૧૫૦૦ કિલો અથાણું બનાવવાનું આ બા માટે ડાબા હાથનું કામ

17 March, 2021 11:41 AM IST  |  Mumbai | Pratik Ghogare

એકલા હાથે અથાણાં-મસાલા, ઊંધિયું, કૉર્ન ઢોકળાં, સમોસાં, પાતરાં, શ્રીખંડ જેવી અનેકવિધ વાનગીઓના મોટા ઑર્ડર લેવાનો જુસ્સો યુવાનોને ફિક્કા પાડી દે એવો છે

તસવીર સૌજન્ય શાદાબ ખાન

વિલે પાર્લેમાં રહેતાં ૭૬ વર્ષનાં રંજન દોશીએ ઘડપણ એટલે આરામ એવી માન્યતાને ખોટી પાડી નિવૃત્તિની વયે વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત કરવાની હિંમત દાખવી છે. એકલા હાથે અથાણાં-મસાલા, ઊંધિયું, કૉર્ન ઢોકળાં, સમોસાં, પાતરાં, શ્રીખંડ જેવી અનેકવિધ વાનગીઓના મોટા ઑર્ડર લેવાનો જુસ્સો યુવાનોને ફિક્કા પાડી દે એવો છે

સામાન્ય રીતે રસોઈ બનાવવામાં બધી જ મહિલાઓ એક્સપર્ટ હોય છે, પરંતુ કેટલીક મહિલાઓના હાથમાં એવો જાદુ હોય છે કે વાનગીનો સ્વાદ દાઢે વળગ્યા વગર ન રહે. વિલે પાર્લેમાં રહેતાં કપોળ જ્ઞાતિનાં ૭૬ વર્ષનાં રંજન દોશી પણ આવાં જ જાદુગર છે. અથાણાં-મસાલા, સમોસાં, પાતરાં, ઊંધિયું, શ્રીખંડ, ડ્રાયફ્રૂટ ઘૂઘરા, કૉર્ન ઢોકળાં જેવી અનેકવિધ વાનગીઓ તેમ જ જુદા-જુદા ગરમ મસાલા અને મુખવાસ બનાવવામાં તેઓ માહેર છે. દિવાળીમાં અંદાજે ૧૦૦ કિલો ઘૂઘરાના ઑર્ડર લે છે. હજી થોડા દિવસ પહેલાં તેમણે ૫૧ કિલો અડદિયા બનાવ્યા હતા.
દરેક વ્યક્તિ પોતાની હેલ્થ, વેલ્થ અને બૅન્ક-બૅલૅન્સ પ્રમાણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરે છે, પરંતુ બહુ ઓછા એવા હોય છે જેઓ પોતાની આવડતને જ નિવૃત્તિની પ્રવૃત્તિ બનાવી આર્થિક રીતે સ્વતંત્ર રહેવાની હિંમત કરી શકે છે. રંજનબહેનની કહાણીની ખાસિયત એ કે તેમણે ૫૮ વર્ષની ઉંમરમાં વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે અઢાર વર્ષથી સતત તેમનો કરીઅર ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે ત્યારે વાત કરીએ સમાજમાં જુદો જ દાખલો બેસાડનારાં આ બાના જુસ્સા અને જોમની.
આમ થઈ શરૂઆત| જે ઉંમરમાં વ્યક્તિ વિચારતી હોય કે યુવાનીમાં બહુ કામ કર્યું, હવે નિરાંતે પ્રભુ સ્મરણ કરીશું, હરીશું ને ફરીશું. એ ઉંમરમાં વ્યવસાયિક કારકિર્દીનો વિચાર કઈ રીતે આવ્યો એવા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતી વખતે તેઓ જરા હસ્યાં. પછી ઉત્સાહમાં આવીને કહે છે, ‘જીવનનાં મહત્તમ વર્ષો આઠ ભાઈ-બહેનના સંયુક્ત કુટુંબમાં વીત્યાં છે. વસ્તારી કુટુંબમાં રસોઈના કામમાંથી જ ઊંચાં આવતાં નહીં એમાં બિઝનેસ કરવાનો વિચાર ક્યાંથી આવે? આ બધું અનાયાસે થઈ ગયું. આપણે ત્યાં સીઝનમાં અથાણાં બનાવવાની પરંપરા છે. જમવાની સાથે પાપડ, છાશ અને અથાણું હોય એને જ કમ્પ્લીટ અને પર્ફેક્ટ ભોજન કહેવાય. કેરીનું ખાટું-તીખું અથાણું, ચણા-મેથી, છૂંદો, ગુંદા-કેરી, ગોળસંભારી એમ અવનવાં અથાણાં બનાવવામાં આવે છે. મારા હાથની ગોળ કેરી બધાને બહુ ભાવે. સગાંસંબંધી, પાડોશી, બહેનપણીઓ બધાં કહે, ‘રંજનબહેન, થોડી વાર માટે ઘરે આવજોને, ગોળસંભારી બનાવવી છે.’ એ વખતે સંબંધમાં અને સમય પસાર કરવા અથાણાં બનાવવામાં મદદ કરતી. એક દિવસ વાત-વાતમાં બહેનપણીઓએ કહ્યું કે તમારા હુન્નરને વ્યવસાયનું સ્વરૂપ આપો. જોકે મને શંકા હતી, અથાણાં બનાવું ને વેચાણ ન થાય તો? આર્થિક નુકસાન થયું તો? બે-ત્રણ જણે હિંમત આપી કે કોઈ નહીં લે તો અમે લઈ લઈશું, તમે ચિંતા કર્યા વગર ઝંપલાવી દો. આ રીતે ગોળસંભારી બનાવવાથી શરૂઆત કરી.’
હિસાબ-કિતાબમાં કાચાં| રંજનબહેનનો ઉછેર મુંબઈમાં જ થયો છે. શહેરની પ્રતિષ્ઠિત વિમેન્સ કૉલેજ નિર્મલા નિકેતનમાંથી તેમણે હોમ સાયન્સમાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. એ જમાના પ્રમાણે એજ્યુકેટેડ હોવા છતાં હિસાબ-કિતાબમાં બહુ જ કાચાં છે. વર્ષો સુધી સંયુક્ત કુટુંબમાં ઘરનાં કામ કરવામાં જ રચ્યાંપચ્યાં રહ્યાં હોવાથી તેમ જ આર્થિક વહીવટ પુરુષોના હાથમાં રહ્યો હોવાના કારણે તેઓ પૈસાની ગણતરી કરવામાં થાપ ખાઈ જાય છે. એક કિલો
ઊંધિયુંનો ભાવ કેટલો હોવો જોઈએ અથવા એક પીસ સમોસાનો રેટ શું રાખવો એની ગણતરી પુત્રવધૂ કરી આપે ત્યારે થાય.
વ્યવસાય ઘણો ફૂલ્યોફાલ્યો છે તોય હિસાબમાં ગતાગમ પડતી નથી એ મારો વીક પૉઇન્ટ છે એવું ખેલદિલીથી સ્વીકારતાં તેઓ કહે છે, ‘મીઠાથી લઈને મરી-મસાલા સુધીની તમામ સામગ્રી જથ્થાબંધ લાવી રાખી હોય પછી ધીમે-ધીમે વપરાય એમાં હિસાબ ક્યાં માંડવો? જીવનમાં ક્યારેય ગણતરીપૂર્વક કામ કર્યું નહોતું અને વસ્તુઓ વાપરવામાં હાથ છૂટો એટલે કઈ વાનગીમાં કેટલી સામગ્રી વપરાઈ જાય એનો હિસાબ રાખી શકતી નથી. બહારથી મટીરિયલ લાવીને જે રૂપિયા થાય એ ચૂકવી દઉં પણ મહેનત પ્રમાણે નફો કઈ રીતે ઉમેરવો એ માટે મોટી વહુની મદદ લેવી પડે.’
અપના હાથ જગન્નાથ| રંજનબહેનના બન્ને દીકરા પાર્લામાં અન્ય જગ્યાએ રહે છે. પુત્રવધૂઓ દિવસમાં એકાદ આંટો મારી કામકાજ પૂછી જાય. સીઝનમાં ઑર્ડર વધુ હોય ત્યારે વહુઓ રાતની રસોઈ આપી જાય. તેમના પતિદેવ હિંમતભાઈ દોશીની જુદી-જુદી અનેક સર્જરી થઈ ચૂકી છે. ચાર વખત ની- ઑપરેશન થયેલું છે અને પેસમેકર પણ બેસાડેલું છે. તેઓ પોતાનું કામ જાતે કરી લે છે, પરંતુ ઇચ્છા હોવા છતાં તબિયતના કારણે પત્નીને સહાય કરી શકતા નથી. પાતરાં બનાવવા બેઠાં હોય અને પાણી ઓછું પડે તોય રંજનબહેનને જાતે ઊઠીને લેવું પડે. ઘરનાં રોજિંદા કામકાજ અને રસોઈ બનાવવાની સાથે વ્યવસાયને એકલપંડે મૅનેજ કરે છે. તેઓ કહે છે, ‘ઉંમર એનું કામ કરે; પરંતુ થાક, આળસ, કંટાળો, વૃદ્ધાવસ્થા જેવા નકારાત્મક શબ્દો મારા શબ્દકોશમાં નથી. ઉત્સાહ સાથે જીવન કઈ રીતે જીવવું એ આપણા હાથમાં છે.’
રંજનબહેનનાં હાથનાં બનાવેલાં અથાણાં હવે તો કૉર્પોરેટ ઑફિસ સુધી પહોંચી ગયાં છે. અનેક કેટરર્સવાળા પણ ઑર્ડર આપતા હોય છે. દર વર્ષે સીઝનમાં તેઓ અંદાજે ૧૫૦૦ કિલો જેટલું અથાણું એકલા હાથે બનાવી લે છે. વિન્ટર અથાણાં તો પાછાં જુદાં. કોઈ પણ જાતના ફૂડ કલર્સ કે આર્ટિફિશ્યલ પ્રિઝર્વેટિવ્સ ઍડ કરતાં નથી તેથી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તેમનાં અથાણાં અને અન્ય વાનગીઓ બેસ્ટ છે. ચોખ્ખાઈનાં એટલાં આગ્રહી કે હાઇજીન તો ટૉપ પર હોય. વાસ્તવમાં વન મૅન શોનો જે ટૅગ છે એ રંજનબહેનને બરાબર બંધ બેસે છે. આટલું બધું કામ કરીને પણ તેઓ ક્યારેય થાકતાં નથી. ગમે ત્યારે મળો, તેમનામાં તાજગી અને સ્ફૂર્તિ જોવા મળે. વિલે પાર્લે (વેસ્ટ)માં આવેલી બ્લાઇન્ડ લોકોની સ્કૂલમાં ફ્રીમાં અથાણાં સપ્લાય કરી માનવસેવાની ફરજ પણ બજાવે છે. ઘડપણમાં કંટાળી ગયેલા, આર્થિક સહાય માટે સંતાનો પર નિર્ભર રહેતા અને કોઈ જ પ્રવૃત્તિ જેમને સૂઝતી નથી એવા અનેક વડીલો માટે તેઓ દીવાદાંડી સમાન છે.

ઇનામો તો જીતવાનાં જ
રંજનબહેન માત્ર કિચન ક્વીન નહીં, ઑલરાઉન્ડર પર્સનાલિટી છે. નવરાત્રિમાં સરસ તૈયાર થઈ ફાલ્ગુની પાઠકની ઇવેન્ટમાં ગરબા રમવા જાય. દર વર્ષે વિલે પાર્લેની સાઠે કૉલેજમાં યોજવામાં આવતી સિનિયર સિટિઝન મહિલાઓ માટેની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઍક્ટિવ રહે છે. ડિસેમ્બર, ૨૦૨૦માં આયોજિત આરતી કૉમ્પિટિશનમાં તેમણે પપૈયાનાં બિયાંને કલર કરી રંગોળી બનાવી હતી. જ્ઞાતિના કાર્યક્રમોમાં પણ હોંશે-હોંશે ભાગ લે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના તેમના આઇડિયાઝ જબરદસ્ત હોય છે. ભરતગૂંથણમાં પણ હોશિયાર. હોંશીલાં એટલાં કે વર્ષમાં ઓછાંમાં ઓછાં ૧૫ જેટલાં ઇનામો પોતાના નામે કરીને જ જંપે.

શોખ પણ બરકરાર
સામાજિક અને વ્યવસાયિક જીવન વચ્ચે તાલમેલ રાખવાની સાથે રંજનબહેને પોતાના શોખને પણ જાળવી રાખ્યો છે. કાર્ડ્સ રમવાનો ગાંડો શોખ છે. આજકાલ મહિલાઓ જે રીતે કિટી પાર્ટીમાં જલસા કરે છે એવી જ રીતે તેમનું ૧૪ બહેનોનું મહિલા મંડળ ૩૫ વર્ષથી પાનાં રમવા માટે ખાસ સમય ફાળવે છે. ઘણી વાર એવું બને કે પાનાં રમવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય અને ઑડર્ર આવી જાય. આવી કશ્મકશમાં તેઓ ક્લાયન્ટ્સને કહી દે કે જો ચાલી શકે એમ હોય તો કાલ બનાવી આપું? આજે કાર્ડ્સ રમવા જવું છે.

Gujarati food columnists Varsha Chitaliya