ક્યારેય ન ખાધો હોય એવો સાંભાર ખાવો હોય તો ખોલો સોશ્યલ મીડિયા

10 June, 2021 11:58 AM IST  |  Mumbai | Sanjay Goradia

ઘરઘરાઉ વરાઇટી બનાવતાં માટુંગાના કલાબહેનની સાઉથ ઇન્ડિયન વરાઇટી ઑથેન્ટિક તમિલિયન ટેસ્ટની છે

ઓરિજિનલ સાઉથ ઇન્ડિયનનો સ્વાદ અને ઘરની મજા. ઇડલી વાહ, વાહ, વાહ અને સાંભાર એટલે આહ, આહ, આહ.

ફૂડ ડ્રાઇવ આમ તો રૂબરૂ જઈને કરવાની હોય અને આપણે એની શરૂઆત પણ એવી જ કરી, પણ પછી લૉકડાઉનમાં ફૂડ પાર્સલ ઍપનો સહારો લેવો પડ્યો. જોકે આજે મોબાઇલ ઍપ પણ હેલ્પફુલ ન બને એવી વરાઇટી આપણે ટેસ્ટ કરવાના છીએ. હા, તમે ફૂડ સર્વિંગ ઍપ પરથી આ આઇટમ ઑર્ડર નથી કરી શકવાના, આ આઇટમ ઑર્ડર કરવા માટે તમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટરનો ઉપયોગ કરવો પડશે. હા, કારણ કે આ વખતે આપણે ઘરઘરાઉ બનતી સ્પેશ્યલ વાનગી માણવાના છીએ.
એક મિત્રએ મને માટુંગામાં રહેતાં સાઉથ ઇન્ડિરયન લેડીનો નંબર આપ્યો. લેડીનું નામ કલા રામનાથન. કલાબહેન તમિલિયન છે. આપણે ત્યાં સાઉથ ઇન્ડિયન એટલે મદ્રાસી એવી માન્યતા છે, પણ મિત્રો, તમને કહી દઉં કે દક્ષિણ ભારતમાં પણ પાંચ રીજન છે અને એ પાંચેપાંચ રીજનની વરાઇટીનો સ્વાદ એકબીજાથી થોડો જુદો હોય છે. તમે તમિલિયનના હાથનું સાઉથ ઇન્ડિયન ખાઓ તો જુદું અને કેરલામાં સાઉથ ઇન્ડિયન ખાઓ તો પણ જુદું લાગે. કલાબહેન હોમ ડિલિવરી કરે છે. મેં તેમને ત્યાં ફોન કરીને ઇડલી-સાંભાર મગાવ્યાં હતાં. ઇડલી-સાંભાર શું કામ એ પણ સમજાવું. કલાબહેનને ત્યાં દરરોજનું જુદું-જુદું મેન્યૂ છે. એક દિવસ ઇડલી-સાંભાર હોય તો એક દિવસ વડા-સાંભાર. એક દિવસ ઢોસા હોય તો બીજા દિવસે કંઈક જુદું હોય. તેમના મેન્યૂમાં જે આઇટમ હોય એ જ આઇટમ મળે. જો ઍડ્વાન્સમાં ઑર્ડર આપો તો માગો એ મળે.
કલાબહેનનો સાંભાર અદ્ભુત સાહેબ. મેં અગાઉ ક્યારેય આવો સાંભાર નથી ખાધો, ક્યારેય નહીં. ઇડલી પણ સરસ અને એકદમ સૉફ્ટ. ચાવવા માટે દાંત પણ ન જોઈએ પણ સાંભાર, કહેવું પડે. એમાં રીંગણ પણ હતાં ને દૂધી પણ. કોળું પણ અને ગાજર પણ એમાં. હું તમને ગૅરન્ટી સાથે કહું, બહાર રેસ્ટોરાંમાં આવો સાંભાર નહીં મળે. ઇડલી અને સાંભાર સાથે પાર્સલમાં કોકોનટ ચટણી, લાલ ચટણી અને મુલગાપુડી પાઉડર પણ આપે. તમને બે અઠવાડિયાં પહેલાં જ કહ્યું હતું એમ, મુલગાપુડીમાં ઘી નાખી એને મસળીને ખાવાની હોય. મેં કલાબહેન સાથે ફોન પર પણ વાત કરી. તેઓ ઉપમા, ઢોસા, બીસીબેલે રાઇસથી માંડીને રસમ પણ બનાવે છે. રસમમાં તેમણે એક નવી વરાઇટી બનાવી છે, અજવાઇન રસમ.
નામ પરથી ખબર પડી ગઈ હશે કે એમાં અજમો નાખીને બનાવવામાં આવે છે. આને તમે ઇમ્યુનિટી બૂસ્ટર રસમ પણ કહી શકો. કલાબહેનને ત્યાં ઢોસા અને ઇડલીનું ખીરું પણ મળે છે જે તેઓ ઘરે જ બનાવે છે, તો સાથોસાથ રાગી ખીરું, મગની ઇડલીનું ખીરું, દાલ-ઢોસાનું ખીરું, કાંચીપુરમ ઇડલીનું ખીરું પણ મળે છે. મુલગાપુડી પાઉડર જો એમ જ જોઈતો હોય તો પણ કલાબહેનને ત્યાં મળે છે અને સૌથી સારી વાત, પૂરેપૂરી ચોખ્ખાઈ સાથે બધું બનાવે છે. 
કલાબહેન માટુંગામાં ટિપિકલ તમિલિયન વિસ્તારમાં રહે છે. તેમની સાથે વાતમાં પણ મદ્રાસી લહેજો આવી જાય. વાત કરો તો પણ મજા આવે અને ખાધા પછી તો બેહદ મજા આવે. કલા રામનાથનને તમે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કે ફેસબુક પર ઑર્ડર કરી શકો છો. બહેન તમને વી-ફાસ્ટથી મોકલી આપશે. આ છે તેમનું ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ ઃ 
instagram.com/kalaiscooking. 
ઓપન કરો સોશ્યલ મીડિયા, કરો ઑર્ડર અત્યારે જ.

Gujarati food indian food mumbai food Sanjay Goradia columnists