27 March, 2025 04:31 PM IST | Mumbai | Kajal Rampariya
રોટલી
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થવાના કિસ્સાઓ ચોમેર સંભળાય છે ત્યારે હવે ભારતીય ભોજનમાં મહત્ત્વપૂર્ણ ગણાતી રોટલીના લોટમાં પણ આજકાલ મિલાવટ કરવામાં આવી રહી છે. માર્કેટમાં મળતા રેડીમેડ લોટથી બનેલી રોટલી સ્વાદિષ્ટ તો લાગે છે પણ લોકોને એ ખબર નથી હોતી કે સ્વાદમાં અવ્વલ લાગતી આ રોટલીનો લોટ પ્યૉર નથી. ઘઉંના લોટનો રંગ દેખાવમાં સારો કરવા તથા એની શેલ્ફ-લાઇફને વધારવા માટે હાનિકારક પદાર્થો ઉમેરવામાં આવે છે જે સમયાંતરે શરીરને નુકસાન પહોંચાડે છે.
શું નુકસાન થાય?
ઘઉંના લોટમાં ચૉક બનાવવા માટે વપરાતો પાઉડર મિક્સ કરવામાં આવે છે, જેથી એનો કલર એન્હૅન્સ થાય. આ સાથે રોટલી મુલાયમ બને એ માટે એમાં સ્કિમ્ડ મિલ્ક પાઉડર ઉમેરવામાં આવે છે અને મેંદાના લોટની મિલાવટ પણ થાય છે. નિષ્ણાતો મુજબ આ ભેળસેળયુક્ત ઘઉંના લોટની રોટલી ખાવાથી પેટમાં દુખાવો, અપચો, ગૅસ, ડાયેરિયા, ઍલર્જી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, કૅલ્શિયમની અછત અને લિવર અને કિડની સંબંધિત ઇન્ફેક્શન અથવા સમસ્યાઓ સર્જાઈ શકે છે. ચૉક પાઉડરમાં કૅલ્શિયમ કાર્બોનેટ હોય છે જે પાચનંત્રની સાથે બોન-હેલ્થ પર માઠી અસર કરે છે. એ શરીરમાં ટૉક્સિન્સને વધારે છે. મેંદાની મિલાવટ લોટનાં પોષક તત્ત્વોને ઓછાં કરીને બ્લડ-શુગરને વધારવાનું કરવાનું કામ કરે છે.
બીજા લોટમાં પણ ભેળસેળ થાય છે
ઘઉં ઉપરાંત અનાજના બધા જ લોટમાં ભેળસેળ થાય છે, જેને કારણે એની ક્વૉલિટી અને ન્યુટ્રિશનલ વૅલ્યુ પ્રભાવિત થાય છે. ચણાના લોટમાં હળદર, પીળી માટી અને એ કલરની બીજી સસ્તી દાળને મિક્સ કરવામાં આવે છે ત્યારે મકાઈના લોટમાં તો સિન્થેટિક રંગની મિલાવટ થાય છે જેથી એ દેખાવમાં આકર્ષક લાગે. ચોખાના લોટમાં વાઇટનેસને વધારવા માટે સસ્તા સ્ટાર્ચને ઍડ કરવામાં આવે છે.
કેવી રીતે ઓળખી શકાય?
જો તમારા ઘરે રોટલી માટે ઘઉંનો રેડીમેડ લોટ આવે છે તો એ ભેળસેળયુક્ત છે કે નહીં એની ચકાસણી ત્રણથી ચાર પ્રકારથી કરી શકાય છે.
વૉટર ટેસ્ટ : સૌથી પહેલાં એક ગ્લાસમાં પાણી લેવું અને એમાં એક ચમચી લોટ નાખીને થોડી વાર એમાં રહેવા દો. જો એમાં કોઈ મિલાવટ હશે તો લોટ પાણીમાં તરશે અને શુદ્ધ હશે તો એ પાણીમાં મિક્સ થઈ જશે અને નીચે બેસી જશે.
ટચ ટેસ્ટ : હાથમાં થોડો લોટ લઈને હથેળીથી મસળો. જો એમાં ભેળસેળ હશે તો એમાંથી ચીકાશ ફીલ થશે. શુદ્ધ હશે તો સૉફ્ટ ફીલ થશે.
ફાયર ટેસ્ટ : એક ચપટી લોટને ધીમે તાપે બાળી નાખો. જો સફેદ રાખ થશે તો એમાં ચૉક પાઉડર કે અન્ય કોઈ પાઉડરની મિલાવટ છે એમ સમજવું. જો લોટ પ્યૉર હશે તો એને બાળ્યા બાદ હલકી સ્મેલ આવશે અને એની રાખ બની જશે.
ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?
ઘઉંના લોટને વધુ શાઇની દેખાડવા અને એની શેલ્ફ-લાઇફને વધારવા ઘણા પ્રકારનાં કેમિકલ્સ અને અન્ય પદાર્થોની ભેળસેળ થતી હોય છે તેથી એને ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
પ્રસિદ્ધ બ્રૅન્ડનો જ લોટ ખરીદવાનો આગ્રહ રાખવો અને FSSAI એટલે કે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાનું લેબલ લાગેલું હોય એ જ લેવું. જો FSSAI અપ્રૂવ્ડ બ્રૅન્ડના લોટમાં મિલાવટ હોવાની જાણ થાય તો તાત્કાલિક ફરિયાદ કરવી જરૂરી છે.
બ્રૅન્ડેડ લોટ કરતાં માર્કેટમાં સસ્તા ભાવે વેચાતા લોટમાં ભેળસેળ હોવાની સંભાવનાઓ વધુ રહેલી છે. એનાથી બચવું જોઈએ.
શક્ય હોય તો ઘઉં ખરીદીને એને પિસાવવા જોઈએ જેથી શુદ્ધ લોટ જ મળે અને ભેળસેળની ઝંઝટથી બચી શકાય.
દુકાનમાં છૂટક રીતે મળતો લોટ પણ ખરીદવો ન જોઈએ.
શંકા થાય તો લોટ ખરીદ્યા બાદ એની પ્યૉરિટી ટેસ્ટ કરી લેવી