પર્યુષણ સ્પેશ્યલ રેસિપી : જૈન એન્ચિલાડાસ

11 September, 2026 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્યુષણમાં બનાવી શકાય એવી આ જૈન રાજમા એન્ચિલાડામાં મસાલેદાર રાજમા, જૈન એન્ચિલાડા સૉસ અને વાઇટ સૉસનો સ્વાદ મળે છે. ટૉર્ટિલામાં રાજમા ભરીને તેને બેક કરી ગરમાગરમ સર્વ કરવામાં આવે છે.

પર્યુષણ સ્પેશ્યલ રેસિપી : જૈન એન્ચિલાડાસ

સામગ્રી : ૧ કપ રાજમા (૬ કલાક પલાળેલા અને બાફેલા), ૧ મોટી ચમચી લાલ મરચું પાઉડર, ૧ નાની ચમચી જીરું પાઉડર, ૧ નાની ચમચી સ્મોક્ડ પેપ્રિકા, ૧ નાની ચમચી ઑરેગૅનો, ૧ મોટી ચમચી દૂધ, સ્વાદ મુજબ મીઠું, ૧ નાની ચમચી તેલ
રીત : એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં રાજમા અને મસાલા ઉમેરો. પછી દૂધ ઉમેરો અને સરખી રીતે રંધાઈ જાય ત્યાં સુધી ૧૦-૧૨ મિનિટ માટે પકાવો.
જૈન એન્ચિલાડા સૉસ બનાવવાની સામગ્રી : ૨ મોટા ટમેટાં (બ્લાન્ચ કરેલા, ગરમ પાણીમાં ઉકાળીને, છાલ ઉતારેલા અને સમારેલા), ૧ મોટી ચમચી ઘઉંનો લોટ, ૧ મોટી ચમચી ઑલિવ ઑઇલ, ૧ નાની ચમચી જીરું પાઉડર, ૧ નાની ચમચી ઑરેગૅનો, ૧ નાની ચમચી મરચું પાઉડર અને સ્વાદ મુજબ એક ચપટી ચિલી ફ્લેક્સ, ૪ આખાં કાશ્મીરી લાલ મરચાં સમારેલાં, સ્વાદ મુજબ મીઠું
રીત : કાશ્મીરી લાલ મરચાંને સહેજ બદામી (લાલશ પડતા) રંગનાં થાય ત્યાં સુધી ડ્રાય રોસ્ટ (કોરા શેકી) કરો. સમારેલાં ટમેટાં ઉમેરો અને બીજી પાંચ મિનિટ માટે શેકો. ઘઉંનો લોટ ઉમેરો અને બીજી પાંચ મિનિટ માટે શેકો. ધીમે-ધીમે ઑલિવ ઑઇલ, સીઝનિંગ (મસાલા) અને ૧ કપ પાણી ઉમેરો. યોગ્ય કન્સિસ્ટન્સી (ઘટ્ટતા) મળે ત્યાં સુધી બીજી પાંચથી ૧૦ મિનિટ માટે ધીમા તાપે ઊકળવા દો. સૉસ જેવી સ્મૂધ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી ધીમે-ધીમે બ્લેન્ડ કરી લો.
વાઇટ સૉસ બનાવવાની સામગ્રી : એકથી દોઢ કપ દૂધ, ૨ મોટી ચમચી ઘઉંનો લોટ, ૧ મોટી ચમચી બટર અથવા ઑલિવ ઑઇલ, ૧ નાની ચમચી ચિલી ફ્લેક્સ, ૧ નાની ચમચી મિક્સ હર્બ્સ, સ્વાદ મુજબ મીઠું
રીત : એક ગરમ પૅનમાં ૧ નાની ચમચી બટર અથવા ઑલિવ ઑઇલ અને ઘઉંનો લોટ ઉમેરો. બન્નેને સાથે મિક્સ કરો/હલાવો. દૂધ ઉમેરો અને ગાંઠા ન રહે ત્યાં સુધી સરખી રીતે હલાવતા રહો. સ્વાદ માટે મીઠું, ચિલી ફ્લેક્સ અને હર્બ્સ ઉમેરો. સૉસ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો અને એક બાજુ મૂકી દો.
એન્ચિલાડાસ ઍસેમ્બલ કરવાની રીત : અવનને ૨૨૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ૧૦ મિનિટ માટે પ્રી-હીટ કરો. એક બેકિંગ ડિશના તળિયે થોડો જૈન એન્ચિલાડા સૉસ પાથરો. ટૉર્ટિલા (રોટલી) પર થોડો એન્ચિલાડા સૉસ લગાવો. ટૉર્ટિલાની વચ્ચે થોડા બીન્સ (રાજમા) અને થોડો વાઇટ સૉસ મૂકો. એને રોલ કરો અને બેકિંગ ડિશમાં ગોઠવો. બાકીના ટૉર્ટિલા સાથે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. આ રોલ કરેલા ટૉર્ટિલાને બેકિંગ ટ્રેમાં મૂકો. ટૉર્ટિલાની ઉપર થોડો વધુ વાઇટ સૉસ રેડો. ૨૨૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ૨૦ મિનિટ માટે બેક કરો અને ગરમાગરમ સર્વ કરો. હંગ કર્ડ (મસકા/બાંધેલા દહીં)માંથી બનાવેલી સાવર ક્રીમ અને જૈન રોસ્ટેડ સાલ્સા સાથે પીરસો (જો તમે ટમેટાં ખાતા હો તો). 
અમે પર્યુષણ દરમ્યાન ટમેટાં ખાઈએ છીએ એટલે મેં એન્ચિલાડા સૉસ માટે એનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમે ટમેટાં ન ખાતા હો તો એને સ્કિપ કરી શકો છો અને સૉસમાં ખાલી વધુ પાણી ઉમેરી શકો છો.

-કરિશ્મા મહેતા

lifestyle news life and style food news street food Gujarati food mumbai food indian food