03 July, 2025 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાચોઝ વિથ મૅન્ગો સાલ્સા
આ રેસિપીને આપણે ચાર સ્ટેપમાં બનાવીશું.
સ્ટેપ ૧ નાચોઝ : ૧ કપ મકાઈનો લોટ, ૧/૨ કપ મેંદો, ૧/૨ ચમચી અજમો, ૧/૨ ચમચી મીઠું અને તળવા માટે તેલ.
એક બાઉલમાં મકાઈનો લોટ, મેંદો, અજમો અને મીઠું લઈ એમાં જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલી જેવો લોટ તૈયાર કરવો. પછી એના લૂઆ કરી કોરા મેંદાના લોટના અટામણ વાપરી પાતળી રોટલી જેવું વણી લેવું અને એના પર કાંટા-ચમચી વડે કાણાં પાડવાં જેથી એ ફૂલે નહીં. પછી એના ત્રિકોણ ટુકડા કરી કાપી લેવા. કડાઈમાં તેલ ગરમ કરવું અને મધ્યમ આંચ પર એને ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
સ્ટેપ ૨ મેક્સિકન મસાલોઃ ૧ ચમચી જીરું પાઉડર, ૧ ચમચી ધાણા પાઉડર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી સંચળ પાઉડર, ૧ ચમચી મીઠું, ૧ ચમચી આમચૂર પાઉડર અને ૧ ચમચી ગાર્લિક (લસણ) પાઉડર.
બધા મસાલાને મિક્સર જારમાં લઈ ચર્ન કરી લેવા જેથી બધું બરાબર મિક્સ થઈ જાય. ત્યાર બાદ એને એક બાઉલમાં કાઢી લો.
નાચોઝને જ્યારે તળી લો ત્યારે એ ગરમ હોય ત્યારે જ એના પર આ મસાલો છાંટવો.
સ્ટેપ ૩ ચીઝ સૉસઃ - ૧ ગ્લાસ દૂધ, ૧ ચમચી બટર, ૩-૪ ચીઝ ક્યુબ ખમણીને.
સૉસ પૅનમાં દૂધ, બટર અને ચીઝ મિક્સ કરી એને ગૅસ પર સતત હલાવતા ગરમ કરવું. બધું એકરસ અને જાડું થાય ત્યાં સુધી એટલે કે ૪-૫ મિનિટ સુધી ઉકાળવું. પછી ગૅસ બંધ કરવો અને એને ઠંડું થવા રાખવું, ઠંડું થયા પછી એ વધુ જાડું થશે.
સ્ટેપ ૪ મૅન્ગો સાલસાઃ ૧ ઝીણો સુધારેલો કાંદો, ૧ ઝીણું સુધારેલુ ટમેટું, ૧ ઝીણી સુધારેલી પાકી કેરી, ૨ આલપીનો મરચાં (એ ન હોય તો ભજિયા માટેનાં જાડાં મરચાં અથવા કૅપ્સિકમ મરચાં), ૧/૨ કપ બાફેલા રાજમા, ૧ લીંબુનો રસ, ૨ ચમચી ઝીણી સુધારેલી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું.
એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી મૅન્ગો સાલ્સા તૈયાર કરવું.
આ નાચોઝને બે રીતે સર્વ કરી શકાય
એક મોટી પ્લેટમાં નાચોઝ ચિપ્સ પાથરવી. એના પર પહેલાં ચીઝ સૉસ અને એના ઉપર મૅન્ગો સાલ્સા પાથરી સર્વ કરવું.
અથવા
નાચોઝ ચિપ્સને એક મોટી પ્લેટમાં લેવી અને ચીઝ સૉસ અને મૅન્ગો સાલ્સાને અલગ-અલગ-બાઉલમાં કાઢી પોતાની ચૉઇસના સૉસમાં ડિપ કરી ખાવું.