18 April, 2025 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિની પોર્ટેબલ સ્માર્ટ વૅક્યુમ સીલર
માર્કેટમાં છાશવારે અવનવાં સ્માર્ટ ગૅજેટ્સ આવતાં હોય છે જે આપણા જીવનને વધુ સરળ બનાવવાનું કામ કરતાં હોય છે. નોકરિયાત વર્ગને દરરોજ માર્કેટમાં જઈને ફ્રેશ શાકભાજી લાવવાનો સમય ન મળતો હોવાથી ફ્રિજમાં અઠવાડિયાનું શાક સ્ટોર કરી રાખે છે. જોકે ગરમીની સીઝનમાં એ ત્રણ દિવસથી વધુ રહે તો ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઈ-કૉમર્સ સાઇટમાં પૉપ્યુલર થઈ રહેલું મિની પોર્ટેબલ સ્માર્ટ વૅક્યુમ સીલર કામમાં આવી શકે એમ છે. રીચાર્જેબલ લિથિયમ બૅટરીવાળું આ વૅક્યુમ સીલર સાઇઝમાં એટલું નાનું હોય છે કે એ રસોડામાં જગ્યા રોકતું નથી. એક બટન દબાવતાં એ વૅક્યુમ ઝિપર બૅગમાંથી હવા ખેંચવાનું શરૂ કરી દે છે અને શાકભાજીને લાંબા સમય સુધી ફ્રેશ રાખે છે.
કેવી રીતે વાપરવું?
વૅક્યુમ સીલર સાથે વૅક્યુમ ઝિપ બૅગ પણ આવે છે. એને ઝિપ લૉક કરીને બૅગ પરના વાલ્વ પર સીલર મૂકો અને પાવર બટન દબાવી રાખો. સીલર હવા ખેંચવાનું શરૂ કરશે અને પાંચ સેકન્ડમાં એ બધી જ હવા ખેંચી લેશે. ત્યાર બાદ બટનને છોડો અને સીલરને દૂર કરીને બૅગને ફ્રિજમાં રાખી દો.
આઇડિયલ યુઝ
આ ડિવાઇસનો ઉપયોગ ફક્ત શાકભાજીને સારી રાખવા જ નહીં પણ દાળ, અનાજ, સૂકા નાસ્તા, થેપલાં અને સૅન્ડવિચ જેવી વાનગીઓને લાંબા સમય સુધી તાજી રાખવા માટે થાય છે. ઘણા લોકો મીઠાઈને પણ વૅક્યુમ સીલ કરે છે. એનો આઇડિયલ યુઝ ટ્રાવેલ માટે પણ થાય છે. એના દ્વારા ઘરે બનાવેલા ખોરાકને હવા અને ભેજથી બચાવીને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય છે. બહાર રહીને પણ ઘરનું ભોજન કરવાના આગ્રહી હોય એ લોકો માટે આ ડિવાઇસ બહુ કામની ચીજ છે.
પ્રાઇસ
ડિવાઈસ ભલે નાનું છે, પણ એની કિંમત મિડલ ક્લાસને પરવડે એવી નથી. ઈ-કૉમર્સ સાઇટ પર નાનકડા વૅક્યુમ સીલરની કિંમત ૮૭૦૦ રૂપિયા જેટલી છે. જોકે એ બ્રૅન્ડેડ અને કામનું હોવાથી મિડલ ક્લાસ ગૃહિણીની ઇચ્છા એક વાર તો થતી હશે કે મારી પાસે પણ આ ગૅજેટ હોય તો કેવું સારું.