દિવાળીમાં શુગરના કન્ટ્રોલ માટે સ્ટ્રિક્ટ ડાયટ જરૂરી છે?

03 November, 2021 02:48 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

તહેવાર હોય, ઘરમાં બધા આનંદ કરતા હોય તો વ્યક્તિનું મન થાય જ કંઈક ખાવાનું, પરંતુ મારી તકલીફ એ છે કે નહીંવત્ જેવું ખાવા છતાં તહેવારોમાં શુગર કન્ટ્રોલની બહાર જ જતી રહે છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૫ વર્ષ છે એટલે મેં ૬૫ દિવાળીઓ જોઈ છે. છેલ્લાં ૧૫ વર્ષથી મને ડાયાબિટીઝ છે. હું તહેવારો દરમ્યાન પણ ધ્યાન રાખું જ છું. કંઈ ખાસ વધારે ખાતો નથી. થોડુંઘણું તો તહેવાર છે એટલે ચાખવા પૂરતું કે એ રીતે ખવાતું જ હોય. તહેવાર હોય, ઘરમાં બધા આનંદ કરતા હોય તો વ્યક્તિનું મન થાય જ કંઈક ખાવાનું, પરંતુ મારી તકલીફ એ છે કે નહીંવત્ જેવું ખાવા છતાં તહેવારોમાં શુગર કન્ટ્રોલની બહાર જ જતી રહે છે.
   
તમારી જે હાલત છે એ લગભગ દરેક ડાયાબિટીઝના દરદીની રહે છે. જ્યારે તમે સમજો છો કે થોડુંક ખાવાથી કંઈ નહીં થાય ત્યારે તમારે એક ગણિત સમજી લેવા જેવું છે. ડાયાબિટીઝ આવ્યું છે અને મેડિસિન તમે ચાલુ કરી હોય એવી વ્યક્તિ બે લાડવા ખાય તો એની શુગર ૮-૧૦ પૉઇન્ટ જેટલી વધે છે. જેને છેલ્લાં ૫ વર્ષથી ડાયાબિટીઝ છે એ બે લાડવા ખાય તો એની શુગર ૪૦-૫૦ પૉઇન્ટ જેટલી વધે છે અને એ જ બે લાડવા છેલ્લાં ૧૫ વર્ષથી જેને ડાયાબિટીઝ છે એ વ્યક્તિ લે તો એની શુગર ૮૦-૧૦૦ પૉઇન્ટ જેટલી ઉપર જાય છે. મેડિસિનથી જો તમારું ડાયાબિટીઝ કન્ટ્રોલમાં જ રહેતું હોય તો પણ જો તમારો રોગ જૂનો હોય તો અસર ખૂબ વધારે રહે છે. એકદમ ઉપર જતી શુગર લોહીની નળીઓને અસર કરે છે અને ડાયાબિટીઝને કારણે કિડની, હાર્ટ અને બીજા અંગો પરની અસરમાં વધારો કરે છે. જેટલું જૂનું તમારું ડાયાબિટીઝ એટલો કન્ટ્રોલ વધુ રાખવો પડે.
તહેવારને કારણે વ્યક્તિનું રૂટિન બગડે છે. જમવાના નિશ્ચિત સમય જળવાતા નથી. ડાયાબિટીઝ મૅનેજમેન્ટમાં એ સમય ખૂબ જ મહત્ત્વનો છે, નહીંતર લાંબો સમય ભૂખ્યા રહેવાથી શુગર એકદમ ઘટી જાય એમ બને અથવા લાંબો સમય ભૂખ્યા રહ્યા બાદ જમીએ ત્યારે વધારે ખવાઈ જાય તો શુગર એકદમ વધી જાય છે. તહેવારોમાં ફિઝિકલ ઍક્ટિવિટી થતી નથી. સ્પેશ્યલી લોકોનું વૉકિંગ બંધ થઈ જવાથી પણ શુગર વધી જાય છે. પાંચ દિવસ દિવાળી છે એનો અર્થ એ નથી કે પાંચેય દિવસ તમે મીઠાઈ ખાઈ શકો છો. પાંચમાંથી એક કે વધુમાં વધુ બે દિવસ જ મીઠાઈની છૂટ રાખો. મીઠાઈ એકસાથે ન ખાઓ. જેમકે બે ગુલાબજાંબુ ખાવા હોય તો બે એકસાથે ન ખાઓ. ગેપ દઈને ખાઓ અને જમવા સાથે પણ મીઠાઈ ન ખાઓ.

Gujarati food mumbai food indian food columnists health tips