14 November, 2026 03:57 PM IST | Mumbai | Darshini Vashi
ફ્રૂવિચ, ઝેસ્ટી પેરી-પેરી વેજ, વૉટરમેલન વ્હિમ
તો માટુંગાનું ફલTOO કૅફે બેસ્ટ ઑપ્શન છે. ૬ મહિના પહેલાં ૩ ભાઈ-બહેનો દિવ્યા શિંદે, દીપા શિંદે અને અમન શિંદેએ શરૂ કરેલા આ કૅફેમાં ચટપટી ફ્રૂટ સૅન્ડવિચ, હોલસમ બાઉલ્સ અને ફ્રૂટ સ્મૂધી બાઉલ્સથી લઈને ઑર્ગેનિક ચૉકલેટ ડિઝર્ટ સુધીની ક્લીન ઇન્ગ્રિડિયન્ટ્સ આધારિત અઢળક વરાઇટીઝ મળે છે.
સામાન્ય રીતે સૅન્ડવિચનું નામ પડતાં જ આપણી નજર સામે બ્રેડ, બટર, ચીઝ અને મેયનીઝનું લેયર આવી જાય; પણ જો બ્રેડને બદલે તાજાં, રસદાર ફળો અને મેયનીઝને બદલે ગ્રીક યોગર્ટ કે સ્પાઇસી ફ્રૂટ-ચટણીનું કૉમ્બિનેશન કરવામાં આવે તો? માટુંગા-ઈસ્ટમાં આવેલા ફલ ટૂ કૅફેમાં આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં દુબઈની વાઇરલ વૉટરમેલન સૅન્ડવિચ અને ફળો તથા સ્પાઇસી પાઇનૅપલ કે જામફળની ચટણીના ફ્યુઝનવાળી ફ્રૂવિચ જેવી યુનિક આઇટમ્સ ફૂડ-લવર્સમાં ખાસ્સી આકર્ષણ જમાવી રહી છે.
આ અનોખા કન્સેપ્ટ પાછળની સ્ટોરી શૅર કરતાં કૅફેનાં ફાઉન્ડર દિવ્યા શિંદે કહે છે, ‘અમે ૩ ભાઈ-બહેનોએ મળીને ૬ મહિના પહેલાં જ આ કૅફે શરૂ કર્યું છે. ઘણી જગ્યાએ ફ્રૂટ સૅન્ડવિચ મળે છે, પણ ત્યાં બટર અને ખાંડ નાખીને વધુ પડતી ગળી સૅન્ડવિચ અપાય છે. મુંબઈગરાઓને ચટપટો સ્વાદ વધુ પસંદ હોવાથી અમે એમાં અમારો ટ્વિસ્ટ ઉમેર્યો. અમારા કિચનમાં શુગર, મેંદો કે મેયનીઝનો બિલકુલ ઉપયોગ નથી થતો. એને બદલે અમે હંગ-કર્ડ અને પનીર-બેઝ્ડ સૉસ વાપરીએ છીએ. અમારી વૉટરમેલન વ્હિમ સૅન્ડવિચમાં બ્રેડને બદલે તરબૂચની સ્લાઇસ વચ્ચે ફેટા ચીઝ અને હર્બ્સનું લેયર હોય છે, જેની સાથે મધ અથવા જૈન ગ્રાહકો માટે ખજૂરનું સિરપ અપાય છે. જ્યારે અમારી ખાસ ફ્રૂવિચ સૅન્ડવિચમાં હોલ વ્હીટ બ્રેડ પર સીઝનલ તાજાં ફળો, રૉ-પ્રોટીન અને ઇન-હાઉસ સ્પાઇસી-ટૅન્ગી પાઇનૅપલ કે જામફળની ચટણીનું લેયર હોય છે. એની સાથે અમે મેક્સિકન સૉસથી પ્રેરિત ખાસ ચમૉય સૉસ સર્વ કરીએ છીએ, જે દિવસભરના ફ્રૂટ કટિંગમાંથી વધેલાં તાજાં ફળોમાંથી જ બનાવાય છે.’
ફ્રૂટ સૅન્ડવિચ ઉપરાંત અહીં ગૉમે સૅન્ડવિચ, પ્રોટીન-રિચ સૅલડ અને ડિઝર્ટમાં પણ ઘણી યુનિક વરાઇટીઝ છે. આ વિશે વાત કરતાં દિવ્યા કહે છે, ‘મુંબઈની ભાગદોડભરી લાઇફમાં લોકો દરરોજ બહારની મોંઘી ચીજો ખાઈ શકતા નથી અને સસ્તા વિકલ્પોમાં ક્વૉલિટી મળતી નથી. એથી જ અમારો ઉદ્દેશ્ય લોકોની રોજિંદી લાઇફસ્ટાઇલમાં ફિટ થઈ શકે એવા વાજબી દરે એકદમ સ્વચ્છ અને ઑર્ગેનિક ઇન્ગ્રિડિયન્ટ્સવાળું ફૂડ આપવાનો છે. અમારી ઝેસ્ટી પેરી-પેરી વેજી સૅન્ડવિચ મેંદા કે મેયનીઝ વગર પણ બિલકુલ પીત્ઝા જેવો સ્વાદ આપે છે. હેલ્થ-કૉન્શિયસ લોકો માટે અમારી પાસે ગ્વાવા ફેટા કાપાચીયો સૅલડ ઉપરાંત ૩૬૦ ગ્રામના પ્રોટીન-પૅક્ડ સૅલડ્સમાં ગ્રીન ચણા પનીર-ટોફુ સૅલડ અને ચિકપી પાવર સૅલડ જેવા વિકલ્પો છે. એની સાથે ગ્રાહકો મિન્ટ-બેસિલ, હમસ કે અવાકાડો-પીનટ જેવા ૯ પ્રકારના હેલ્ધી ડ્રેસિંગ્સમાંથી કોઈ પણ ૩ ડ્રેસિંગ પસંદ કરી શકે છે. આ ઉપરાંત ડિઝર્ટમાં પામ ઑઇલવાળી કમ્પાઉન્ડ ચૉકલેટને બદલે ઑર્ગેનિક કુવચ્યૉર ચૉકલેટમાંથી બનેલો ટર્કિશ કુનાફા પણ લોકોને ખૂબ પસંદ આવે છે. અહીંના મેનુમાં જૈન વિકલ્પો પણ ઉપલબ્ધ છે.’
ક્યાં મળશે? : ફલTOO કૅફે, દેવઘર રોડ પર રણજિત સ્ટુડિયો નજીક, માટુંગા-ઈસ્ટ.