02 May, 2026 11:14 AM IST | Mumbai | Darshini Vashi
આમચી મિસળ X ધ સબ હબ
ગરમાગરમ વડાપાંઉ ખાવાની જેટલી મજા આવે છે એટલી જ મજા તીખુંતમતમતું મિસળ ખાવાની પણ આવે છે. એમાં પણ જો આ મિસળ હોમમેડ ગુજરાતી મસાલા સાથેનું અસ્સલ કોલ્હાપુરી ટેસ્ટ સાથેનું હોય તો પછી ખરેખર મજા જ પડી જાય છે. જો તમારે પણ આવું મિસળ ખાવું હોય તો બોરીવલીની આ જગ્યાએ આવવું પડશે જ્યાં મા-દીકરાની જોડી મિસળ ઉપરાંત બીજી પણ ચટાકેદાર વાનગીઓ પીરસી રહી છે.
કોલ્હાપુરી મિસળ: રૂ. 70
આમચી મિસળ x ધ સબ હબના પુરવ ગાંધી કહે છે, ‘મારી મમ્મીને મેં નાનપણથી ટિફિન બનાવતાં જોઈ છે. તે રોજ અલગ-અલગ વાનગીઓ બનાવીને ટિફિનમાં ભરતી એટલે મને એમાં રસ તો પહેલેથી જ હતો. મેં હોટેલ મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો. હું મારું પોતાનું કંઈક શરૂ કરવા માગતો હતો, પણ મને કંઈ સૂઝતું નહોતું. ત્યારે મમ્મીએ મને મદદ કરી. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે ચાલ, સાથે મળીને કંઈક બનાવીએ. ત્યાર બાદ જન્મ થયો આમચી મિસળનો જે ફૂડ-સ્ટૉલ નહીં પણ મારી મમ્મીનો વિશ્વાસ અને મારું સપનું છે. અહીં હું અને મારી મમ્મી પ્રીતિ ગાંધી કોલ્હાપુરી મિસળ અને વડાપાંઉ બનાવીએ છીએ. એની અંદર ઉમેરવામાં આવતી સામગ્રીથી લઈને મસાલા સુધીની દરેક વસ્તુ અમે જાતે તૈયાર કરીએ છીએ. નૉર્મલી બોરીવલીમાં પુણેરી મિસળ અને નાશિક મિસળ ઘણી જગ્યાએ મળે છે, પરંતુ કોલ્હાપુરી મિસળ દરેક જગ્યાએ મળતું નથી. ખાસ કરીને બોરીવલીમાં કોલ્હાપુરી મિસળ બહુ જૂજ કહી શકાય એટલી જગ્યાએ જ મળે છે. અહીં અમે સવારના સમયે કોલ્હાપુરી મિસળ ઉપરાંત દહીં મિસળ, ફ્રાય મિસળ, બટાટાવડાં વગેરે બનાવીએ છીએ, જ્યારે સાંજના સમયે અલગ-અલગ પ્રકારની સૅન્ડવિચ બનાવીએ છીએ.’
બટાટાવડાં (પ્લેટ): રૂ. 35
ક્યાં મળશે? : આમચી મિસળ X ધ સબ હબ, બેલા વિસ્ટા, ચંદાવરકર રોડ, બોરીવલી-વેસ્ટ