ખમણ, પાતરાં અને ફૂલવડીનો ત્રિવેણી સંગમ

06 January, 2022 03:50 PM IST  |  Mumbai | Sanjay Goradia

રાયપુર ચકલા જવાનું આમ પણ લોકો ટાળે, પણ આપણને તો ખમણનાં વખાણ મળ્યાં એટલે શ્રીરામનાં ખમણ માટે ઊપડી ગયા અને સાચી બકાસુર ભાવનાનો સીધો લાભ પણ દેખાયો. રવિવાર હોવાને લીધે આખો પોળ વિસ્તાર ખાલીખમ

ખમણ, પાતરાં અને ફૂલવડીનો ત્રિવેણી સંગમ

ગયા અઠવાડિયે હું મારા નાટક ‘દે તાળી, કોના બાપની દિવાળી’ના શો માટે અમદાવાદ હતો. ટૂર પર શો માટે હોઈએ ત્યારે લંચ માટે બહુ રામાયણ થાય અને આ રામાયણ હમણાં-હમણાં શરૂ થઈ છે. જે કારણ છે એ તમને ફ્રૅન્ક્લી સમજાવું. સ્વિગી અને ઝોમૅટો પરથી ફૂડ મગાવવાનું દિવસે-દિવસે ડેન્જરસ થતું જાય છે. બે કારણોસર. એક તો રેસ્ટોરાંવાળા જે કમિશન ચૂકવે એ ક્યાંક ને ક્યાંક આપણી પાસેથી જ વસૂલ થતું હોય એટલે ફૂડ કૉસ્ટ્લી પડે અને બીજું કારણ, આ પ્રકારના ફૂડના ઑર્ડરમાં ક્વૉલિટી સાથે બહુ બાંધછોડ કરવામાં આવતી હોય છે. કેટલાક અનુભવ અને કેટલાક અનુભવીઓ સાથે થયેલી વાતોના આધારે મેં નક્કી કર્યું છે કે શક્ય હોય ત્યાં સુધી સ્વિગી અને ઝોમૅટો પરથી ખાવાનું મગાવવું નહીં. કાં તો જાતે જઈ આવવાનું અને કાં તો ટીમમાં કોઈને રિક્વેસ્ટ કરીને પાર્સલ મગાવવાનું. અમદાવાદની ફૂડ-ડ્રાઇવ વિશે વાત કરતાં પહેલાં એક આડવાત કહીં દઉ. આપણે ત્યાં બેઈમાની સીમા નહીં, હવે તો ચરમસીમા પણ વટાવી રહી છે જેને લીધે ફૂડની ક્વૉલિટીમાં બહુ કૉમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. હું કહીશ કે આપણી ગવર્નમેન્ટ ઝડપી આ બાબતમાં કોઈ ઍક્શન લે એ બહુ જરૂરી છે.
અમદાવાદમાં બપોરે લંચમાં શું ખાવું એવું વિચારતાં-વિચારતાં મેં બે-ચાર જણ પાસે પૂછપરછ કરી તો નામ મળ્યું શ્રીરામ ખમણનું અને એનાં ખમણનાં વખાણ પણ ભરપેટ સાંભળવા મળ્યાં. લગભગ પચાસેક વર્ષ જૂની પેઢી અને ક્વૉલિટી એકદમ અવ્વલ દરજ્જાની. હું તો બૅકસ્ટેજના બે છોકરા નયન અને રાજેશની સાથે રિક્ષામાં રવાના થયો. મારે જવાનું હતું રાયપુર ચકલા. જૂનું અમદાવાદ અને આ વિસ્તારમાં ટ્રાફિક ભારોભાર હોય. જોકે નસીબજોગે રવિવાર હતો એટલે રસ્તા ચોખ્ખા મળ્યા અને અમે સરળતાથી પહોંચી ગયા. જો આડા દિવસે તમારે રાયપુર ચકલા કે માણેક ચોક જવાનું આવે તો રિક્ષા તમને ધક્કા મારી-મારીને આગળ વધી જતી હોય છે.
શ્રીરામ ખમણની બહાર લાઇન હતી. હું તો ઊભો રહી ગયો લાઇનમાં. લાઇનમાં જ ખબર પડી કે ખમણ ઉપરાંત ફૂલવડી અને પાતરાં પણ મળે છે. મેં તો ત્રણેય આઇટમ લીધી વીસ-વીસ રૂપિયાની. એય ગરમાગરમ આઇટમ આવી પ્લેન પેપરમાં. અમદાવાદમાં ફરસાણવાળાને ત્યાં આ ખરેખર સારી સુવિધા છે. ત્યાં વેપારીઓ પ્લેન પેપરમાં જ ફરસાણ આપે, છાપાની પસ્તીમાં નહીં અને જે પેપરમાં ફરસાણ મળે એની ક્વૉલિટી પણ સારી. 
ખમણ સાથે કોઈ પ્રકારની ચટણી, મરચાં કે સંભારો આપવામાં નહોતો આવ્યો તો ફૂલવડી સાથે પપૈયાનો સંભારો હતો અને પાતરાં તો હતાં જ રસિયા પાતરાં જેવાં એટલે એમાં સાથે કોઈ આઇટમની જરૂર નહોતી. ખમણનાં જે વખાણ સાંભળ્યાં હતાં એ વખાણ જેવાં જ હતાં. અદ્ભુત, એકદમ સૉફ્ટ અને કોઈ જાતના પ્રયાસ વિના ગળાની નીચે ઊતરી જાય એવાં. ખાંડના પાણીનો ઉપર છંટકાવ થયો હોય અને મરચાં-કોથમીરનો ઉપર વઘાર હોય. ઊભા-ઊભા લુખ્ખા પાંચસો ગ્રામ ખમણ ખાઈ જાઓ તો પણ ડચૂરો ચડે નહીં. ફૂલવડીની ખાસિયત કહું તમને. મોટા ભાગે ફૂલવડીમાં ગરમ મસાલાનો અતિરેક હોય છે, પણ શ્રીરામમાં એવું નથી જેને લીધે ફૂલવડીનો સ્વાદ સાત્ત્વિક અને એમ છતાં ટેસ્ટી હતો. ફૂલવડી ગરમ હતી એ જ એનો યુનિક પૉઇન્ટ હતો. ફૂલવડી સાથે પપૈયાનો જે સંભારો હતો એમાં પણ વધારે પડતું તેલ નહોતું અને તીખાશ પણ નહોતી, જેને લીધે ફૂલવડી સાથે એ ખાવાથી ફૂલવડીની નૅચરલ તીખાશ કપાતી હતી. ખમણની જેમ જ ફૂલવડી પણ એ-વન. કોઈ સવાલ જ નહીં. જોકે આખી બાજી બદલવાનું કામ જો કોઈ કરતું હતું તો એ હતાં પાતરાં. પાતરાંની ખાસ વાત એ કે એનો વઘાર કરવામાં કઢી-ચટણીનો ઉપયોગ થયો હતો એટલે કઢીની છાશનો સ્વાદ પાતરાંનાં પાનમાં ઊતરી ગયો હતો અને આછીસરખી ખટાશ અને મીઠાશનો અનુભવ થતો હતો. કઢી-ચટણીને લીધે પાતરાં જૂસી લાગતાં હતાં.
જલસો સાહેબ. જવાબ મળી ગયો કે આજનું લંચ શ્રીરામમાં. મેં તો ખમણ, પાતરાં અને ફૂલવડીને ન્યાય આપતાં-આપતાં જ સાથે આવ્યો હતો એ નયનને લાઇનમાં ઊભો રાખી દીધો અને કહી દીધું કે ના કહું નહીં ત્યાં સુધી ઑર્ડર દેતા રહેવાનો છે અને ખાતા રહેવાનું છે. આ જ ઑર્ડર તમને પણ. અમદાવાદ જવાનું બને તો રાયપુર ચકલા જવાનું છે. ટ્રાફિક હોય તો ચાલતા જવાનું છે અને શ્રીરામમાં જઈને ખમણ, પાતરાં અને ફૂલવડી ખાવાનાં છે. ભૂલ્યા વિના અને જો ઑર્ડર માનો નહીં તો તમને તમારી સાસુના સમ.

columnists Gujarati food mumbai food indian food Sanjay Goradia