દિલીપકુમારની ફેવરિટ રેસ્ટોરાં કૉપર ચીમનીમાં લંચ

05 August, 2021 01:45 PM IST  |  Mumbai | Sanjay Goradia

પચાસથી વધારે વર્ષથી ચાલતી વરલીની કૉપર ચીમનીની હવે તો અઢળક બ્રાન્ચ છે અને સ્વાદ પણ લગભગ સરખો. છતાંય યુસુફસાબની ફેવરિટ રેસ્ટોરાંમાં બેસીને લંચ લેવાની મજા કંઈક જુદી જ છે

કોપર ચીમની જાઓ તો આબે-હયાત સૂપ જરૂર મગાવજો.

કૉપર ચીમની. મુંબઈની જૂજ રેસ્ટોરાં એવી હશે જેમના વિશે દરેક બીજો મુંબઈકર જાણતો હોય. કૉપર ચીમની એવી જ રેસ્ટોરાં છે. બહુ પૉપ્યુલર અને ઑલમોસ્ટ બધાએ એનું નામ સાંભળ્યું હોય. લગભગ છેલ્લાં પચાસ વર્ષથી આ રેસ્ટોરાં છે. એના માલિકનું નામ જે. કે. કપૂર છે. પંજાબી ઓનર હોવાને લીધે કૉપર ચીમનીએ અમુક પંજાબી આઇટમોમાં ઑથેન્ટિક ટેસ્ટ જાળવી રાખ્યો છે. વરલીમાં આવેલી કૉપર ચીમની એ પહેલી રેસ્ટોરાં અને એ પછી કાલા ઘોડા, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, બાંદરા-વેસ્ટ, જુહુ એમ ઘણી જગ્યાએ થઈ ગઈ તો પવઈમાં ડિલિવરી કિલચન પણ બનાવ્યું. જોકે હું માનું છું કે જો તમારે સાચો સ્વાદ માણવો હોય તો હંમેશાં ઓરિજિનલ કે પછી પહેલી બ્રાન્ચમાં જવું. માનું પણ છું અને આ જ નિયમ પાળું પણ છું અને એટલે જ હમણાં અમે બધા મિત્રો કૉપર ચીમનીની વરલીવાળી રેસ્ટોરાંમાં લંચ માટે ગયા. આ રેસ્ટોરાંમાં એન્ટર થાઓ કે તમને ડાબી બાજુ દિલીપકુમારના ઘણા ફોટોગ્રાફ્સ જોવા મળે. એનું કારણ એ છે કે દિલીપકુમારની આ ફેવરિટ રેસ્ટોરાં હતી. 
કૉપર ચીમનીમાં અમે સૌથી પહેલાં આબે-હયાત સૂપ મગાવ્યો. શું સૂપ હતો, અદ્ભુત સાહેબ. વેજિટેબલ ક્રશ કરી એમાં ફ્રેશ કોકોનટ મિલ્ક, અડધા કૂક થયેલા લીલા વટાણા અને ઉપરથી હળદરનો સ્વાદ. હળદરને લીધે સૂપનો આખો ટેસ્ટ બદલાઈ ગયો તો અડધા કૂક થયેલા વટાણાને કારણે એ બાફનો સ્વાદ પણ ગળામાં અનુભવાતો હતો. સાચે જ મજા પડી ગઈ. હું કહીશ કે એક વાર કૉપર ચીમનીમાં આ આબે-હયાતનો સ્વાદ લેજો જ લેજો. સૂપ સાથે ક્રન્ચિનેસ માટે અમે ક્રિસ્પી રૂમાલી રોટી મગાવી હતી. ક્રિસ્પી રૂમાલી રોટી, ઉપર બટર અને એના પર ચિલી પાઉડરનો છંટકાવ. એની સાથે કાંદા-ટમેટાંનું સૅલડ અને એમાં લીલાં મરચાંના ટુકડા તો સાથે દહીં નાખીને બનાવેલી ગ્રીન ચટણી. જોકે એ કંઈ ન લીધું હોય અને ક્રિસ્પી રૂમાલી રોટી તથા સૂપના કૉમ્બિનેશનને જ ન્યાય આપ્યો હોય તો પણ જલસો પડી જાય.
હવે વાત મેઇન કોર્સની. અમે મગાવ્યું તો ઘણું, પણ આપણે વાત એની જ કરીશું જે ચર્ચાને યોગ્ય છે. 
સબ્ઝીમાં અમે મગાવી લસુની કૉર્ન પાલક સબ્ઝી. ક્રશ કરેલા પાલકના બેઝના આ શાકમાં લસણનો વઘાર હતો અને એમાં રહેલા મકાઈના દાણા ક્રન્ચિનેસ આપતા હતા. સબ્ઝીની ઉપર ફ્રાઇડ લસણના ઝીણા ટુકડાનું ગાર્નિશિંગ સબ્ઝીનું સૌંદર્ય વધારવાનું કામ કરતું તો ટેસ્ટને પણ વેંત ઊંચે લઈ જવાનું કામ કરતું હતું. દાળ અમે મગાવી હતી દાલ મહારાજા. સાચું કહું તો આ એનું નામ માત્ર છે. બાકી છે પેલી આપણી દાલ મખ્ખની. બ્લૅક દાળ જે બધી પંજાબી રેસ્ટોરાંમાં મળતી હોય છે. પણ હા, ટેસ્ટ એનો સુપર્બ હતો એની ના નહીં. આ કાળી દાળની એક ખાસિયત કહું તમને. પંજાબીઓના ઘરે જે દાળ બને છે એ રેસ્ટોરાંમાં મળે છે એટલી ઘાટી નથી હોતી, આપણી તુવેરની દાળ જેવી થોડી પાણી જેવી હોય અને એનો ટેસ્ટ પણ અલગ હોય છે. જો તમારે એ ઘરઘરાઉ દાલ મખ્ખનીનો ટેસ્ટ કરવો હોય તો તમને સાયનના કોલીવાડામાં આવેલી મિની પંજાબ રેસ્ટોરાંમાં મળશે. એ સિવાય મને તો બીજે ક્યાંય ચાખવા નથી મળી.
બ્રેડ પૉર્શનમાં બધાએ પોતપોતાની રીતે જે જોઈતું હતું એ મગાવ્યું હતું, પણ એ બધામાં આલા દરજ્જાનું જો કંઈ હતું તો એ ગાર્લિક નાન. એની ખાસિયત એ છે કે એમાં માત્ર નાનની ઉપર જ ગાર્લિક વાપરવામાં નથી આવતું, પણ નાનનો લોટ બંધાયો હોય ત્યારે એમાં જે પાણી વપરાય છે એ પણ ગાર્લિક પલાળી રાખેલું પાણી હોય છે. લોટ બંધાયા પછી પણ એમાં ગાર્લિકના ઝીણા ટુકડા નાખવામાં આવે અને નાન તૈયાર થઈ ગયા પછી પણ ગાર્લિક છાંટવામાં આવે. એને લીધે ગાર્લિક મોઢામાં આવે ત્યારે જ નહીં, નાન ખાતી વખતે પણ ગાર્લિકની આછી ખુશ્બૂ અને સ્વાદ તમને આવ્યા કરે. મજા ક્યાં છે ખબર છે તમને? આટલું ગાર્લિક વાંચવામાં તમને અતિરેક લાગી શકે, પણ સ્વાદમાં ક્યાંય ગાર્લિકનો અતિરેક નથી અને નાન ખાધા પછી ડકારમાં પણ ક્યાંય એની વાસ નથી આવતી.
ડિઝર્ટમાં પટિયાલા કુલ્ફીનો સ્વાદ માણવા જેવો છે. પટિયાલા કુલ્ફી હૅન્ડમેડ પ્રોસેસથી બની હતી એ એના સ્વાદ પરથી ખબર પડતી હતી. આમ પણ કુલ્ફી એને જ કહેવાય જે દેશી સંચામાં 
તૈયાર થાય. જોકે આજકાલ આ નિયમ બહુ ઓછા પાળે છે, પણ કૉપર ચીમની હજી એને વળગી રહી છે એ સારી વાત છે.
હવે વાત કરી લઈએ બિલની. નૅચરલી, અમારું બિલ તો સંયુક્ત આવ્યું હતું, પણ જો તમે આ બધું મગાવો તો એક વ્યક્તિના ઍવરેજ ૯૦૦થી ૧૦૦૦ રૂપિયાનું બિલ કાઉન્ટ કરી શકો.

Gujarati food mumbai food indian food columnists Sanjay Goradia