આ બે ચીજો મળે તો થાય સોને પે સુહાગા

01 April, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુટ્રિશનની ભાષામાં એને ફૂડ સિનર્જી કહેવાય છે

પ્રતીકાત્મક તસવીર

કેટલીક ફૂડ-આઇટમ્સ એવી છે જેને એકલી ખાવા કરતાં ચોક્કસ કૉમ્બિનેશન સાથે લેવામાં આવે તો બમણો ફાયદો થાય. ન્યુટ્રિશનની ભાષામાં એને ફૂડ સિનર્જી કહેવાય છે. જો એ બે ચીજો મળે તો એક ઔર એક ગ્યારહ જેટલો ફાયદો આપે છે. ચાલો જાણીએ ન્યુટ્રિશનિસ્ટ સોનિયા બર્વે પાસેથી આ સંયોજનો શું છે

મોટા ભાગે આપણને હેલ્ધી ખાવું હોય છે, પરંતુ હેલ્ધી અને અનહેલ્ધી વચ્ચેની ભેદરેખા સમજાતી નથી હોતી. ફ્રૂટ્સ, વેજિટેબલ્સ, ગ્રેઇન્સ અને પલ્સીસનું યોગ્ય કૉમ્બિનેશન કરીને બનતી ગુજરાતી થાળી એ આમ તો કમ્પ્લીટ ફૂડ છે, પરંતુ દરેક વખતે આખી થાળી બનાવવાનું ફિઝિબલ નથી હોતું. વળી તમે જે ખાઓ છો એ બેસ્ટ રીતે પચે અને એમાંનાં પોષકતત્ત્વો શરીરમાં શોષાય તો જ એનો બેનિફિટ મળે. ડાયટિશ્યન સોનિયા બર્વે પાસેથી જાણીએ ટૉપ ૧૦ ફૂડ સિનર્જી કૉમ્બિનેશન કયાં છે. 

૧.  પાલક અને લીંબુ | આયર્ન સારું મળે એવી ચીજોની સાથે વિટામિન Cથી ભરપૂર ચીજો લેવી જોઈએ. એનાથી આયર્ન લોહીમાં સારી રીતે શોષાય છે અને શરીર એને વાપરી શકે છે.

૨. ટમેટાંને ઑલિવ ઑઇલ સાથે વાપરવાં | ઑલિવ ઑઇલમાં જે ફૅટ છે એ ટમેટાંમાં રહેલું લાઇકોપીન નામનું ઍન્ટિઑક્સિડન્ટ શોષવામાં મદદરૂપ થાય છે. ટમેટાંનો લાલ રંગ લાઇકોપીન કેમિકલને આભારી છે. લાઇકોપીન હાર્ટ-હેલ્થ માટે બહુ સારું છે અને ચોક્કસ પ્રકારના કૅન્સરને નાથવાનું કામ કરે છે.

૩. યોગર્ટ અને બેરીઝ | આંતરડાંમાં સારા બૅક્ટેરિયાને પોષણ આપે એવું પ્રોબાયોટિક યોગર્ટ એકલું પણ સારું તો છે જ, પણ જો એમાં ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર બેરીઝ મેળવવામાં આવે તો બેરીઝના ફાઇબરથી ગટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ બન્ને સારી થાય છે. 

૪. ઓટ્સ અને આમન્ડ | સોલ્યુબલ ફાઇબર અને હેલ્ધી ફૅટ્સનું સંયોજન થાય તો એ પેટ ભરેલું રાખે છે અને વણજોઈતી ભૂખ નથી લાગતી. ઓટ્સનું સોલ્યુબલ ફાઇબર અને આમન્ડ્સમાં રહેલી હેલ્ધી ફૅટ ઉત્તમ છે. એનાથી શરીરને જરૂરી અમીનો ઍસિડ્સ પણ મળે છે અને હાર્ટ-હેલ્થ માટે ફાયદાકારક છે. 

૫. કાંદા અને કાબુલી ચણા | પાવરપૅક્ડ અને સાથે ફાઇબર પણ હોય એવા કાબુલી ચણા શાકાહારીઓ માટે પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે. જો એમાં કાંદા મેળવવામાં આવે તો એનાથી કાબુલી ચણામાં રહેલાં અમીનો ઍસિડ્સ છે એ શરીર શોષી શકે એવા ફૉર્મમાં સરળતાથી રૂપાંતરિત થઈ જાય છે. 

૬. ગ્રીન ટી અને લીંબુ | ચાનાં કુમળાં પાન તોડીને બનાવવામાં આવેલી ગ્રીન ટી શરીરના કોષોનું ઑક્સિડેશન અટકાવે એવાં ભરપૂર ઍન્ટિઑક્સિડન્ટ્સ ધરાવે છે. એની સાથે લીંબુનું વિટામિન C મળે તો રક્તવાહિનીઓમાં ઑક્સિડેશનને કારણે આવતું કડકપણું અને પ્લાક જમા થવાનું ઘટે છે. 

૭. યોગર્ટ અને બનાના | એક્સરસાઇઝ કર્યા પછીનું આ ઉત્તમ નાસ્તો કહેવાય. કસરત કરવાને કારણે મસલ્સને પહોંચેલો ઘસારો પૂરવા માટે યોગર્ટનું પ્રોટીન ઉત્તમ છે, જ્યારે શરીરને એનર્જી તરત જ આપવા માટે કેળાં કામ કરે છે. કસરત પછી આ કૉમ્બિનેશન લેવાથી મસલ માસ ઘટતો અટકે છે. 

૮. કાંદા અને લસણ | ખૂબ જ તીવ્ર વાસ ધરાવતી આ બન્ને આઇટમોમાં ઉડ્ડયનશીલ કેમિકલ્સ હોય છે, જે બૉડીની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે. જેમને ડાયાબિટીઝની શરૂઆત હોય અને ઇન્સ્યુલિન પેદા થવા છતાં વપરાતું ન હોય તો આ બે ચીજોનો સાથે ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

૯. દાળ-ભાત સાથે ઘી | તુવેર, ચણા અને મગ આખાં કઠોળ તરીકે હોય કે દાળ તરીકે એને બહુ થોડા ઘીમાં વઘારીને લેવાથી એ વધુ સુપાચ્ય બને છે. 

૧૦.  કાળાં મરી અને હળદર | કાળાં મરીમાં રહેલું પિપેરિન અને હળદરનું કર્ક્યુમિન સાથે મળે તો એનાથી કર્ક્યુમિનની અસરકારકતા હજારગણી વધી જાય છે એવું અભ્યાસો કહે છે. 

life and style Gujarati food mumbai food