ચારકોપના કાકાનાં વડાપાંઉ : પૈસા વસૂલ વરાઇટી

15 August, 2026 11:39 AM IST  |  Mumbai | Sanjay Goradia

ઠેચાની તીખાશની બીજી ચટણી સાથે બૅલૅન્સ કરવાની બુદ્ધિ પણ અહીં વાપરવામાં આવે છે, ગયા અઠવાડિયે આપણે બોરીવલીનાં ઠેચા વડાપાંઉનો સ્વાદ માણ્યો. ઠેચા વડાપાંઉની વાત વાંચીને મને ઘણાબધા લોકોના મેસેજ આવ્યા કે તમે ચારકોપમાં કાકાનાં વડાપાંઉ ટ્રાય કરો.

ચારકોપના કાકાનાં વડાપાંઉ : પૈસા વસૂલ વરાઇટી

ગયા અઠવાડિયે આપણે બોરીવલીનાં ઠેચા વડાપાંઉનો સ્વાદ માણ્યો. ઠેચા વડાપાંઉની વાત વાંચીને મને ઘણાબધા લોકોના મેસેજ આવ્યા કે તમે ચારકોપમાં કાકાનાં વડાપાંઉ ટ્રાય કરો, એ પણ ઠેચા વડાપાંઉ જ છે અને બહુ જ સરસ છે. સાહેબ, હું કન્ટ્રોલ કરી શકું પણ માંહ્યલો બકાસુર તો કોઈના બાપનું માને નહીં એટલે એણે તરત મને ગોદા મારવાના શરૂ કર્યા કે ચાલો કાકાને ત્યાં... ચાલો કાકાને ત્યાં. એટલે હું તો મારા નવા નાટકનાં રિહર્સલ્સના ટેન્શન વચ્ચે પણ પહોંચી ગયો કાકા વડાપાંઉમાં. વડાપાંઉની વાત કરતાં પહેલાં તમને હું એનું ઍડ્રેસ સમજાવી દઉં.
આમ તો એમાં ખાસ કંઈ સમજવાનું નથી. ચારકોપમાં તમે એન્ટર થાઓ એટલે તરત તમારે ગૂગલ મહાદેવને કાકા વડાપાંઉ નામ આપી દેવાનું એટલે ગૂગલ તરત તમને રસ્તો દેખાડી દેશે. કાકા વડાપાંઉ એટલે આમ તો નાનકડી હાટડી જ છે, વધારે કંઈ છે નહીં; પણ એના સ્વાદની વાતો મેં સાંભળી હતી એટલે મારે મન તો એ મહાલય જ હતો.
કાકા વડાપાંઉમાં જઈને મેં ઑર્ડર આપ્યો. અહીં વડાપાંઉની સાથે ઠેચા આપે જ છે અને હું એના માટે જ અહીં સુધી આવ્યો હતો એટલે પહેલાં ઠેચાની વાત કરી દઉં. ઠેચા એકદમ સરસ હતા; પણ સાહેબ, વડાપાંઉમાં જે લાલ ચટણી હોય છે - લસણની ચટણી એ પણ અહીં હતી. જોકે એ લાલ કલરની નહોતી. એ હતી બ્રાઉન કલરની એટલે મને નવાઈ લાગી, કારણ કે કોઈ પણ મહારાષ્ટ્રિયન વડાપાંઉવાળો ક્યારેય લાલ ચટણી વગર વડાપાંઉ વેચે જ નહીં. વર્ષો પહેલાં વડાપાંઉ ખાવાની પ્રથા શરૂ થઈ ત્યારે એમાં ગ્રીન ચટણી અને મીઠી ચટણી કશું આવતું નહોતું, પણ એ સમયે વડાપાંઉની અંદર લસણની લાલ ચટણી નાખીને આપવામાં આવતી અને એ જ ખાવાની મજા હતી. મારા મનમાં પણ એ જ કે વડાપાંઉ એટલે એમાં લાલ લસણની ચટણી હોય જ હોય એટલે મેં તે ભાઈને પૂછ્યું તો મને કહે, અમે એ લાલ ચટણીમાં લાલ મરચું ઓછી માત્રામાં નાખીએ છીએ અને એનું કારણ પણ તેણે જણાવ્યું કે ‘ઑલરેડી અમારા ઠેચા તો તીખા છે જ. એવા સમયે લાલ લસણની ચટણી તીખી ન હોય તો ચાલે. બીજું એ કે મોટા ભાગના લોકો લાલ લસણની ચટણીમાં લાલ રંગ નાખે છે જે નુક્સાનકર્તા છે એટલે અમે એ વાપરવાનું અવૉઇડ કરીએ છીએ.’
મને તેની વાત ગમી. 
હું ગયો ત્યારે ત્યાં કાકા નહોતા પણ કાકાની દીકરી હતી. તેણે મને સમજાવ્યું કે અમારી લસણની ચટણીમાં ઓરિજિનલ લાલ મરચું નાખીએ છીએ એટલે એનો રંગ લાલ આવવાને બદલે સહેજ બ્રાઉનીશ હોય છે. જેને તીખાશ જોઈતી હોય એ ઠેચાની તીખાશ માણી જ શકે છે તો સાથે વડાપાંઉમાં 
તીખી-મીઠી ચટણી પણ આપીએ જ છીએ.
આ જે તીખી-મીઠી ચટણી એટલે કે લીલી ચટણી અને એની સાથે મળતી ખજૂર-આમલીની ચટણી પણ ઓરિજિનલ હતી, જે એના સ્વાદ પરથી ખબર પડતી હતી. ઓરિજિનલ સ્વાદની સૌથી મોટી બ્યુટી એ છે કે એનો સ્વાદ તમને ભાવે જ ભાવે. મને તો વડાપાંઉમાં મજા પડી ગઈ. પછી મેં તેની પાસે એક વડું એક્સ્ટ્રા માગ્યું કે મુઝે વડાપાંઉ નહીં સિર્ફ વડા ચાહિએ. તો મિત્રો, મને એકલું વડું મળ્યું અને એ ખાવાની પણ મજા પડી ગઈ. એક ખાસ વાત યાદ રાખજો કે વડાપાંઉમાં જે વડું છે એ સ્વાદિષ્ટ હોવું સૌથી વધારે જરૂરી છે. વડામાં પણ કાકાનાં વડાપાંઉ અવ્વલ ઊતર્યાં એટલે મેં જોયું કે હવે તે શું બનાવે છે? તો ખબર પડી કે તે દાળવડાં બનાવે છે. હું તો એ દાળવડાંની સાઇઝ જોઈને આભો રહી ગયો. દાળવડું હાથના પંજા જેટલું મોટું. એના તે છ ટુકડા કરે અને પછી એના પર તીખી ચટણી અને ઠેચા અને પેલી લસણની ચટણી જે લાલ નથી એ નાખીને તમને આપે. 
અદ્ભુત! 
આ ઉપરાંત તેઓ મરચાંનાં ભજિયાં પણ બહુ સરસ બનાવતા હતા. એ મરચાંનાં ભજિયાં પણ મને બહુ ભાવ્યાં. મરચાંનાં ભજિયાંમાં મરચું જરાક મોટું હતું એટલે તળાઈને આવે ત્યારે સર્વ કરતાં પહેલાં એ તમને કાપીને આપે, જેથી તમને ખાતા ફાવે. મૉરલ ઑફ ધ સ્ટોરી, ચારકોપમાં કાકાનાં વડાપાંઉ ખાવાનો મારો ફેરો વસૂલ થયો. પછી તો ખબર પડી કે આખા ચારકોપમાં કાકા કે વડાપાંઉ તરીકે આ જગ્યા બહુ ફેમસ છે. મને મજા પડી, શાંતિ થઈ એટલે થયું કે હવે તમને પણ કહી દઉં કે ચારકોપ જવાનું બને તો આ કાકાનાં વડાપાંઉ ખાવા અચૂક જજો. પૈસા વસૂલ અને સાથોસાથ ધક્કો વસૂલ આઇટમ છે.

food and drink Sanjay Goradia columnists food news street food Gujarati food mumbai food indian food