17 November, 2026 01:23 PM IST | Mumbai | Heena Patel
કુફરી જામુનિયા બટાટા અને કટલેસ
આ કોઈ સર્કસનું નહીં, બટાટાની જાતનું નામ છે. બટાટા તો આપણે રોજિંદા ભોજનમાં અનેક રીતે ખાઈએ છીએ, પરંતુ હવે બજારમાં જાંબલી રંગના પટેટો પણ આવી ગયા છે અને એ વધુ ન્યુટ્રિશ્યસ હોવાનું મનાય છે. ૨૦૨૪માં ભારતમાં વિકસેલા અને વધુ પોષક તત્ત્વો ધરાવતા આ બટાટાની ખાસિયતો અને સ્વાસ્થ્ય માટેના ફાયદા જાણીએ
બટાટા સૌથી વધુ વપરાતી શાકભાજીઓમાંની એક છે. શાક, પરાઠા, સમોસાં, સૅન્ડવિચ કે ચાટ એમ દરેક વાનગીમાં બટાટાનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી આપણે સફેદ કે પીળાશ પડતા બટાટા જ વધુ જોયા છે, પરંતુ હવે જાંબલી રંગના બટાટાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ- સેન્ટ્રલ પટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ICAR-CPRI) સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલા આ પર્પલ પટેટોની નવી જાતનું નામ કુફરી જામુનિયા છે, જેને ૨૦૨૪માં સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી હતી. આ બટાટાની ખાસિયત માત્ર એનો અનોખો રંગ નથી, એમાં રહેલાં ભરપૂર પોષક તત્ત્વો પણ છે. સામાન્ય બટાટા કરતાં એમાં અમુક તત્ત્વો વધુ હોવાથી રોજિંદા આહારમાં સામેલ કરવા માટે એ એક સારો અને પૌષ્ટિક વિકલ્પ બની શકે છે.
કુફરી જામુનિયા બટાટાના જાંબલી રંગ વિશે વાત કરતાં ૨૧ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન ચાંદની સંઘવી કહે છે, ‘કુફરી જામુનિયા બટાટાનો ઘેરો જાંબલી રંગ એમાં રહેલા ઍન્થોસાયનિન નામના નૅચરલ પિગમેન્ટને કારણે છે. આ તત્ત્વ શરીર માટે ખૂબ જ ઉપયોગી એવા ઍન્ટિઑક્સિડન્ટ ગુણો ધરાવે છે. આપણા શરીરની રોજિંદી કામગીરી દરમ્યાન ફ્રી રૅડિકલ્સ નામનાં નુકસાનકારક તત્ત્વો બનતાં હોય છે. જ્યારે શરીરમાં એનું પ્રમાણ વધી જાય, ત્યારે એ શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે, જેને ઑક્સિડેટિવ સ્ટ્રેસ કહેવાય છે. ઍન્ટિઑક્સિડન્ટ તત્ત્વો શરીરના કોષોને આવા નુકસાન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તેથી જ ઍન્થોસાયનિન ધરાવતો ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. આ બટાટાના અંદરના ભાગમાં પ્રતિ ૧૦૦ ગ્રામ ૪૨.૦૫ મિલીગ્રામ ઍન્થોસાયનિન હોય છે, જ્યારે એની છાલમાં આ પ્રમાણ બમણું એટલે કે ૮૦.૬૬ મિલીગ્રામ જેટલું હોય છે. આ ઉપરાંત, એના અંદરના ભાગમાં પ્રતિ ૧૦૦ ગ્રામ આશરે ૧૬૧ માઇક્રોગ્રામ કૅરોટિનૉઇડ્સ પણ જોવા મળે છે. આ બન્ને તત્ત્વો ઍન્ટિઑક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે અને શરીરના કોષોને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી થતા નુકસાન સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે.’
કુફરી જામુનિયાની ખાસિયત એ છે કે સામાન્ય બટાટાની સરખામણીમાં એમાં જરૂરી પોષક તત્ત્વો વધારે છે. આ વિશે વાત કરતાં ચાંદની સંઘવી કહે છે, ‘જો બન્નેના ૧૦૦ ગ્રામ જથ્થાની સરખામણી કરીએ તો આ તફાવત સ્પષ્ટ દેખાય છે. સામાન્ય બટાટામાં જ્યાં ૨૩.૧૫ મિલીગ્રામ વિટામિન C હોય છે ત્યાં કુફરી જામુનિયામાં એ લગભગ બમણું એટલે કે ૪૨.૭૫ મિલીગ્રામ છે. એ જ રીતે સામાન્ય બટાટામાં ૦.૨૮ મિલીગ્રામ ઝિંક અને ૦.૫૭ મિલીગ્રામ આયર્ન હોય છે, જેની સામે આ જાંબલી બટાટામાં ૨.૨૮ મિલીગ્રામ ઝિન્ક અને ૩.૨૨ મિલીગ્રામ આયર્ન મળે છે. આ પોષક તત્ત્વો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. વિટામિન C રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખે છે અને ચામડી તથા પેશીઓ માટે જરૂરી કૉલેજન બનાવવામાં મદદ કરે છે. ઝિન્ક શરીરના કોષોને યોગ્ય રીતે કામ કરવા અને વાગેલા ઘાને જલદી રુઝાવવા માટે જરૂરી છે. જ્યારે આયર્ન હીમોગ્લોબિનના નિર્માણ માટે જરૂરી છે, જે આખા શરીરમાં ઑક્સિજન પહોંચાડવાનું કામ કરે છે.’
જાંબલી બટાટાની ખાસ જાત શરીરને કઈ રીતે ફાયદો પહોંચાડે છે એ વિશે વાત કરતાં ચાંદની કહે છે, ‘જ્યારે વ્યક્તિ પેટ ભરીને ખોરાક ખાય છે અને તેને પૂરતી કૅલરી પણ મળે છે છતાં તેના શરીરમાં સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઊણપ રહે છે ત્યારે એને હિડન હંગર કહેવાય છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ પૂરતું ખાતી હોવા છતાં તેના શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળતાં નથી. આ સમસ્યાના ઉકેલ માટે બાયોફોર્ટિફિકેશન એક સારો રસ્તો છે. આ એક એવી પદ્ધતિ છે જેમાં ખેતીનાં સંશોધનો દ્વારા પાકની ગુણવત્તા અને એનાં પોષક તત્ત્વોમાં સુધારો કરવામાં આવે છે. કુફરી જામુનિયા બટાટા આપણા રોજિંદા અને જાણીતા ખોરાક દ્વારા શરીરને કેટલાંક ખાસ પોષક તત્ત્વો પૂરાં પાડીને આહારમાં વિવિધતા લાવવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે અહીં એ સમજવું પણ જરૂરી છે કે કોઈ ખોરાકમાં પોષક તત્ત્વો વધુ હોવાનો અર્થ એ નથી કે એ બધાં જ તત્ત્વો શરીરમાં શોષાઈ જશે. ખોરાકને રાંધવાની રીત અને એનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરને ખરેખર કેટલાં પોષક તત્ત્વો મળે છે એ જાણવા માટે હજુ વધુ સંશોધનની
જરૂર છે.’
જાંબલી બટાટામાં પોષણ વધારે છે એટલે એ છૂટથી ખાઈ શકાય એવું માનવું ઠીક નથી. એ વિશે વિસ્તારથી સમજાવતાં ચાંદની સંઘવી કહે છે, ‘કુફરી જામુનિયામાં ભલે ઘણાં પોષક તત્ત્વો રહેલાં હોય, અંતે તો એ બટાટા જ છે અને એમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. એનો જાંબલી રંગ હોવાનો અર્થ એ નથી કે એમાં કૅલરી નથી કે એ ઓછા કાર્બોહાઇડ્રેટ ધરાવતો વિકલ્પ છે. જે લોકો ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માગે છે તેમણે આ બટાટા ખાતી વખતે એના પ્રમાણ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભોજનમાં બધી વસ્તુઓનું સંતુલન જાળવવું જરૂરી છે; એથી આ બટાટાને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, લીલાં શાકભાજી અને ફાઇબરયુક્ત ખોરાક સાથે ભેળવીને ખાવાં જોઈએ. એવી જ રીતે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ સંતુલિત આહારના ભાગરૂપે મર્યાદિત માત્રામાં એનો ઉપયોગ કરી શકે છે.’
ઍગ્રિકલ્ચરલ રિસર્ચ અને ન્યુટ્રિશન સાયન્સ સાથે મળીને લોકોના સ્વાસ્થ્યમાં કેવી રીતે સુધારો લાવી શકે છે એનું કુફરી જામુનિયા એક સારું ઉદાહરણ છે. આ પ્રકારનાં નવાં સંશોધનો ખૂબ ઉપયોગી સાબિત થાય છે, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે માત્ર કોઈ એક જ પ્રકારનો ખોરાક ખાવાથી પોષણને લગતી બધી સમસ્યાઓ હલ થઈ શકે નહીં. આ વિશે વાત કરતાં ચાંદની સંઘવી કહે છે, ‘શરીરને જરૂરી બધાં જ પોષક તત્ત્વો મળી રહે એ માટે રોજિંદા આહારમાં વિવિધતા હોવી જરૂરી છે. આ માટે રોજના ભોજનમાં અલગ-અલગ પ્રકારનાં ફળો, લીલાં શાકભાજી, આખું અનાજ, કઠોળ, સૂકો મેવો અને પૂરતા પ્રમાણમાં પ્રોટીન સામેલ કરવાં જ પડે. આજના સમયમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે માત્ર ખોરાકનું પ્રમાણ ઘટાડવું પૂરતું નથી. એના બદલે આપણે જે કંઈ ખાઈએ છીએ એ ગુણવત્તાવાળું અને વધુ પોષક તત્ત્વો ધરાવતું હોય એ વધુ જરૂરી છે. ઘણી વાર લોકોની ખાવાની આદતો બદલ્યા વગર પણ પોષણ વધારી શકાય છે, જેમ કે રોજિંદા ખોરાકની જાતમાં થોડો ફેરફાર કરીને અથવા એના રંગ અને ગુણવત્તામાં સુધારો કરીને લોકોને વધુ ફાયદો પહોંચાડી શકાય છે.’
ICAR-CPRI સંસ્થાનું હેડક્વૉર્ટર શિમલા પાસેના કુફરીમાં છે. આ જ જગ્યાએ પટેટોની વિવિધ વરાઇટી માટેના પ્રયોગો થતા હોવાથી આ સંસ્થા દ્વારા જેટલી પણ બટાટાની જાતો શોધવામાં આવી છે એનું પહેલું નામ કુફરી રાખવામાં આવે છે. આ બટાટાની છાલ જાંબુડી રંગના ઍન્થોસાયનિન રંજકદ્રવ્યોથી ભરપૂર હોવાથી એને કુફરી જામુનિયા નામ અપાયું.
આ ઉપરાંત કુફરી માણેક અને કુફરી રતન નામના લાલ રંગની ત્વચા ધરાવતા બટાટા પણ છે. કુફરી તેજસ જાતના બટાટા ૯૦ દિવસમાં ઝટપટ ઊગી જાય છે જે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. કુફરી રુબી જાત બેબી પટેટોની છે. કુફરી નીલિમા નામના બટાટા હળવા પીળા રંગની છાલ ધરાવે છે અને લાંબો સમય સ્ટોર કરી શકાય એવા હોય છે.
આ બટાટાની ખાસિયત એ છે કે એ દરેક પ્રકારની વાનગીમાં સરળતાથી ભળી જાય છે, તેથી ભારતીય રસોઈમાં એનો ઉપયોગ કરવો ખૂબ જ સહેલો છે. ભોજનને વધુ હેલ્ધી રાખવા માટે એને તેલમાં તળવાને બદલે બાફીને, સ્ટીમ કરીને અથવા બેક કરીને ખાવાનું વધુ પસંદ કરવું જોઈએ. તમે નીચે મુજબની વાનગીઓમાં એનો ઉપયોગ કરી શકો છો.