રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

19 July, 2021 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને`મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

દેવાંશી મુકેશ ગાલા, શિવડી

ઍપલ વૉલનટ ચૉકલેટ બૉલ્સ

સામગ્રી  
ઍપલ (સફરજન) ૨ નંગ, વૉલનટ (અખરોટ)ના ટુકડા ૧/૨ કપ, તજનો ભૂકો ૧/૨ કપ, ૧/૪ કપ સાકર, ૧ ચમચો મીઠાવાળું માખણ (બટર), ૧/૪ ફેસક્રીમ, ૧૫૦ ગ્રામ ચૉકલેટ બાર, ૧૦૦ ગ્રામ સાદા બિસ્કિટ, ૩ ચમચી દૂધ.
રીત  
ઍપલને છોલી છીણી દૂધ નાખી ૪ મિનિટ રાંધી એમાં ‌બિસ્કિટનો ભૂકો નાખી નરમ પૂરણ તૈયાર કરવું. એમાં તજનો ભૂકો છેલ્લે ઉમેરવો.
કૅરૅમલ માટે : કડાઈમાં કોરી સાકર પીગાળવી અને પછી એમાં બટર અને ત્યાર બાદ ક્રીમ નાખી ખૂબ હલાવી કૅરૅમલ તૈયાર કરી ઠંડું કરવું.
અખરોટના ટુકડા શેકી ઠંડા કરી એમાં કૅરૅમલ બે ચમચી ઉમેરી મિશ્રણ તૈયાર કરવું.
કોઈ પણ કૅડબરી ચૉકલેટ બારને નાના ટુકડા કરી (ડબલ બૉઇલ) કરી ઓગાળવી. ૧ મોટા તપેલામાં પાણી ઉકાળી એમાં નાનું તપેલું મૂકી એમાં ચૉકલેટ નાખીને એને ઓગાળવી. મોલ્ડ અથવા ઘરના ફ્ર‌િજમાં લીંબુની બે ટ્રે લઈ એને જરા ઘીથી ગ્રીસ કરી લેવી. એમાં ચૉકલેટ રેડવી. બધી બાજુ પસરાવી ઠંડી કરવી. પછી એમાં ઍપલનું પૂરણ નાની ચમચીથી ‌નાખવું. ત્યાર બાદ પાછી થોડી ચૉકલેટ નાખી ઠંડી કરવી અને ઉપર અખરોટ કૅરૅમલનું મિશ્રણ મૂકવું. કિનારી પર ચૉકલેટ લગાડી ૧ ટ્રે બીજી ટ્રેથી બંધ કરી ગોળાકાર બૉલ તૈયાર કરવા. ઠંડા કરી પીરસવા.
સજાવટ માટે બૉલ પર કૅરૅમલનાં ટીપાં પાડવાં, લાઇનો પાડવી અને તાજા ઍપલની ચીરીથી સજાવટ કરવી. 

કઠોળ પૂડલા ફ્રૅન્કી, દુર્ગા ઉદય પોપટ, ઘાટકોપર વેસ્ટ

સામગ્રી : 
મગ, મઠ, મસૂર, ચોળી આખી રાત પાણીમાં પલાળેલાં તથા થોડા ફણગા ફૂટેલા, ડુંગળી, ટમેટાં, કૅપ્સિકમ, મરચું, મરી પાઉડર, લીંબુનો રસ, સંચળ, ચાટ મસાલો, ચોખાનો લોટ ૧ વાટકી, ચણાનો લોટ અડધી વાટકી, જુવારનો લોટ બે ચમચા, ધાણા, ફુદીનાની ચટણી, મીઠી ચટણી, ૧ ચમચી તેલ, પાણી અને મીઠું સ્વાદ પ્રમાણે.
રીત :
પલાળેલાં કઠોળ થોડા ફણગા ફૂટેલા લેવા. મિક્સર જારમાં બધાં કઠોળ, ડુંગળી, લસણ, લીલાં મરચાં નાખવાં. પછી એને ક્રશ કરવું.
એક બાઉલમાં ક્રશ કરેલું મિશ્રણ, બધા લોટ, મીઠું, હળદર બધું નાખી પૂડલા જેવું ખીરું તૈયાર કરવું. હવે પૂડલા ઉતારી લેવા. પૂડલાને ૬-૭ મિનિટ સુધી ક્રિસ્પી થવા દેવા. ડુંગળી, 
ટમેટાં, લીંબુ, ફુદીનાનાં પાન, મરી પાઉડર બધું ભેગું કરી લેવું. હવે એક ડિશમાં પૂડલા લઈને એની ઉપર બન્ને ચટણી, ડુંગળી, ટમેટાં, લીંબુ, ફુદીનાનાં પાન, મરી પાઉડર બધું પાથરી દેવું.

તો તૈયાર છે પ્રોટીનથી એકદમ ભરપૂર એવી કઠોળ પૂડલા ફ્રેન્કી.

ખસ્તા પાલક સમોસા, રમા ભરત વરિયા, ઘાટકોપર

સામગ્રી  
૧૦ પાન પાલકનાં, બે વાટકી મેંદો, ૧ ચમચી અજમો, ૧ ચમચી આખા ધાણા, છ નંગ આખાં મરી, બે નંગ સૂકાં મરચાં, એક ચમચી જીરું, ૧ ચમચી હિંગ, ૧ ચમચી આમચૂર પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે, ૪ નંગ બટાટા, એક કપ લીલા વટાણા
સમોસા બનાવવાની રીત 
એક બાઉલમાં એક વાટકી મેંદાનો લોટ લેવો. એમાં પાલકની પ્યુરી નાખવી. એમાં અડધી ચમચી અજમો, ત્રણ ચમચી ઘી, સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી એનો કડક લોટ બાંધી લેવો. બીજા બાઉલમાં એક કપ મેંદો, ૧ ચમચી અજમો, ત્રણ ચમચી ઘી, સ્વાદ પ્રમાણે મીઠું નાખી કડક લોટ બાંધવો. લોટને ૧૦ મિનિટ ઢાંકીને રહેવા દો.
સ્ટફિંગ માટે : બે ચમચી તેલ ગરમ કરી એમાં એક ચમચી જીરું, એક ચમચી ધાણા, બે નંગ સૂકાં મરચાં, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું નાખી બધું ધીમા તાપે શેકી લેવું. ઠંડું થયા પછી અધકચરું મિક્સરમાં પીસી લેવું. ચાર બટાટા બાફીને ક્રશ કરવા. એમાં ૧ વાટકી વટાણા, પીસેલો પાઉડર મિક્સ કરી એના નાના ગોળા વાળવા.
વણવા માટે એક ગ્રીન લોટની પૂરી થોડી મોટી સાઇઝની વણવી. બીજી સફેદ પૂરી નાની વણવી અને એના ઉપર મૂકવી. ગ્રીન ફેરવીને નીચે સફેદ ઉપર વેલણથી થોડી વણી પલટાવી ફેરવી નાખવી. ત્રિકોણ શેપ આપવો. વચ્ચે પૂરણ મૂકી મેંદાની સ્લરીથી ત્રણે બાજુ જૉઇન કરવી. ફૉર્કથી શેપ આપી ત્રિકોણ દબાવી દેવા. પછી ધીમા તાપે તેલ મૂકી તળી લેવા. હવે એને ટમેટો કેચપ સાથે સર્વ કરો ગરમાગરમ.

Gujarati food mumbai food indian food