂપ અને શાકભાજી જેવી કોઈ પણ ડિશ તૈયાર થયા બાદ જો મીઠું ઓછું લાગે તો ઑરેગાનો સ્પ્રિન્કલ કરી શકાય. આ ઑપ્શન તમારી વાનગીનો ટેસ્ટ એન્હૅન્સ કરશે.

થાઇમ : સૂપ, સૉસ, પીત્ઝા અને પાસ્તા ઉપરાંત કોઈ દેશી વાનગીમાં પણ સુગંધ અને સ્વાદને વધારવામાં થાઇમનો ઉપયોગ કરી શકાય. થાઇમ નાનાં પાંદડાંવાળો છોડ હોય છે જે મુખ્યત્વે યુરોપમાં ઊગે છે, પણ હવે અહીં પણ સહેલાઈથી મળી જાય છે. આ જડીબુટ્ટી સ્વાસ્થ્યવર્ધક હોવાથી પેટની તકલીફ અને શરદી-ઉધરસ માટે પણ ગુણકારી છે. તેથી ઉપરથી મીઠું ભભરાવવાને બદલે થાઇમનાં પાનને ક્રશ કરીને પણ છાંટી શકો છો.

રોઝમરી : રોસ્ટ કરેલા બટાટા અને સૅન્ડવિચ જેવી વાનગીઓમાં રોઝમરી હર્બને લસણ અને ઑલિવ ઑઇલ સાથે મિક્સ કરીને નાખવાથી ટેસ્ટ સારો આવે છે. ઉપરથી ભભરાવાતા મીઠાનો આ સેફ સબ્સ્ટિટ્યુટ છે.

જીરું : જીરું વાનગીના સ્વાદને સારો બનાવવાનું કામ કરે છે. મીઠાના પ્રમાણને ઘટાડીને જો જીરું ઍડ કરવામાં આવે તો ભોજન વધુ હેલ્ધી બનશે. આ રીતે તમે તમારી પસંદ અને મનપસંદ ટેસ્ટના હિસાબે મિક્સ હર્બ તૈયાર કરીને એને પોતાની ડિશમાં સ્પ્રિન્કલ કરી શકો છો.

ખટાશ-ખારાશને બૅલૅન્સ કરે

ખાટા-મીઠા અને સ્પાઇસી ટેસ્ટવાળી ચટાકેદાર વાનગીની મજા માણવી ગમે છે ત્યારે જો એમાં મીઠું પ્રમાણ કરતાં વધુ પડી જાય તો એને ઓછું કરવા અથવા ટેસ્ટને બૅલૅન્સ કરવા અને ખટાશ ઉમેરવા માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કરવાથી સોડિયમની અસર ઓછી થાય છે અને શરીરને વિટામિન C મળે છે.

ફૂડ ખાવાનું ટાળો

સામાન્યપણે આપણે ઘરના ભોજનમાં મીઠાના પ્રમાણની વાત કરીએ છીએ, પણ બહાર મળતી ફૂડ-આઇટમ્સની ગણતરી કરતા નથી. એમાં સોડિયમનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ખાસ કરીને ફ્રોઝન ફૂડ, કૅનમાં મળતાં અથાણાં અને અન્ય ચીજો, ચીઝ, સૉસ, બ્રેડ, સોડા અને પૅકેજ્ડ ફૂડમાં સોડિયમનું પ્રમાણ જરૂર કરતાં વધુ હોવાથી એ સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમને બહારના ફૂડનું ક્રેવિંગ થાય તો બ્રેડ રોલ્સ, પીત્ઝા અને સૅન્ડવિચ જેવી વાનગીઓને ખાવાનું ટાળવું જોઈએ.

નૅચરલ ચીજોમાંથી મળશે સોડિયમ

 ફ્રેશ ફ્રૂટ્સ, તાજી શાકભાજી, અનાજ, દાળ, ડેરી-પ્રોડક્ટ્સ તથા નટ્સ અને સીડ્સમાં કુદરતી રીતે સોડિયમ મળી જાય છે. એમાંથી મળતા સોડિયમનું પ્રમાણ ઓછું હોવાથી એ શરીરને નુકસાન પહોંચાડતું નથી.

કયું મીઠું વધુ હેલ્ધી?

અત્યારે મીઠાના ઘણા પ્રકારો માર્કેટમાં ઉપલબ્ધ છે. સી સૉલ્ટ અથવા પિન્ક હિમાલયન સૉલ્ટ આમ તો હેલ્ધી છે. એનું પ્રોસેસિંગ ઓછું થયું હોવા છતાં એમાં સોડિયમનું પ્રમાણ સાધારણ મીઠા જેટલું જ હોય છે. તેથી આ સૉલ્ટને પણ પૂર્ણરૂપે હેલ્ધી મસાલાની કૅટેગરીમાં રાખી શકાય નહીં.

world health organization health tips food news indian food life and style columnists gujarati mid-day mumbai