19 May, 2026 02:53 PM IST | Mumbai | Kajal Rampariya
બેસ્ટ નૅચરલ કૂલિંગ આપતું કોઈ સુપરફૂડ હોય તો એ છે કોકમ
વર્ષોથી દાળની ખટાશ પૂરતું સીમિત રહેલું મહારાષ્ટ્રિયન સંસ્કૃતિનું સ્થાનિક ફળ કોકમ ઉનાળામાં શરીરને આંતરિક ઠંડક આપે છે. લાઇફસ્ટાઇલને લગતી બીમારીઓ અને વધતા તાપમાન સામે આ સુપરફૂડ કેવી રીતે રક્ષણ આપે છે એ નિષ્ણાત પાસેથી સમજીએ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક મળે એ માટે ફ્રિજમાં કોલ્ડ ડ્રિન્ક્સ અને આઇસક્રીમ ખૂટતાં નથી, પણ ગમે એટલું ઠંડું પીવા છતાં શરીરમાંથી ગરમી ઓછી થતી નથી. જોકે એક એવું ફળ છે જે ડીહાઇડ્રેશનને તો દૂર કરે જ છે અને સાથે-સાથે શરીરને નૅચરલી કૂલ રાખે છે. વાત થાય છે જાંબલી રંગના ખાટો-મીઠો સ્વાદ ધરાવતા સુપરફૂડ કોકમની. આપણે વર્ષોથી એને દાળમાં ખટાશ માટે વાપરતા આવ્યા છીએ. જોકે કોકમ માત્ર રસોઈનો મસાલો નથી. એ હેલ્થ માટેનું એક પાવરફુલ ઇન્ગ્રીડીઅન્ટ છે. સોશ્યલ મીડિયા પર દુનિયાભરનાં વિદેશી ફળોનો ક્રેઝ વધ્યો છે ત્યારે મહારાષ્ટ્રનું આ લોકલ ફ્રૂટ ફરીથી ચર્ચામાં છે. શા માટે કોકમને સમર-ડાયટમાં સામેલ કરવું જોઈએ અને એ શરીરને કેવી રીતે ફાયદો આપે છે એ નિષ્ણાત પાસેથી સમજીએ.
કુદરતી તત્ત્વોનું પાવરહાઉસ
કોકમમાં રહેલાં કુદરતી તત્ત્વો શરીરને ઠંડક આપવાની સાથે બીજા ફાયદાઓ પણ આપે છે એ વાતને ૧૯ વર્ષનો અનુભવ ધરાવતાં અનુભવી ન્યુટ્રિશનિસ્ટ ચાંદની સંઘવીએ વિગતવાર મુદ્દાઓમાં સમજાવી છે.
સામાન્ય સમસ્યાઓનો ઇલાજ : કોકમની છાલમાં ગાર્સિનોલ નામનું તત્ત્વ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. અચાનક શરીરના કોઈ પણ ભાગમાં બળતરા થવી, સાંધાનો દુખાવો થવો કે ડાયાબિટીઝ જેવી સમસ્યાઓમાં એ રક્ષણ આપે છે. પાચનતંત્ર સંબંધિત સમસ્યા હોય તો એને સાફ રાખવામાં પણ કોકમ મહત્ત્વનો ભાગ ભજવે છે.
વેઇટલૉસ માટે કારગત : કોકમમાં રહેલું હાઇડ્રોક્સિસિટ્રિક ઍસિડ વેઇટલૉસ કરવા માગતા લોકો માટે આશીર્વાદ સમાન છે. ઠંડાં પીણાં વજનને વધારે છે, જ્યારે કોકમનું સેવન શરીરમાં રહેલા વધારાના કાર્બોહાઇડ્રેટને ચરબીમાં ટ્રાન્સફૉર્મ થતું અટકાવે છે. એ ભૂખને કુદરતી રીતે નિયંત્રિત કરે છે અને ક્રેવિંગ્સને ઘટાડીને મેટાબોલિઝમને સારું કરે છે. એ લોહીમાં રહેલા ટ્રાઇગ્લિસરાઇડ્સને એટલે કે બૅડ ફૅટને ઘટાડવામાં મદદ કરે છે અને ભવિષ્યમાં હૃદયરોગના જોખમને ઘટાડે છે.
વેડિંગ સીઝનમાં કોકમનું મહત્ત્વ : ઉનાળાની ઋતુમાં લગ્નગાળો પણ આવે છે. એ દરમ્યાન જમણવારમાં મસાલેદાર વાનગીઓ ખવાતી હોય છે અને પછી ઍસિડિટી અને અપચા જેવી સમસ્યા ઉદ્ભવતી હોય છે. જો ખાધા પછી કોકમનું શરબત પીવામાં આવે તો ઍસિડિટી અને ગૅસ તાત્કાલિક શાંત થઈ જાય છે. જમ્યા પછી ૧૦૦થી ૧૫૦ મિલીલીટર કોકમનું પાણી દિવસમાં એકથી બે વખત પીવું.
યુરિનરી ઇન્ફેક્શનમાં આપે રાહત : ગરમીમાં ઉકળાટ વધુ હોવાથી શરીરનું તાપમાન પણ વધે છે અને એને કારણે ઘણી વાર પેશાબમાં બળતરા કે ઇન્ફેક્શનની સમસ્યા થતી હોય છે. આવી સ્થિતિમાં કોકમના શરબતનું સેવન રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે. એમાં રહેલાં કુદરતી મિનરલ્સ શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જાળવી રાખે છે, જેને લીધે બળતરામાં તાત્કાલિક રાહત મળે છે.
કોણે ટાળવું જોઈએ?
કોકમ સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવા છતાં અમુક શારીરિક સ્થિતિમાં એનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે એ વાત સમજાવતાં કોણે કોકમનું સેવન ન કરવું જોઈએ એ વિશે ચાંદની સંઘવી કહે છે, ‘જો તમને પેટમાં કે આંતરડાંમાં ચાંદાં એટલે કે અલ્સર હોય તો કોકમની અતિશય ખટાશ એ ચાંદાં પર બળતરા કરી શકે છે. એનાથી દુખાવો વધી શકે છે. ગૅસટ્રાઇટિસની સમસ્યા ધરાવતા લોકોને પણ કોકમ પીવાથી પેટમાં બળતરા કે ભારેપણું ફીલ થવાનો અનુભવ થઈ શકે છે. કોકમમાં ભરપૂર પ્રમાણમાં પોટૅશિયમ હોય છે એટલે કિડનીની સમસ્યા ધરાવતા લોકો માટે એ હાનિકારક સાબિત થઈ શકે છે. જે લોકોને ખાટા ઓડકાર આવવાની કે છાતીમાં સતત બળતરા થવાની ગંભીર સમસ્યા હોય તેમણે પણ કોકમથી અંતર જાળવવું હિતાવહ છે. જો તમને ખાટાં ફળોથી સાંધા જકડાઈ જવાની સમસ્યા હોય તો કોકમ લેતાં પહેલાં ધ્યાન રાખવું. જો તમારું પાચનતંત્ર નબળું હોય તો એકદમ ખાલી પેટે કોકમનું શરબત પીવાનું ટાળવું જોઈએ.’
કેવું કોકમ સારું?
કોકમને કઈ રીતે આરોગવું શ્રેષ્ઠ છે એ વિશે ચાંદની સંઘવી કહે છે, ‘જ્યારે કોકમને કુદરતી રીતે તડકામાં સૂકવવામાં આવે છે ત્યારે એની અંદર રહેલા ઔષધીય ગુણો સચવાઈ રહે છે. આ એવાં તત્ત્વો છે જે આપણા શરીરને અંદરથી સાફ રાખે છે અને રોગ સામે લડવાની શક્તિ આપે છે. બીજી તરફ ફૅક્ટરીમાં જ્યારે સિરપ બને છે ત્યારે એને લાંબો સમય સાચવી રાખવા માટે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે જેનાથી એના ઘણા કુદરતી ફાયદા નાશ પામે છે. તૈયાર શરબત કે સિરપમાં સૌથી મોટી સમસ્યા સાકરની હોય છે. વધુપડતી સાકરનું સેવન લિવરમાં ચરબી તરીકે જમા થાય છે જેથી ભવિષ્યમાં લિવરની બીમારીઓ થવાના ચાન્સિસ હાઈ થઈ જાય છે. વારંવાર હેલ્ધી ડ્રિન્કના નામે પીવાતા રેડીમેડ સિરપને કારણે શરીરની શુગર પચાવવાની ક્ષમતા નબળી પડે છે જે ડાયાબિટીઝ થવાના જોખમને પણ વધારે છે. કોકમનું ફળ લાંબો સમય તાજું નથી રહી શકતું એટલે એને સૂકવી દેવામાં આવે છે. સૂકવવાની આ પ્રક્રિયા દરમ્યાન એમાં રહેલાં પોષક તત્ત્વો વધુ કૉન્સન્ટ્રેટેડ એટલે કે ઘટ્ટ બને છે. બજારમાં મળતા તૈયાર સિરપને બગડતું અટકાવવા માટે એમાં કૃત્રિમ કેમિકલ્સ નાખવાં પડે છે, જ્યારે સૂકા કોકમમાં મીઠું અને સૂર્યનો પ્રકાશ કુદરતી પ્રિઝર્વેટિવનું કામ કરે છે. એને પાણીમાં પલાળતાં જ ફરીથી ફૂલે છે અને અર્ક પાણીમાં મિક્સ થાય એ જ શરીરને ફાયદો આપશે. સાચું અને સારી ગુણવત્તાનું સૂકું કોકમ હંમેશાં ઘેરા જાંબલી કે કાળાશ પડતા રંગનું હોય છે. જો એ વધુ પડતું લાલ દેખાય તો સમજવું કે એમાં કૃત્રિમ રંગ હોઈ શકે છે.’
મહારાષ્ટ્રિયન સંસ્કૃતિમાં કોકમનું સ્થાન
મહારાષ્ટ્રની સંસ્કૃતિ, રસોઈ અને ભૂગોળમાં કોકમનું સ્થાન ખૂબ જ ઊંચું છે. ખાસ કરીને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે કોકણમાં તો કોકમ વિના કંઈ બને જ નહીં. મહારાષ્ટ્રના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં કોકમનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અહીંના લોકો માટે કોકમ માત્ર એક ફળ નથી પણ આવકનું મોટું સાધન પણ છે. દર ઉનાળે કોકણનાં આંગણાંઓમાં કોકમની છાલ સુકાતી જોવા મળે એ ત્યાંની પરંપરાગત ઓળખ છે. મહારાષ્ટ્રિયન ભોજન, ખાસ કરીને કોકણી અને માલવણી રસોઈ કોકમ વગર બનતી જ નથી. રસોઈમાં ખટાશ ઉમેરવા માટે કોકમનો ઉપયોગ થાય છે. વર્ષોથી ગરમી અને પિત્તની સમસ્યાઓ માટે કોકમ કારગત સાબિત થાય છે. વાયુ કરે એવાં શાકભાજી જેમ કે ભીંડા રાંધતી વખતે એમાં કોકમ નાખવાની મહારાષ્ટ્રિયન ગૃહિણીઓની વર્ષો જૂની પદ્ધતિ છે જેથી ગૅસની સમસ્યા ન થાય. કોઈ પણ મહેમાન આવે ત્યારે તેને ઠંડા પીણા તરીકે કોકમનું શરબત આપવું એ એક પરંપરાગત આતિથ્યસત્કાર ગણાય છે. લોકગીતો અને વાર્તાઓમાં પણ કોકણના કોકમના ઝાડનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. મહારાષ્ટ્રમાં કોકમનાં અનેક ઉત્પાદનો છે જેવાં કે કોકમ સિરપ, કોકમ આગુળ એટલે કે એનો કુદરતી અર્ક જે શરબત બનાવવામાં વપરાય, સૂકા આમસુલ એટલે એની છાલ અને કોકમ બટર જે ત્વચા માટે વપરાય છે. એ સ્થાનિક લોકો અને ખાસ કરીને મહિલા ગૃહઉદ્યોગો માટે રોજગારીનું મુખ્ય માધ્યમ છે.
કોકમની પૉપ્યુલર અને ક્વિક રેસિપી અજમાવી જુઓ
સોલકઢી : સોલકઢી એ માત્ર પીણું નથી પણ ઉનાળાનું અમૃત છે. ૫-૬ સૂકાં કોકમને અડધા કપ ગરમ પાણીમાં એક કલાક પલાળી રાખો. હવે એક કપ તાજું નારિયેળનું દૂધ લો. પલાળેલા કોકમના પાણીને ગાળીને આ દૂધમાં મિક્સ કરો. એમાં સ્વાદ મુજબ મીઠું, થોડું જીરું પાઉડર, ઝીણી સમારેલી કોથમીર અને લસણની એક કળી તથા લીલાં મરચાંની પેસ્ટ ઉમેરો. બધું બરાબર હલાવીને ફ્રિજમાં ઠંડું થવા મૂકો. જમ્યા પછી આ કઢી પીવાથી પાચન સુધરે છે.
કોકમ-ફુદીના પંચ : જો તમને સોડા પીવાની ઇચ્છા થતી હોય તો આ હેલ્ધી વિકલ્પ ટ્રાય કરવા જેવો છે. બે ચમચી સૂકાં કોકમને પલાળીને બનાવેલો કોકમનો પલ્પ લો. એમાં થોડો સંચળ પાઉડર, શેકેલા જીરાનો પાઉડર અને અડધી ચમચી મધ અથવા સાકર ઉમેરો. તમે સાકરને બદલે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એમાં ૭-૮ ફ્રેશ ફુદીનાનાં પાન હાથેથી મસળીને નાખો. ઉપરથી ઠંડું માટલાનું પાણી ઉમેરીને બરાબર હલાવો. પીતી વખતે ઉપરથી લીંબુનાં ટીપાં નાખો. આ પીણું સોડા કરતાં અનેકગણી તાજગી આપશે અને લૂ સામે રક્ષણ આપશે.