સ્વદેશી મોહનથાળ શું કામ ડિઝર્વ કરે છે દિવાળીની મસ્ટ અને મસ્ત મીઠાઈનું સ્ટેટસ?

20 October, 2025 02:20 PM IST  |  Mumbai | Mukesh Pandya

શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં સાત્ત્વિક ભોજનની જે વ્યાખ્યા આપી છે એમાં મોહનથાળ ફિટ બેસે છે. મોહનથાળમાં વપરાતો લોટ તનમનને પુષ્ટ કરે છે તો દૂધ અને શેરડીના રસમાંથી બનતા ખાંડ કે ગોળ શક્તિ પ્રદાન કરે છે.

સ્વદેશી મોહનથાળ શું કામ ડિઝર્વ કરે છે દિવાળીની મસ્ટ અને મસ્ત મીઠાઈનું સ્ટેટસ?

શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં સાત્ત્વિક ભોજનની જે વ્યાખ્યા આપી છે એમાં મોહનથાળ ફિટ બેસે છે. મોહનથાળમાં વપરાતો લોટ તનમનને પુષ્ટ કરે છે તો દૂધ અને શેરડીના રસમાંથી બનતા ખાંડ કે ગોળ શક્તિ પ્રદાન કરે છે. આજની ડાયટ સિસ્ટમ મુજબ પણ મોહનથાળ હેલ્ધી સ્વીટ્સના બધા જ ગુણો ધરાવે છે.

આજથી પચાસ વર્ષ પૂર્વે દિવાળી આવે એટલે દરેક ગુજરાતી વ્યક્તિ પછી તે ગામમાં રહેતી હોય કે શહેરમાં, ગરીબ હોય કે શ્રીમંત, સહુને મોહનથાળની યાદ આવી જ જતી. ઘણી ગુજરાતી ગૃહિણીઓ વર્ષમાં ક્યારેય મોહનથાળ ઘરમાં ન બનાવતી હોય પરંતુ જેવી દિવાળી આવે એવી તેમને ઘૂઘરા અને મોહનથાળ જેવી મીઠાઈઓ ઘરે બનાવવાની ચાનક અચૂક ઊપડતી. ઘણી દીકરીઓ લગ્ન પહેલાં મા પાસેથી મોહનથાળ બનાવવાનું શીખીને આવતી અને જેમને ન આવડતો હોય તે પણ સાસુઓ પાસે શીખવાનો પ્રયત્ન અવશ્ય કરતી. સાસુ ન હોય તો નણંદ, ભોજાઈ કે પાડોશણને બોલાવી મોહનથાળ તો બનાવે જ એટલું જ નહીં, નવા વર્ષે એકબીજાને ત્યાં મળવા જાય ત્યારે એકબીજાના ઘરનો મોહનથાળ અચૂક ચાખવાનો અને ચખાડવાનો. સરખામણી કરવાની, મોહનથાળ થોડો કડક થઈ ગયો, નરમ થઈ ગયો, સુધરી ગયો, બગડી ગયો એ બધી ચર્ચાઓ દિવાળી સમયે ઘરમાં, ઘરની બહાર અને ફોન પર સુધ્ધાં દિવસો સુધી ચાલતી રહેતી. 
એ પછીના સમયમાં વધુ ને વધુ મહિલાઓ નોકરી કરતી થઈ ગઈ તો પણ દિવાળીના તૈયાર નાસ્તાનો કોઈને ઑર્ડર આપતી વખતે મોહનથાળ તો અચૂક મગાવતી. ઘરે ન બનાવી શકે પરંતુ મગાવીને પણ ખાય તો જ દિવાળી ઊજવી હોય એવું લાગતું. જૂના સમયમાં કોઈ લગ્ન-જનોઈ જેવો જાહેર પ્રસંગ હોય તો ખાસ કરીને ગામડામાં અચૂક મોહનથાળ બનાવવાનો રિવાજ હતો. ગરમાગરમ પ્રવાહી મોહનથાળ મોટા થાળમાં ઢાળવામાં આવતો અને પછી ઠંડો પડી જાય ત્યારે ચોસલાના રૂપમાં કાપી લેવાતો. ઢળીને સુકાઈ ગયેલા આ ચોસલાને ‘ઢળિયું’ કહેતા. 

મોહનથાળનો ઇતિહાસ 
ભારતની આ ભાતીગળ મીઠાઈ જૂની જ નહીં પણ પૌરાણિક કહી શકાય એટલી પુરાણી પણ છે. કહેવાય છે કે દ્વાપરયુગમાં માતા જશોદા ગોળ, ગાયનું ધી અને લોટમાંથી મીઠાઈ બનાવીને કૃષ્ણને ખવડાવી હતી. ત્યારથી આ મીઠાઈ કૃષ્ણભક્તો વારતહેવારે શ્રીકૃષ્ણને અચૂક ધરાવે છે. કૃષ્ણ અર્થાત મોહનને ધરાવાતો થાળ એટલે મોહનથાળ. આજે પણ ઘણા સંપ્રદાયોમાં અને મંદિરોમાં ખાસ કરીને ગુજરાત-રાજસ્થાનમાં મોહનથાળ જ પ્રસાદ તરીકે ધરાવાય છે. પ્રસાદ તરીકે મોહનથાળની વરણી થઈ છે એ પણ યોગ્ય જ છે. આ મીઠાઈની ગણના સાત્ત્વિક પદાર્થ તરીકે થાય છે. શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં સાત્ત્વિક ભોજનની જે વ્યાખ્યા આપી છે એમાં મોહનથાળ ફિટ બેસે છે. સાત્ત્વિક ભોજનમાં પૌષ્ટિક, મીઠાશવાળી અને રસ ધરાવતી ચીજોનો સમાવેશ થાય છે. મોહનથાળમાં વપરાતો લોટ તનમનને પુષ્ટ કરે છે તો દૂધ અને શેરડીના રસમાંથી બનતા ખાંડ કે ગોળ શક્તિ પ્રદાન કરે છે. મોહનથાળમાં કોઈ રજસ (ખારો, ખાટો, તીખો) કે તામસી (વાસી કે તીવ્ર દુર્ગંધવાળા) પદાર્થો હોતા નથી એટલે ધાર્મિક ક્રિયાઓ અને ‘પ્રસાદ’ તરીકે ધરવામાં પણ ઉત્તમ છે. નવા વર્ષે કૃષ્ણ કે સ્વામીનારાયણનાં મંદિરોમાં ધરાવાતા છપ્પન ભોગોમાં મોહનથાળનું સ્થાન મોખરે હોય છે. 

મોહનથાળનું વિજ્ઞાન 
મોહનથાળની બનાવટ એટલી વૈજ્ઞાનિક છે કે એ લાંબો સમય સુધી બગડતો નથી અને સહુના સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે. માવામાંથી બનતી મીઠાઈ કે દૂધને ફાડીને બનાવાતી મીઠાઈ ત્રણ-ચાર દિવસથી વધુ ટકતી નથી પણ મોહનથાળ ઘીમાંથી બનેલી મીઠાઈઓમાંની એક છે. ઘીની વાનગીઓ બે-ત્રણ અઠવાડિયાં સુધી પણ ટકે છે. અગાઉના સમયમાં ઘીમાંથી બનતા લાડવા, સુખડી કે મોહનથાળ એટલા માટે લોકો લાંબા પ્રવાસ સમયે પણ સાથે રાખતા. ઘી માવા કરતાં સરખામણીમાં વધુ ટકે છે. ઊલટાનું ઘી જેમ જૂનું એમ એની ગુણવત્તા વધતી જાય છે. માણસના શરીરને ટકી રહેવા માટે ત્રણ જાતનાં પોષક તત્ત્વો જરૂરી હોય છે. ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ. મોહનથાળમાં રહેલું ઘી શરીરને જોઈતી ચરબી પૂરી પાડે છે તો ચણાનો લોટ અને દૂધનો ધાબો પ્રોટીન પૂરું પાડે છે. વળી ગોળ કે ખાંડ શરીરને તાત્કાલિક ઊર્જા આપતાં કાર્બોહાઇડ્રેટ્સ પૂરાં પાડે છે. આ ઉપરાંત મોહનથાળમાં ભભરાવાતાં બદામ-પિસ્તાં શરીરને મિનરલ્સ અને વિટામિન્સ પૂરાં પાડે છે તો એલચી-કેસરનો વપરાશ મીઠાઈને સ્વદિષ્ટ અને સુગંધિત બનાવી દે છે. આમ મોહનથાળ  શરીરને દરેક પ્રકારના પોષણ આપતો ઉત્તમ અને સંપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. મોહનથાળ નામ પ્રમાણે જ સહુને મોહી લે એવી મીઠાઈ છે. એને વધુ આકર્ષિત કરવા ચાંદીનો વરખ ૫ણ લગાડી શકાય છે. મોહનથાળ ખાંડને બદલે ગોળમાંથી બનાવી શકો તો અતિઉત્તમ. 

સ્વાદ, સ્વાસ્થ્ય અને સ્વદેશી ભાવનાનો સોનેરી સંગમ 
આજે આપણે દેશી મીઠાઈઓને બદલે ભાતભાતની વિદેશી ચૉકલેટ્સનાં પૅકેટ્સ દિવાળી ગિફ્ટ તરીકે આપતા થઈ ગયા છીએ પરંતુ વડા પ્રધાને કહ્યું એમ જો સ્વદેશી ચીજોનો વપરાશ વધારીએ તો એ દેશના આર્થિક હિતમાં જ છે. રૂપાળા રંગીન અને ચમકીલા રૅપરમાં વીંટળાયેલી વિવિધ જાતની ચૉકલેટોનો ૧ કિલોનો ભાવ ગણવા જાઓ તો સહેજે ૧૦૦૦થી ૨૦૦૦ રૂપિયા જેટલો થઈ જાય. આની સામે આજે પણ સારી ક્વૉલિટીનો મોહનથાળ ૪૦૦થી ૫૦૦ રૂપિયે કિલો મળી શકે છે જે સરવાળે સસ્તો પડે છે. ચૉકલેટ્સ દાંતના સડાથી લઈ બીજી અનેક શારીરિક બીમારીઓ વકરાવી શકે છે એ જોતાં મોહનથાળ પૌષ્ટિકતા, સત્ત્વ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ લાભકારક છે. આ મીઠાઈના બહોળા ઉપયોગથી ભારતીય વેપારીઓ અને ભારતીય બજારોને વેગ મળે છે. ભારતનો પૈસો ભારતમાં જ રહી અનેક કારીગરોના જીવનને ઉજાળતો રહે છે. વડા પ્રધાને હાલમાં જ સ્વદેશી ચીજોનો ઉપયોગ વધારવાની જે ભલામણ કરી છે તો એનો અમલ કરવાનો રૂડો અવસર દિવાળીથી બીજો વળી કયો હોઈ શકે ભલા?

food news street food Gujarati food indian food rajasthan gujarat