ગરમીમાં ખાટું થઈ ગયેલું દહીં પાછું મોળું કરી શકાય?

06 March, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હા, કરી શકાય. સીઝન બદલાઈ રહી છે ત્યારે જો થોડીક વધુ વાર માટે જમાવેલું દહીં બહાર રહી જાય તો તરત ખટાશ પકડી લે છે. એમાંથી ખટાશને દૂર કરવા માટે અજમાવો આ ટ્રિક

દહીં

ભારતીય ભોજનમાં દહીંનું વિશેષ મહત્ત્વ છે કારણ કે એમાં રહેલાં વિટામિન્સ અને અન્ય પોષક તત્ત્વો સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આ સાથે એ પ્રોબાયોટિક હોવાથી એમાંથી મળતા ગુડ બૅક્ટેરિયા ગટ હેલ્થને હૅપી રાખે છે. શિયાળા અને ચોમાસામાં તો દૂધમાં મેળવણ નાખીને બનાવેલું દહીં મીઠું લાગે છે પણ ઉનાળામાં ગરમ વાતાવરણને કારણે અથવા યોગ્ય ટેક્નિકથી દહીં ન જમાવ્યું હોય તો એ હદ કરતાં વધુ ખાટું થઈ જાય છે, પરિણામે એ ખવાતું નથી અને ફેંકવામાં જાય છે. પણ શું તમને ખબર છે ખાટા થયેલા દહીંને પાછું મીઠું બનાવીને સ્વાદને સુધારી શકાય છે? જવાબ છે ઍબ્સોલ્યુટ્લી. કિચનમાં સ્વાદને સુધારવા કંઈ ઇમ્પૉસિબલ નથી. એક સિમ્પલ ટ્રિકથી તમે ખાટા દહીંને મીઠું અને ફ્રેશ કરી શકો છો.

દહીંને મોળું બનાવવાની સરળ ટ્રિક

સૌપ્રથમ એક મોટો કટોરો લઈને એમાં કૉટનનું સાફ કપડું પાથરવું અને એમાં ખાટું દહીં નાખવું. થોડી વાર રહેવા દઈશું તો દહીંમાંથી પાણી છૂટવા લાગશે. કપડું ભેગું કરીને એ પાણીને નિતારી લેવું અને કટોરામાં જમા થયેલું પાણી ફેંકી દેવું. પછી કપડામાં રહેલા દહીંને કટોરામાં પાછુ નાખીને એમાં બરફ નાખીને સારી રીતે હલાવવું અને ત્યાર બાદ એને ઢાંકીને ત્રણથી ચાર કલાક સુધી રહેવા દેવું. દહીંને રેસ્ટ આપ્યા બાદ ફરી એક વાર કટોરામાં રહેલા દહીંમાં પાણી છૂટતું હોય એવું દેખાશે. એ પાણીને કાઢી લેવું અને પછી આ દહીંનો ઉપયોગ ખાવામાં કરી શકાય, કારણ કે બે વાર નીકળેલા પાણીથી દહીંમાં રહેલી ખટાશ નીકળી જાય છે અને એ પહેલાં જેવું ફ્રેશ અને મોળું બની જાય છે.  દહીંની ફ્રેશનેસ પાછી લાવવા માટે આ સરળ અને મૅજિકલ ટ્રિકને અજમાવી શકાય એમ છે. જો તમને દહીંનો ટેસ્ટ વધુ એન્હૅન્સ કરવો હોય તો એમાં એક કે બે ચપટી જેટલો એલચી પાઉડર નાખવો. એનાથી સ્વાદમાં ફરક પડશે અને ખાવામાં દહીં હજી ટેસ્ટી લાગશે.

indian food mumbai food life and style columnists gujarati mid-day mumbai health tips