અહીંનાં ચીઝ કેક અને બ્રાઉની બાઉલ ખૂબ જ ફેમસ છે

04 July, 2026 09:43 PM IST  |  Mumbai | Darshini Vashi

કાંદિવલીના મહાવીરનગરમાં રામપરિયા ફૅમિલી ૩ વર્ષથી હોમમેડ કેક અને બ્રાઉની સ્ટૉલ ચલાવે છે, મારી મમ્મીને હંમેશાં પોતાનો કેકનો એક સ્ટૉલ હોય એવી ઇચ્છા રહેતી

અહીંનાં ચીઝ કેક અને બ્રાઉની બાઉલ ખૂબ જ ફેમસ છે

૨૦૨૩માં માત્ર વેકેશન પૂરતો જ કેકનો સ્ટૉલ શરૂ કરનાર રામપરિયા ફૅમિલીને ખબર નહોતી કે તેમની કેકનો ટેસ્ટ લોકોના મોઢે એવો ચડશે કે તેમણે તેમનો સ્ટૉલ વેકેશન પછી પણ ચાલુ રાખવો પડશે. આજે આ સ્ટૉલ શરૂ થયાને ૩ વર્ષ થઈ ગયાં છે.
ક્રીમી ક્રેવિંગ્સ નામનો સ્ટોલ ચલાવતા કૌશલ રામપરિયા કહે છે, ‘મારી મમ્મી ગીતા રામપરિયા હોમ બેકર છે. તે વર્ષોથી ઘરેથી કેકનો ઑર્ડર લેતી આવી છે. મારી મમ્મીને હંમેશાં પોતાનો કેકનો એક સ્ટૉલ હોય એવી ઇચ્છા રહેતી હતી. ૩ વર્ષ પહેલાં એટલે ૨૦૨૩માં મેં અને મારી બહેનોએ વિચાર્યું કે આપણું અત્યારે વેકેશન ચાલે છે તો આપણે મમ્મીની બનાવેલી કેકનો સ્ટૉલ નાખીને સેલ કરીએ. અમે વેકેશનમાં માત્ર ટાઇમપાસ અને મમ્મીને હેલ્પ થાય એ હેતુ સાથે કેકનો સ્ટૉલ શરૂ કર્યો હતો. ૩-૪ મહિના માટે જ શરૂ કરેલો આ સ્ટૉલ આજે ૩ વર્ષ પછી પણ ચાલુ રહ્યો છે. અમારી કેક લોકોને એટલી ભાવી કે અમારો સ્ટૉલ વેકેશન પછી પણ ચાલુ રહયો. મારી મમ્મી કેક, બ્રાઉની વગેરે બનાવે છે. અમે એને સ્ટૉલ પર લાવી એને ઑર્ડર પ્રમાણે રેડી કરીને એનું સેલ કરીએ છીએ. મારા પપ્પા પણ અમને એમાં મદદ કરે છે. અહીં બધું હોમમેડ જ હોય છે એટલે લોકોને પસંદ પડી રહ્યું છે. અમારી આઇકૉનિક આઇટમમાં ચીઝ કેક અને બ્રાઉની બાઉલ છે જેની અહીં સૌથી વધારે ડિમાન્ડ રહેતી હોય છે. આ સિવાય અમારી પાસે ડિઝર્ટની બીજી પણ ઘણી આઇટમો હોય છે. હવે અમે બીજી પણ અમુક આઇટમો લૉન્ચ કરી છે. અમારો સ્ટૉલ સ્ટ્રીટ પર હોવાથી હેરાનગતિનો સામનો પણ કરવો પડતો હોય છે. એમ છતાં અમે સતત મહેનત કરવાનું ચાલુ જ રાખ્યું છે.’
ક્યાં મળશે?: ક્રીમી ક્રેવિંગ્સ, કોટક મહિન્દ્ર બૅન્કની સામે, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ સમય: સાંજે ૭.૩૦થી સ્ટૉક હોય ત્યાં સુધી.

food and drink food news street food Gujarati food mumbai food indian food darshini vashi lifestyle news life and style