રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

20 July, 2021 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને`મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

હેતલ આશીષ શાહ, ઘાટકોપર

બર્ગર ચૉકલેટ રસગુલ્લા

સામગ્રી  
અડધો લિટર ગાયનું દૂધ, અડધી ચમચી વિનેગર, કોપરાનું ખમણ, બે ચમચી ગ્રીન ફૂડ કલર, શિંગદાણાનો ભૂકો, બે ચમચી એલચીનો ભૂકો, ટુટીફ્રૂટી, સિલ્વર બૉલ્સ, ચૉકલેટ સૉસ, સાકરની ચાસણી
રીત 
સૌપ્રથમ ગાયના દૂધને ગરમ કરી એમાં ઊભરો આવે એટલે વિનેગર નાખી ફાડી લેવું. ઠંડું પડે એટલે કપડામાં ગાળી એને પાણીથી ધોઈ લો. હવે આ પનીરને થાળીમાં લઈ બરાબર મસળી લો. હવે એનું મોટું ગુલ્લું બનાવી અડધો કપ સાકર, બે વાટકી પાણી લઈ એમાં ૧૫ મિનિટ માટે પનીર બૉલને ઉકાળો. હવે તમારું બન પાંઉ તૈયાર. ઠંડું પડે એટલે વચ્ચેથી કટ કરો. હવે કોપરાનું ખમણ, પિસ્તાનો ભૂકો, ગ્રીન કલર અને થોડું દૂધ નાખી પત્તા ગોબીની જેમ એને શેપ આપો.
ટીકડી માટે : શિંગદાણાનો ભૂકો, એલચી, કોપરાનું છીણ અને થોડું દૂધ નાખી એને મસળીને ટિક્કી તૈયાર 
કરો. હવે બે પનીરના બનને કટ કરી એના પર પત્તા ગોબી એટલે કે 
પિસ્તાંની સ્લાઇસ, એની ઉપર શિંગદાણાની ટિક્કી, ટુટીફ્રૂટી નાખો. પછી સૉસની જગ્યાએ થોડું રોઝ સિરપ નાખો અને પાંઉની ઉપર જેમ તલ હોય એમ સિલ્વર બૉલ્સ અને રસગુલ્લાને ચૉકલેટ સૉસથી કલર કરો એટલે બર્ગરની ઇફેક્ટ આવી જાય.
આમ આપણું બર્ગર રસગુલ્લા તૈયાર.

ખીચડી બૉલ્સ, અમર સેજપાલ, મીરા રોડ

સામગ્રી 
૧ બાઉલ ખીચડી (લેફ્ટઓવર),  ૩ ચમચા સોયાબીનનો લોટ, ૧ ચમચી આદુંમરચાંની પેસ્ટ, અડધી ચમચી ચાટમસાલો, ૫-૬ ફુદીનાનાં પાન, ૪ ચમચી બ્રેડક્રમ્સ, તેલ જરૂર મુજબ, મીઠું જરૂર મુજબ
રીત
સૌપ્રથમ ખીચડી એક બાઉલમાં લઈ એમાં સોયાબીનનો લોટ, ચાટ મસાલો, ફુદીનાનાં પાન, લોટના ભાગનું મરચું અને મીઠું નાખી મિક્સ કરી લેવું. હવે હાથને તેલ લગાવી બૉલ્સ વાળી લેવા. બ્રેડક્રમ્સમાં કોટ કરી શેકી લેવા. કોટ કરવાથી એકદમ મસ્ત ક્રન્ચી બૉલ્સ બનશે. હવે બૉલ્સને અપ્પમ પાત્રમાં શેકી લેવા.
તો તૈયાર છે ખીચડી બૉલ્સ.

ઇટાલિયન પીત્ઝા ઢોકળા, ડૉ. મોના અમિત શાહ, વિલે પાર્લે

સામગ્રી  
૧ કપ અમેરિકન મકાઈ, ૧/૨ કપ રવો, ૮-૧૦ નંગ ફણસી બારીક સમારેલી, ૧/૨ કૅપ્સિકમ બારીક સમારેલું, મીઠું, બે ચમચી લીલાં આદું-મરચાની પેસ્ટ, ૧ નંગ લીંબુ, ૧ ચમચી ટાકો સીઝનિંગ મિક્સ, ૧ પૅકેટ ઈનો, તેલ
ડેકોરેશન માટે : ૧ ક્યુબ ચીઝ, શેઝવાન સૉસ, કોથમીર, ચિલી ફ્લેક્સ

રીત
મકાઈના દાણા મિક્સરમાં ૧ કપ પાણી નાખી ચર્ન કરવા. એક બાઉલમાં મકાઈનું ખીરું, રવો તથા બધો મસાલો, લીંબુ નાખી મિક્સ કરવું. જરૂર પડે તો અડધો કપ પાણી નાખવું. ઢોકળાના ખીરા કરતાં સહેજ લચકા પડતું ખીરું રાખવું. ઢોકળિયામાં થાળી તેલથી ગ્રીસ કરી ગરમ કરવા મૂકવી. ઈનો નાખી હલાવીને ખીરું સ્પ્રેડ કરવું. ૨૦ મિનિટ પછી બહાર કાઢી સહેજ પાણી છાંટવું. ઠંડું પડે પછી અનમોલ્ડ કરવી. પીત્ઝા કટરથી કાપા પાડવા. ચિલી ફ્લેક્સ તથા ચીઝ ખમણીને નાખવા. શેઝવાન સૉસ સાથે સર્વ કરવું. ટાકો સીઝનિંગ મિક્સની જગ્યાએ પેરી પેરી મસાલો નાખી શકાય.

Gujarati food mumbai food indian food